Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વિરમગામ તાલુકાના સુધાબહેનનો આત્મવિશ્વાસભર્યો સંકલ્પ – આજીવન બની રહીશ આત્મનિર્ભર : ૧૦ સખી મંડળની બહેનો સાથે મળીને કરે છે હસ્ત કારીગરી નું કામ

આત્મનિર્ભર સુધાબહેન સમાજની મહિલાઓને સખી મંડળ જેવાં જૂથોમાં જોડાઈને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા પૂરી પાડે છે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નિવૃત્તિ માટેનો માપદંડ ઉંમર ન હોઈ શકે, એનું એક ઉમદા ઉદાહરણ એટલે વિરમગામ નજીકના ઓગણ ગામનાં સુધાબહેન સોલંકી. આજે ૬૮ વર્ષની જૈફ વયે પણ સુધાબહેન સખીમંડળોમાં સક્રિય છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ને સાકાર કરી રહ્યાં છે. આજીવન આત્મનિર્ભર બની રહેવાનો સંકલ્પ ધરાવતાં સુધાબહેનનો આત્મવિશ્વાસ અન્ય બહેનોમાં પણ પ્રેરણા અને જુસ્સાનો સ્રોત બન્યો છે. ઉંમરના આ તબક્કે કામ કરવાનો તેમનો જુસ્સો સખી મંડળની બહેનોમાં નવા જોમ પૂરે છે. વડાપ્રધાનમંત્રી મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્ન તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ માટેના પ્રયાસોમાં તેઓ પણ પોતાનું આગવું યોગદાન આપી રહ્યાં છે.
સુધાબહેન પહેલાં આંગણવાડીમાં નોકરી કરતાં હતાં. આંગણવાડીની કામગીરી દરમિયાન તેમની આસપાસનાં ગામડાંઓની મહિલાઓ સાથે સંબંધો મજબૂત બન્યા અને એ સંબંધો તેમણે જાળવી રાખ્યાં. આ સંબંધો અને પરસ્પરના વિશ્વાસને કારણે જ આજે તેમના નેતૃત્વમાં સેંકડો ગ્રામીણ મહિલાઓ સખી મંડળ પ્રવૃત્તિ સાથે જોડાઈ છે અને પોતે તો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે, સાથે સાથે પોતાના પરિવાર અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પણ આપી રહી છે. સુધાબહેન વિરમગામ પંથકનાં ગામડાંઓમાં સખી મંડળો સ્થાપવા અને તેને સુચારી રીતે કાર્યરત રાખવા સતત પ્રયાસરત છે.
સુધાબહેન મહિલાઓને દરેકની આવડત, કૌશલ્ય અને રસ-રુચિ અનુસાર અલગ અલગ હાથ કારીગરીનાં કામ અપાવે છે. સુધાબહેન સખી મંડળની બહેનો સાથે મળીને ભરતકામ, સીવણકામ, સિલાઇકામ કરીને સાડી, તોરણ, ગોદડી, પાથરણાં, ડ્રેસ જેવી ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે. સરકાર દ્વારા આયોજિત સખી મેળા જેવાં આયોજનો થકી તેઓ મહિલાઓને સાથે રાખીને પોતે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે અને એ રીતે કમાણી કરે છે.
આ સખી મંડળોને વિવિધ જાતનાં સિલાઈકામ, ભરતકામ, ગૂંથણકામ  જેવાં હસ્ત કારીગરીનાં કામ મળતાં હોય છે. બહારના ઓર્ડરને પૂરા કરવા માટે કાચો માલ ખરીદવા કે કોઈ સાધન વસાવવા માટે જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે સખી મંડળ થકી નાની લોન સહાય પણ કરવામાં આવે છે. ‘ટીમ સ્પિરિટ’ની ભાવના સાથે સખી મંડળની બહેનો એકબીજાને આત્મનિર્ભર બનવા માટે પરસ્પર મદદ કરતી હોય છે. મહિલા જ મહિલાના વિકાસ માટે સક્રિય હોય, તેવા અનેક દાખલા સખી મંડળો થકી ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે.
આત્મવિશ્વાસથી સભર સુધાબહેન આજીવન આત્મનિર્ભર બની રહેવા માગે છે. ફક્ત એક વીઘો જમીન અને બીજી કોઈ પણ પ્રકારની મૂડી કે સંપત્તિ વગર પણ તેઓ પોતાની જાતમહેનતથી સ્વાવલંબી જીવન જીવી રહ્યાં છે. ઘરમાં તેઓ કોઈની પણ ઉપર આધારિત નથી. સુધાબહેન પોતે આત્મનિર્ભર અને આત્મસજ્જ હોવાનો આનંદ વ્યક્ત કરે છે. સુધાબહેન ખરા અર્થમાં અન્ય મહિલાઓ અને ખાસ કરીને જૈફવયની મહિલાઓ માટે પણ ઉદાહરણરૂપ છે.
તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા સખી મેળામાં સુધાબહેન પોતાના સખી મંડળ ‘ઓમ શિવ મિશન મંગલમ જૂથ’ સાથે સામેલ થયાં હતાં. આ સખી મેળામાં તેમણે વિરમગામ તાલુકાનાં અલગ અલગ ગામોની મહિલાઓની આગેવાની કરી. સખી મંડળના સ્ટોલનો બધો કારોબાર પણ સ્વતંત્ર રીતે તેમણે સાચવ્યો. ઘરે ઘરે ફેરી કરીને અને અલગ અલગ સરકારી મેળાઓમાં જઈને સુધાબહેન સખી મંડળની બહેનોની મદદ કરે છે તેમજ તેમનો સહારો બને છે.
ગરીબ પરિવારમાંથી આવતાં સુધાબહેન બીપીએલ કાર્ડ ધરાવે છે અને અન્ય સરકારી યોજનાઓના લાભ પણ મેળવે છે. સખી મેળામાં સરકાર તરફથી સ્ટોલ ફાળવવામાં આવ્યો તથા સારું એવું વેચાણ થયું, એનો આનંદ વ્યક્ત કરવાની સાથે સાથે તેઓ વિવિધ યોજનાઓનો લાભ પૂરો પાડવા બદલ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કરવાનું ચૂકતાં નથી.
આત્મનિર્ભર હોવાથી તેમની એક અલગ ઓળખ ઊભી થઈ છે, જેનું સુધાબહેનને ગૌરવ છે. આત્મનિર્ભર સુધાબહેન સમાજની મહિલાઓને સખી મંડળ જેવાં જૂથોમાં જોડાઈને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા પૂરી પાડે છે.(માહિતી સૌજન્ય - શ્રદ્ધા ટીકેશ)

(7:07 pm IST)