Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરાનો કુખ્યાત અસલમ બોડીયો ઝડપાયોઃ ૧૦૦ કિ.મી. સુધી પોલીસને દોડાવ્યા બાદ પોલીસે તક જાઇને ઝડપી લીધો

વડોદરા: વડોદરામાં કુખ્યાત આરોપી અસલમ બોડિયો પોલીસ પકડમાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગોલ્ડન ચોકડીથી કારમાં સવાર થઈને ભાગી રહેલ અસલમ બોડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસને અસલમ બોડિયા હાલોલ બાજુ છે તેવી માહિતી મળી હતી, જેથી 100 કિમી સુધી પીછો કરીને તેને ઝડપી પાડ્યો છે. ફિલ્મી ઢબે પોલીસે આરોપીને પકડ્યો છે. અસલમ બોડિયા ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. કુખ્યાત અસ્લમ બોડિયા સામે 60 થી વધુ ગુના નોંધાયેલા છે. તેમજ નવ વખત પાસા ભોગવી ચૂક્યો છે.

2019માં કરાઈ હતી ધરપકડ

વડોદરા શહેરમાં વિવિધ 60 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડિયો ખંડણીના ગુનામાં ગત વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ફાઈનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો. આખરે પાંચ દિવસથી નાસતો ફરતો અસલમ મધ્યપ્રદેશમાં છુપાયો હોવાના જાણ થતાં પીસીબીની ટીમ પહોંચી હતી. અસલમ એમ.પીના માંડુ પાસે કારમાં પસાર થતો હોવાની માહિતી મળતાં તેને ઝડપી લેવાયો હતો.

ગત વર્ષે પકડાયા બાદ અસલમ બોડિયાના નામે વધુ ત્રણ ગુના નોંધાયા હતા. તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં બેઅને રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. આ ગુના હેઠળ વડોદરા પોલીસ તેને શોધી રહી હતી. આવામાં પોલીસ ઈન્સ્પેક્ટર જેજે પટેલને માહિતી મળી હતી કે, ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી અસ્લમ બોડિયો ગોલ્ડન ચોકડી પર આવી રહ્યો છે. ત્યારે વોચ ગોઠવીને પોલીસે તેનો પીછો કર્યો હતો. અસ્લમે પોતાની વેગનઆર કાર જરોદ તરફ ઘુમાવી હતી, જેથી પોલીસે 100 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો. ત્યારે યુ ટર્ન લઈને વડોદરા તરફ ભાગી રહેલા અસ્લમને પોલીસે તક જોઈને પકડી લીધો હતો.

વડોદરાના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં અસ્લમ સામે ગુનો નોંધાયેલો છે. તેમજ 9 વખત તેને પાસા થયા છે. જેમાં તે  જુનાગઢ જેલ, ભાવનગર જેલ, રાજકોટ જેલ, પોરબંદર જેલ, ભૂજ જેલમાં પાસા ભોગવી ચૂક્યો છે.

(5:45 pm IST)