Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પૂરની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવતા NDRF ની ટીમ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ભુવનેશ્વર જવા રવાના થઈ

દક્ષિણ ગુજરાતના વલસાડ-નવસારી સહિતના વિસ્તારોમાં હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાને કારણે NDRF ટીમને યુનિટ હેડ દ્વારા પરત જવાના આદેશ આપવામાં આવ્યા

સુરત: તાજેતરમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં વલસાડ-નવસારી ખાતે ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓડિશાના ભુવનેશ્વરથી NDRF ની ટીમ સુરત ખાતે આવી હતી. ત્યારે હાલ પૂરની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવતા NDRF ની ટીમ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ભુવનેશ્વર જવા રવાના થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સુરત એરપોર્ટ ખાતેથી NDRF ની ટીમ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ભુવનેશ્વર જવા રવાના થઈ છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ-નવસારી સહિતના વિસ્તારોમાં હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાને કારણે NDRF ટીમને યુનિટ હેડ દ્વારા પરત જવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે NDRF બટાલિયન -3 ના 30 કરતાં વધુ જવાનો આજે ભુવનેશ્વર ખાતે પહોંચી જશે.

ત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જુદા-જુદા વિસ્તારમાં પડેલ ધોધમાર વરસાદ અને હવામાન ખાતાની આગાહીને પગલે ભારતીય વાયુસેનાની 105 જવાનો સાથેની પાંચ વિશેષ ટીમો ગુજરાત ખાતે આવી હતી. જેમાં ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી NDRF ની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી હતી.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તિ હતી. જેમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. અવીરત પણે પડેલા વરસાદને કારણે વલસાડ અને નવસારીની પૂર્ણા, ઔરંગા સહિતની નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ સ્થિતિમાં NDRF ની ટીમ દ્વારા દેવદૂત બનીને પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. NDRF ની ટીમે પોતાના જીવ જોખમમાં મુકીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને વિરામ લીધો છે. તેમજ નવસારી-વલસાડમાં પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. જેને પગલે ભુવનેશ્વર ખાતેથી આવેલી NDRF ની ટીમને પરત જવાના આદેશ કરાયા હતા. આજે સુરત એરપોર્ટ ખાતેથી NDRF ની ટીમ ભારતીય વાયુસેનાના વિમાનમાં ભુવનેશ્વર જવા રવાના થઈ હતી. જે થોડા સમયમાં ભુવનેશ્વર પહોંચશે.

(5:46 pm IST)