Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને ભાભરા પાણીમાં પ્રજનન માટે આવતી સાગરના સુકામેવા સમાન હિલ્સા માછલીએ જિલ્લાના 25 હજાર માછીમાર પરિવારોમાં હરખની હેલી ફેલાવી દીધી

દેવપોઢી એકાદશીથી 1100 બોટ લઈ માછીમારો નીકળ્યા હતા હવે સરેરાશ કુલ ગણીએ તો પેહલા જુવાળમાં 4.40 લાખ જેટલી માછલીઓ જિલ્લાના માછીમારોને મળી

ભરૂચ: મછલી હે સાગર કા મેવા, ઓર ભી દેગા દેવા અને નર્મદે સર્વ દે ની ઉક્તિ ભરૂચના સાગરખેડુઓ માછીમારો માટે આ વર્ષે પેહલા જ જુવાળમાં સાર્થક થઈ છે.

દેવપોઢી એકાદશીથી ભરૂચ જિલ્લાના માછીમારોએ નર્મદા નદી અને સમુદ્ર દેવનું વિધિવત પૂજન અર્ચન કરી આ વર્ષની ચોમાસાની મૌસમની શરૂઆત કરી હતી. નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને ભાભરા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીએ જિલ્લાના 25 હજાર માછીમાર પરિવારોમાં હરખની હેલી ફેલાવી દીધી છે.

પેહલા જુવાળમાં જ માછીમારોને સાગરના સુકામેવા સમાન અને વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલીની ભરપૂર આવક થઈ છે. સાથે આ વર્ષે ભાવ પણ ગત વર્ષ કરતા વધુ મળી રહ્યાં છે.

ભાડભુત નદી કિનારે તો હાલ ઉત્સવમય માહોલ જેવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યાં બનાવેલી વખારો અને દુકાનો ધમધમી રહી છે. અન્ય શહેરો, રાજ્યના વેપારીઓ પણ હિલ્સાની ખરીદી માટે આવી રહ્યા છે.

પેહલા જુવાળમાં એક બોટ દીઠ 400 થી 550 હિલ્સા માછલી મળી છે. આ વખતે એક કિલો હિલ્સાનો ભાવ પણ ₹600 થી 650 છે. જે ગત વર્ષે ઓછા હતા.

દેવપોઢી એકાદશીથી 1100 બોટ લઈ માછીમારો નીકળ્યા હતા હવે સરેરાશ કુલ ગણીએ તો પેહલા જુવાળમાં 4.40 લાખ જેટલી માછલીઓ જિલ્લાના માછીમારોને મળી. જેની કિંમત ₹600 લેખે પણ કિલોના ગણી એ તો ₹26.40 કરોડ હિલ્સા માછલીઓની કમાણી થઈ છે.

· 4 મહિનાની ચોમાસાની સિઝનથી જિલ્લાના માછીમારો સમગ્ર વર્ષનું ગુજરાન ચલાવે છે

જિલ્લાના 25 હજાર માછીમાર પરિવારો ચોમાસા 4 મહિના સુધી દરિયો ખેડી હિલ્સા માછલી પકડી પોતાની વાર્ષિક કમાણી કરતા હોય છે. પૂજન અર્ચન બાદ માછીમારો તેઓની નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડે છે.

· નર્મદાના મીઠા જળમાં ઈંડા મૂળવા આવતી હિલ્સા

ભરૂચની નર્મદા નદીના મીઠા પાણીમાં મળતી હિલ્સા માછલી મૂળ દરીયાની વતની છે. પરંતુ તે પોતાના બચ્ચાંને મીઠા નિર્મળ શુદ્ધ જળમાં ઉછેરવા દર વર્ષે જુનથી ઓગષ્ટ મહિના સુધી કિલોમીટરોની સમુદ્રમાં સફર ખેડી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે.

· સુરત-મુંબઈ, કલકતાના મોટા વેપારીઓના હિલ્સા ખરીદીવા ધામા

દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની શરૂઆત થઈ ગઈ છે. પહેલો મોટો જુવાળ આવી ગયો છે. હજી 4 જેટલા જુવાળ આવશે. ચોમાસાની સીઝનમાં ભાડભૂતનાં માછીમારોએ પકડેલી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જયાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે. ભાડભૂત ખાતે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઇ અને કલકત્તાનાં વેપારીઓ પણ માછલી ખરીદવા ભાડભૂતમાં ગામમાં ધામ નાખે છે.

(5:47 pm IST)