Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી પહેલી સપ્ટે.થી ખુલશે

ટુરિસ્ટ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે : સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાણકારી ટેન્ટ સિટીના સોશિયલ મીડિયા પેજ તેમજ વેબસાઈટ પર આપવામાં આવી હતી

અમદાવાદ,તા.૨૮ : કોરોનાની મહામારીના પગલે માર્ચ મહિનામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ લોકો મહિનાઓ સુધી ઘરમાં જ રહેવું પડ્યું હતું. તેમાં પણ ટ્રાવેલના શોખીન લોકોને પોતાના ઘણા પ્લાન્સ કેન્સલ કરવા પડ્યા. જોકે ધીમે ધીમે દેશમાં ઓનલોક દ્વારા કેટલાક સ્થાનો ખુલાયા હતા. અત્યાર સુધી અનલોક-૩ દ્વારા ધાર્મિક સ્થળો, મોલ્સ, જિમ ખોલવાની મંજૂરી અપાઈ હતી. ત્યારે હવે અનલોક-૪માં પર્યટન સ્થલો ખુલી શકે છે. આ સાથે જ ગુજરાતમાં થોડા જ સમયમાં દેશ તથા દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ૧લી સપ્ટેમ્બરથી ખોલવામાં આવે તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સિટીને ૧લી સપ્ટેમ્બરથી ખોલવામાં આવી રહ્યું છે.

               આ વાતની જાણકારી કેવિડયા ખાતે આવેલા નર્મદા ટેન્ટ સિટીના સોશિયલ મીડિયા પેજ અને વેબસાઈટ પર આપવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા સેફ્ટીના નિયમો જેવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેફ્ટી માસ્ક, થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. નર્મદા ટેન્ટ સિટીમાં ૧લી સપ્ટેમ્બરથી ટુરિસ્ટ આવી શકે છે. આ માટે બુકિંગ્સ પણ કરાવી શકે છે. ટેન્ટ સિટીમાં એક રાત્રી અને બે દિવસ રોકાવાનું ભાડું ૩૦૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. ટુરિસ્ટ વેબસાઈટ પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ સાથે જ ગેસ્ટને બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો, ડિનર તથા બીજા દિવસે બ્રેકફાસ્ટ આપવામાં આવશે. વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, સરકારના આદેશ મુજબ હાલમાં ટેન્ટ સિટી દ્વારા ટુરિસ્ટને સાઈટ સીઈંગ માટે લઈ જવામાં આવશે નહીં. જો વ્યક્તિને આવી જગ્યાએ જવું હોય તો તેણે તેની વ્યવસ્થા પણ જાતે કરવાની રહેશે.

(7:17 pm IST)