Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં શરૂ થનાર મેટ્રો ટ્રેનનું મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટ્રાયલ રન : વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ

શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડશે : આગામી મહિને મેટ્રો ટ્રેન શરૂ થવાની પૂરી શક્યતા

અમદાવાદ તા.19  : અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં મેટ્રો ટ્રેન શરૂ થવાની તૈયારીમાં છે. આ ટ્રેન મેટ્રો રેલ ફેઝ 1ના થલતેજથી વસ્ત્રાલ સુધી દોડશે. ત્યારે આ ટ્રેન વરસાદમાં પણ સહી સલામત  દોડે છે કે  કેમ તે જાણવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોનું થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. જેનો એક સ્થાનિક દ્વારા વિડીયો લઈ સોશિયલ મીડિયામાં અપલોટ કર્યો હતો જે ખૂબ જ વાઈરલ થયો છે.

મેટ્રો ટ્રેન માટે ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જે પછી સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશન સુધી પહોંચશે.

મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.

મેટ્રોનાં તમામ સ્ટેશનો પર પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર તેમજ પ્લેટફોર્મ સ્ક્રીન ગેટ લગાવવામાં આવશે, જેમાં ટનલ એટલે કે અંડરગ્રાઉન્ડ રૂટમાં તૈયાર થનારાં ચારે સ્ટેશન પર ફુલ હાઈટના પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (પીડીએસ) લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે એલિવેટેડ કોરિડોરમાં તૈયાર થનારાં અન્ય તમામ સ્ટેશન પર અડધી હાઈટના પ્લેટફોર્મ સ્ક્રીન ગેટ (પીએસજી) લગાવવામાં આવી રહ્યા છે.

(7:40 pm IST)