Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

દાહોદમાં ધો-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને આચાર્યએ માર માર્યો: ચોંકાવનારો આરોપ

“તું દારૂ કેમ નથી લાવ્યો?” તેમ કહી ગાળો બોલી માર માર્યાનો આક્ષેપ: વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા ભારે ચકચાર

દાહોદના કંજેટા ખાતેની ધીરજપુરા વર્ગ પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શાળાના આચાર્યએ ધોરણ-7માં ભણતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. પીડિતના વાલીએ આક્ષેપ કર્યો છે કો આચાર્યએ દારૂ નહીં લાવવાના મામલે વાંસની સોટી વડે વિદ્યાર્થીને માર માર્યો છે. આ મામલે વાલી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ખાતેની ધીરજપુરા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય સામે એક વાલી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે શાળાના આચાર્યને દારૂ પીવાની લત તેમજ જુગાર રમવાની ટેવ વાળા હોવાનો જલદ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો પાસે પીવા માટે દારૂ મંગાવતો હોવાના તથા ક્યારેક તેની પત્નીને શાળા પર છોડીને તે જુગાર રમવા તેમજ દારૂ પીવા માટે ગામમાં જતો રહેતો હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને “તું દારૂ કેમ નથી લાવ્યો?” તેમ કહી ગાળો બોલી વાંસની સોટીથી ઢોર માર માર્યો હતો. આચાર્યએ એટલેથી નહીં અટકી નીચે પડી ગયેલા વિદ્યાર્થીને ઢોર મારવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે આ બનાવની જાણ થતાં જ વિદ્યાર્થીના વાલી દ્વારા શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે નોંધનીય છે કે આચાર્ય અને તેની પત્ની શિક્ષિકા તરીકે સજોડે શાળામાં ફરજ બજાવતા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

મહત્વનું છે કે આ મામલે વાલી દ્વારા આચાર્ય વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત વિવિધ વિભાગોમાં લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખે ધીરજપુરા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્યને શોકોર્સ નોટિસ પાઠવી તેઓની નીચેના અધિકારીને આ મામલાની તપાસ સોંપી તેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે.

(7:34 pm IST)