Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગુજરાતમાં સપ્ટેમ્બર મધ્ય સુધી બહુ ભારે વરસાદ નહિ

હવામાન ખાતાએ સરકારને આપેલા હાલના વર્તારા મુજબ ૧૭ સપ્ટેમ્બર સુધી વ્યાપક વરસાદની સિસ્ટમ નથીઃ શનિ-રવિવારે કેટલાક જિલ્લાઓમાં મધ્યમ - ભારે વરસાદ પડી શકે : આ વખતે દક્ષિણ કરતા સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ મેઘ મહેર

રાજકોટ તા. ૨૮ : રાજ્યમાં આ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાની મહેર રહી છે. જૂન આરંભે શરૂ થયેલ વરસાદ જુલાઇ અને ઓગસ્ટમાં ચાલુ રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદનું જોર એકદમ ઘટી ગયું છે. હવે ચોમાસુ ઉત્તરાર્ધ તરફ આગળ વધશે. તા. ૨૯ અને ૩૦ બે દિવસ દક્ષિણ - સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લાઓમાં મધ્યમ અને ભારે વરસાદ પડી શકે છે. તે સિવાય હાલ ૧૫ - ૨૦ દિવસ રાજ્યમાં કયાંય ભારે વરસાદના સંજોગો નથી. કુદરતી પરિસ્થિતિ ગમે ત્યારે બદલાય શકે પરંતુ હાલના કુદરતી સંજોગો મુજબ સપ્ટેમ્બર મધ્ય સુધી ભારે વરસાદની સંભાવના નથી. સપ્ટેમ્બર અંતમાં સામાન્ય રીતે ચોમાસુ પૂરું થતું હોય છે.

હવામાન વિભાગે રાજ્ય સરકારને આપેલ માહિતી મુજબ ૧૭ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયાંય બહુ ભારે વરસાદ પડે તેવી કોઇ સિસ્ટમ અત્યારે અસ્તિત્વમાં નથી. સપ્ટેમ્બર મધ્ય પછીની આગાહી હવે પછીના દિવસોમાં થઇ શકશે. આ વખતે વરસાદની બાબતમાં પરંપરાગત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર અને કચ્છ આગળ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૩.૪૭ ટકા થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૪૩.૦૬ ટકા અને કચ્છમાં ૨૨૩.૪૧ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ ૧૦૮.૬૬ ટકા થયો છે. હજુ ચોમાસાનો સમયગાળો બાકી છે. હવે પછી વરસાદ થાય અને ડેમોમાં વધારાના પાણીની આવક થાય તેવી આશા છે. એકંદરે પીવાના પાણી અને ખેતીની દ્રષ્ટિએ અત્યારની સ્થિતિ સંતોષકારક છે.

રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલ (આઇએએસ)ના વડપણમાં દર અઠવાડિયે વેધર વોચ ગ્રુપની બેઠક મળે છે. વરસાદી પરિસ્થિતિની નિયમિત સમીક્ષા થતી રહે છે. વરસાદની બાબતમાં હાલ રાહતના વાવડ છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ ?

ઝોન

વરસાદના ટકા

સૌરાષ્ટ્ર

૧૪૩.૦૬

ઉત્તર ગુજરાત

૯૫.૮૫

મધ્ય ગુજરાત

૮૧.૨૫

દક્ષિણ ગુજરાત

૯૩.૪૭

કચ્છ

૨૨૩.૪૧

કુલ

૧૦૮.૬૬

(9:42 am IST)