Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગુજરાતના દિવ્યાંગજનોના હિતમાં રાજ્ય સરકારનું વધુ એક આવકારદાયક પગલું

ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમની વેબસાઇટનું લોન્ચીંગ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર: હવે રાજ્યના કોઇ પણ દિવ્યાંગજન પોતાની ધિરાણની જરૂરિયાત દિવ્યાંગ નિગમને ઓનલાઇન અરજી કરી મુદ્દતી ધિરાણ મેળવી પૂર્ણ કરી શકશે

ગાંધીનગર :સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ગુજરાતના તમામ વર્ગોના આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દિવ્યાંગજનોને ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિવિધ મુદ્દતી ધિરાણ યોજનાઓની માહિતી સુલભ રીતે પૂરી પાડવા રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને અનેકવિધ આયોજનો હાથ ધર્યા છે.

આજે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમની વેબ સાઈટનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને દિવ્યાંગજનોના સશક્તિકરણ અને તેમને પણ સમાન તક મળે તે માટે રાષ્ટ્રીય દિવ્યાંગ અને નાણા વિકાસ નિગમ, નવી દિલ્હીના માધ્યમથી વિવિધ મુદ્દતી ધિરાણની યોજનાઓ અમલમાં મૂકી છે. આ વેબસાઈટના માધ્યમથી દિવ્યાંગજનો રાષ્ટ્રીય નિગમની મુદ્દતી ધિરાણની યોજનાની માહિતી મેળવી શકશે. આ ઉપરાંત રાજ્ય સરકારની દિવ્યાંગજનો માટેની ધિરાણ યોજનાઓ અંગેની માહિતી તેમજ તેના માટે ઓનલાઇન અરજી કરવામાં પણ આ વેબસાઈટ મદદરૂપ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની દિવ્યાંગજનો માટેની ૪૫૦ લાખની મુદતી ધિરાણ યોજનાનો પ્રારંભ તા. ૨૦/૦૭/૨૦૨૨ થી esamajkalyan.gujarat.gov.in યોજનાકીય પોર્ટલ ઉપર અરજી અર્થે લાભાર્થી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. રાજ્યના દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મેળવવા માટેની મુખ્યત્વે પાત્રતા તરીકે લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ તથા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ. લાભાર્થીની પસંદગી પારદર્શક ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે. લાભાર્થીને નિગમ દ્વારા મંજૂર કરાયેલ અલગ-અલગ સ્વરોજગાર ધંધા માટે નક્કી કરેલ યુનિટ કોસ્ટ મુજબ પાંચ વર્ષ માટે મુદ્દતી ધિરાણ પૂરૂ પાડવામાં આવશે. વ્યાજના દર રૂ. ૫૦,૦૦૦ થી ૫૦,૦૦,૦૦૦ ની લોનની રકમ માટે ૫ ટકા થી ૯ ટકા રહેશે.
ગુજરાતના ૨ લાખથી વધુ દિવ્યાંગજનોના આર્થિક, સામાજિક અને શૌક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હી સાથે જનરલ લોન એગ્રિમેન્ટ અંતર્ગત રાષ્ટ્રીય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ ચેનેલાઇઝીંગ એજન્સી તરીકે આ નિગમ કાર્યરત રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે રાજ્યના દિવ્યાંગજનોના સશક્તિકરણ હેતુથી તાજેતરમાં જ રૂ.૨૦ કરોડની બ્લોક ગવર્મેન્ટ ગેરેન્ટી રાષ્ટ્રીય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમને ફાળવવામાં આવતા ધિરાણ સામે આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ દ્વારા રાજ્યના દિવ્યાંગજનોને નાના અને સ્વરોજગારના ધંધા તેમજ અન્ય વ્યવસાય થકી આત્મનિર્ભર બનવા માટે મુદ્દતી ધિરાણની યોજના અમલી બનાવવામાં આવી છે.

(8:34 pm IST)