Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં હાઉસીંગ બોર્ડના વર્ષો જૂના બાંધકામોનું રિડેવપલપમેન્ટ કરવાની પોલિસીનો રહીશોએ વિરોધ નોંધાવ્યો

પોલિસીમાં જરૂર અને આવશ્યક સુધારા વધારા કરવાની માંગ સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો : 20થી વધુ લોકોની અટકાયત કરાઈ

અમદાવાદ તા. 19 : અમદાવાદ શહેરમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂના બાંધકામો છે. જેમાથી ઘણા જર્જરીત હાલતમાં છે. જેને લઈ કોઈ અણબનાવ ન બને તે માટે વર્ષ 2016માં ગુજરાત સરકાર દ્વારા રિડેવપલપમેન્ટ પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ આ પોલિસીમાં જરૂરી સુધારા વધારા કરવાની આવશ્યકતા હોવાથી તે સુધારા વધારા કરવાની માંગ સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ઘાટલોડિયા પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

અમદાવાદમાં એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અનેક વખત રજૂઆત કરીને આ પોલીસીમાં યોગ્ય ફેરફાર કરવા માટે આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં કરાયા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી ન હતી. અમદાવાદ શહેરના પ્રગતિનગર પાસે આવેલા હાઉસીંગ બોર્ડના સુરમ્ય એપાર્ટમેન્ટ અને તેની આસપાસમાં રહીશોએ મંગળવારે સાંજે પોલિસીમાં ફેરફારની માંગ સાથે પગપાળા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે જઈ આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. શાંતિપૂર્ણ રેલી માટે પોલીસ મંજૂરી ન મળતા સ્થાનિકોએ તંત્ર અને પોલીસ વિરુદ્ધ હાથમાં કાળી પટ્ટી બાંધીને બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

સ્થાનિક આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, ગાંધી અને સરદારના રાજ્યમાં શાંતિપૂર્વક રીતે પોતાની માંગ માટે રેલી કાઢવી પણ હવે ગુનો થઈ ગયો છે. ત્યારે પોલીસ દ્વારા મંજૂરી ન મળતા તેમણે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અપીલ કરતાં કહ્યું કે, જો પોતાની માંગ માટે સામાન્ય માણસ શાંતિપૂર્વક રેલી કાઢવા માંગતો હોય અને પોલીસ તેને અટકાવતી હોય તો અત્યંત ગંભીર બાબત છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ દખલ ગીરી કરવા અહીંના સ્થાનિકોની માંગ છે.

બીજી તરફ પોલીસ મંજૂરી ન મળવાને કારણે મોટી સંખ્યામાં અહીંના સ્થાનિકો ભેગા થયા હતા અને કોઈપણ પ્રકારનું કાયદો વ્યવસ્થા ભંગ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને ત્યારે રાખીને વિશેષ મહિલા પોલીસ પણ વિસ્તારમાં ચાણાત કરી દેવામાં આવી હતી અને થોડા સમય માટે આ વિસ્તાર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયો હતો..

(7:58 pm IST)