Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદમાં ૩૧ રસ્તાઓનું ધોવાણ થતાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

અંતરિયાળ વિસ્તારના ગામોના અને સિંગલ કનેક્ટિવીટી ધરાવતા રસ્તાઓનું પ્રાથમિકતાના ધોરણે દુરસ્તીકરણ હાથ ધરી ગામડાઓનો વાહન વ્યવહાર પૂર્વવત્ત કરી દેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ નર્મદા જિલ્લાની હદમાં આવતા માર્ગો પૈકી જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ૩૧ જેટલા માર્ગોના સ્થળે એપ્રોચનું ધોવાણ, ઓવર ટોપિંગના લીધે રસ્તાનું ધોવાણ,  રસ્તા પર આજુબાજુના ખેતરોની માટી આવતા સાઇડ સોલ્ડર્સનું ધોવાણ વગેરે ક્ષતિ સર્જાતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આવા રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ખૂબ જ ટુંકા ગાળામાં ગામેગામના રસ્તાઓ ઉપરનો વાહનવ્યવહાર હાલમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ તમામ રસ્તાઓ પૈકી હાલમાં પાંચ જેવા માર્ગોના દુરસ્તીકરણની કામગીરી કરી ટુંક સમયમાં વાહનવ્યવહાર શરૂ કરવા માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

             વરસાદના કારણે ધોવાયેલા રસ્તાઓ પૈકી દેડીયાપાડામાં ટીંબાપાડા-નવાગામ, ટીંબાપાડા- મોટા સુકાઆંબા, નાની સિંગ્લોટી-ચોકીમાલી, માથાવલી-કાંદા રોડ, કંઝાલ તરફ જતો રસ્તો વગેરે માર્ગો ઉપર એપ્રોચનું ધોવાણ થતા રસ્તાઓ બંધ કરવામાં આવેલ હતા. જેનું વરસાદ બંધ થવાની સાથે જ તાત્કાલિક સમારકામ શરૂ કરીને વાહનોની અવર-જવર માટે આ રસ્તાઓ ચાલુ કરી દેવાયા છે.
          સાગબારા તાલુકાના પાટી-દત્તવાડા, કુવાડવાડી, ટાવલ ફળિયું ગામોને જોડતા માર્ગોનું વરસાદી પાણીથી ધોવાણ થતા માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી તેની જરૂરી સમારકામની કામગીરી કરીને આ માર્ગો તમામ પ્રકારના વાહનો માટે હાલ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ તમામ માર્ગો ઉપર બાકી રહેલી નાની મોટી કામગીરીને સત્વરે પૂર્ણ કરવા માટે ટીમો દ્વારા હાલમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.
  માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર એ.એસ.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદ થતાખાસ કરીને અંતરિયાળ વિસ્તારોના માર્ગોનું ધોવાણ થતાં નુકશાન થયું હતું. તે પૈકી વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા દેડીયાપાડા અને સાગબારા તાલુકાના મળીને કુલ ૧૯ રસ્તા બંધ થઈ ગયા હતા.તેને તાત્કાલિક અસરથી અલગ અલગ ટીમો બનાવી બંને તાલુકામાં યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં ૧૨ જેટલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના અને સિંગલ કનેક્ટિવીટી ધરાવતા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરી ગામડાઓનો વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ માટે અમારી ટીમો સતત મોનિટરીંગ કરી કામગીરી કરી રહી છે.

(10:57 pm IST)