Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા ૪૨,૮૭૫ ઘરોનો સર્વે કરી આરોગ્યલક્ષી કામગીરી કરાઇ

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી, દવા વિતરણ, ક્લોરિનેશન સહિતની જન આરોગ્યલક્ષી કામગીરી કરવા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કટિબદ્ધ: ગામે ગામ ફરી રહેલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ વિસ્તારના પીવાના પાણીના નમુના લઇ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરી સાવચેતીના પગલા માટે કરાયા જરૂરી સૂચનો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના નેતૃત્વમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાવચેતી માટેના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

રાજપીપળા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી, દવા વિતરણ, ક્લોરિનેશન સહિતની કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્વરિત અસરથી કરાવામાં આવી રહી છે.જેમાં મેડીકલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોય અત્યાર સુધીમાં સર્વે કરવામાં આવેલા ઘરોની સંખ્યા- ૪૨,૮૭૫ છે અને સર્વેલન્સ કરેલ વસ્તીની સંખ્યા- ૨,૮૭,૭૪૪ નો સમાવેશ થાય છે.સાથે સાથે ગામડા, શહેરી વિસ્તારમાં રોગોથી બચવા જાગૃતિ માટે આરોગ્ય સ્ટાફ દ્વારા વિસ્તૃત માહિતીઓ આપવામાં આવે છે. ક્લોરિન ગોળીનો ઉપયોગ કેવી રીતે કરવી તેની સમજણ, મલેરિયા, ડેગ્યું , ચિકનગુનિયા જેવા રોગો સામે સાવચેતી કેવી રીતે રાખવી તે માટે પણ જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે.

(11:04 pm IST)