Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતાં મોત થયું

શિક્ષકને બકરાનું મટન ખાવાનું ભારે પડી ગયું : શિક્ષકના છાતીના એક્સ-રેમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્નનળીમાં પણ કાણું પડી ગયું હતું

સુરત,તા.૨૮ : મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને બકરાનું મટન ખાવાનું ભારે પડી ગયું હતું. જમતા સમયે બકરાનું હાડકું ગાળામાં ફસાય ગયા બાદ તેની સારવાર કરાવી હતી. જોકે તેની તબિયત બગડતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આ શિક્ષકનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર સોસાયટીમાં રહેતા શ્રી રામ પુડલિંક બલહે પોતાની પુત્રી અને પત્નિ સાથે રહેતા હતા. જોકે શ્રી રામ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ૧૯૯૪થી જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત ૨૩મી ઓગસ્ટે રાત્રીના ભોજનમાં પરિવાર સાથે બકરાનું મટન પરિવાર સાથે ખાધું હતું, જોકે આ શિક્ષકને બકરાના મટનની મોજ ભારે પડી ગઈ હતી. બકરાના મટનમાં રહેલું હાડકુ આ શિક્ષકના ગળામાં ફસાઈ ગયું હતું. તત્કાલીક પરિવાર તેમને નજીકની ધુલિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં તબીબોને શિક્ષકના ગાળામાં ફસાયેલું હાડકું કાઢવામાં સફળતા મળી હતી. જોકે હાડકું બહાર કાઢી તબીબો દ્વારા આ શિક્ષકને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી અચાનક તબિયત બગડી એટલે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં છાતીના એક્સ-રેમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ડોક્ટરોએ વધુ તપાસ કરતા માલુમ થયું કે, અન્નનળીમાં કાણું પડી ગયું હતું. જેને પગલે વધુ સારવાર માટે શિક્ષકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ૨૭મીએ સિવિલ આવેલા શ્રી રામનું ગતરોજ મધરાત્રે મોત નીપજ્યું હતું. શું શિક્ષકના ગળામાં ફસાયેલું હાડકું કાઢતા સમયે અન્નનળીમાં કાણુ પડી ગયું ? આ મામલે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પરિવારના મોભીનું અચાનક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

(7:13 pm IST)