Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અહેમદ પટેલ પાસેથી ૩૦ લાખ લીધાના આક્ષેપો તિસ્તાએ નકાર્યા

તિસ્તા-શ્રીકુમારની જામીન અરજી પર દલીલો : કોર્ટે તિસ્તા શેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજીની વધુ સુનાવણી હવે તા.૨૦મી જૂલાઇના રોજ રાખી

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતને બદનામ કરવાના લાર્જર કોન્સ્પીરેસીના ષડયંત્રમાં આરોપી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં આજે કાયદાકીય મુદ્દાઓ પર દલીલો ચાલી હતી. જો કે, સીટ તરફથી આ કેસમાં અગાઉ રજૂ કરાયેલા સોંગદનામામાં તિસ્તા શેતલવાડે કોંગ્રેસના સ્વ.નેતા એહમદ પટેલ પાસેથી રૃ. ૩૦ લાખ લીધા હોવા સહિતના જે આક્ષેપો કરાયા હતા., તેને તિસ્તાએ આજે બેબુનિયાદ અને પાયાવિહોણા ગણાવી તેનું ખંડન કરાયું હતું. કોર્ટે તિસ્તા અને શ્રીકુમારની જામીનઅરજીની વધુ સુનાવણી તા.૨૦મી જૂલાઇના રોજ રાખી હતી.

તિસ્તા શેતલવાડ તરફથી આજે કાયદાકીય બાધના મહત્વના મુદ્દે એવી દલીલ રજૂ કરાઇ હતી કે, પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટમાં રજૂ થયેલો કલોઝર રિપોર્ટ અંતિમ છે, અને તેથી તેની પર ફરીથી તપાસ ના થઇ શકે.

તપાસનીશ એજન્સી કોર્ટની લેખિત ફરિયાદ વિના આ સમગ્ર મામલે કોગ્નીઝન્સ લઇ શકે નહી. તપાસનીશ એજન્સીએ જો કોઇ તપાસ કરવી હોય તો કોર્ટ દ્વારા ખુદ લેખિત ફરિયાદ થાય તો જ હાથ ધરી શકે, અન્યથા નહી. બનાવટી સોંગદનામા દાખલ કરાયા અંગેના જે આક્ષેપો મારી વિરૃધ્ધમાં છે, તે પણ આધારવિનાના છે. અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે અને તેની વિરૃધ્ધ ઉભા કરાયેલા આક્ષેપો સાથે ફરિયાદ થઇ છે.

દરમ્યાન આર.બી.શ્રીકુમારે એવો બચાવ રજૂ કર્યો હતો કે, તેમણે નાણાવટી પંચમાં જે ૯ જેટલા સોંગદનામાં રજૂ કર્યા તે પંચે ખુદ કેસની તપાસ સંદર્ભે લોકો પાસેથી આવકાર્યા હતા, તેના અનુસંધાનમાં ફાઇલ કર્યા હતા. તેમના સોગંદનામાંથી પંચ દ્વારા કોઇ સજા થઇ શકે તેમ નથી કારણ કે, સજા કરવાની પંચ પાસે કોઇ સત્તા જ નથી. આ સંજોગોમાં તેમની વિરૃદ્ધમાં બનાવટી સોગંદનામા અને દસ્તાવેજો જુદી જુદી કોર્ટોમાં રજૂ કરવાનો જે આરોપ લગાવાયો છે, તે અસ્થાને છે.

 શ્રીકુમારે એવો પણ ઘટસ્ફોટ કર્યો કે, ગોધરાકાંડ બાદ સીએમ નિવાસસ્થાને જે બેઠક યોજાઇ હતી, તેમાં સંજીવ ભટ્ટ હાજર ન હતા. આરોપીઓની દલીલો સાઁભળ્યા બાદ કોર્ટે વધુ સુનાવણી તા.૨૦મી જૂલાઇએ રાખી હતી.

(8:23 pm IST)