Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જર્મનીમાં એબોર્શન ક્લિનિકની સંખ્યામાં ઘટાડો થયો હોવાની માહિતી

નવી દિલ્હી: 65 વર્ષની ક્રિસ્ટીના હેનલ જર્મનીના એક નાના શહેર ગીસેનમાં સ્ત્રીરોગ નિષ્ણાત છે. 2017માં તેમની પર 4.8 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. વાંક માત્ર એટલો હતો કે તેમણે ગર્ભપાતથી જોડાયેલી તેમની પ્રેક્ટિસની જાણકારી વેબસાઇટ પર શેર કરી હતી. આ બાદ ક્રિસ્ટીના આ ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગત મહિને જ્યારે અમેરિકન મહિલાઓ ગર્ભપાત પર પ્રતિબંધ વિરુદ્વ તેમના હકોને લઇને દેખાવો કરી રહી હતી ત્યારે ક્રિસ્ટીના જર્મનીના સંસદભવનની વિઝિટર્સ ગેલેરીમાં હતી અને ગર્ભપાતને ગુનો દર્શાવતી કલમ 219 એ ને રદ્દ થતા જોઇ રહી હતી. જર્મનીમાં ગર્ભપાત વિરોધી વર્કર્સે આ કાયદાની આડમાં એબોર્શન કરનારા ડોક્ટર્સને નિશાન બનાવ્યા છે. તેનાથી ગર્ભવતી મહિલાઓનું જીવન ખતરા હેઠળ છે અને એબોર્શન ક્લિનિક બંધ થઇ રહ્યાં છે. 2003માં 2050 ક્લિનીક હતાં, જે હવે ઘટીને 2022માં માત્ર 1019 રહ્યા છે. સમગ્ર યુરોપમાં આ સ્થિતિ છે. ભારતીય મૂળના ડેન્ટિસ્ટ ડૉ. સવિતા હલપ્પનવરના ઉદાહરણથી આ કાયદાની સમસ્યાને સમજી શકાય છે. 2012માં આ જ કાયદાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. તેમનું મિસકેરેજ થયું હતું. કાયદો કહે છે કે જ્યાં સુધી ભ્રૂણના ધબકારા છે, ત્યાં સુધી તેને એબોર્ટ ના કરી શકાય. ધબકારા બંધ થઇ જવાની પ્રતીક્ષામાં ડૉ. સવિતાનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો હતો પરંતુ ફેરફાર ના થયો. જર્મનીમાં રૂઢિવાદી નેતા આ કાયદાના સંરક્ષક છે. સંસદમાં એબોર્શનને લગતા કાયદાને પસાર નથી કરાયો. પરિણામે સમગ્ર પ્રક્રિયા વધુ જટિલ તેમજ ગેરકાયદેસર છે. 150 વર્ષ જૂનો કાયદો લાગુ છે, જેના ઉલ્લંઘન પર મહિલાને ત્રણ વર્ષની સજા થઇ શકે છે.

(5:16 pm IST)