Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુશાંતસિંહ રાજપૂત ના ઘરમાં કામ કરતા દીપેશ સાવંત ને ૨૪ કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખ્યો : વકીલે NCB પર કેસ કર્યો : કોર્ટે માંગ્યો જવાબ

નવી દિલ્હી: સુશાંત કેસ માં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) તરફથી તપાસ તેજ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત NCBએ ગઈકાલે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સ કનેક્શન કેસમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ઘરમાં કામ કરતાં દીપેશ સાવંત ની ધરપકડ કરી હતી.

આ કેસમાં કેસમાં તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ NCBને દીપેશ સાવંતની રિમાન્ડ મળી છે. આથી 9 સપ્ટેમ્બર સુધી દીપેશ સાવંત રિમાન્ડમાં રહેશે. કોર્ટથી નીકળ્યા બાદ NCBના અધિકારીઓ તેને NCB કચેરીમાં લઈ ગયા છે. જ્યાં રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને શૌવિક ચક્રવર્તી પણ હાજર છે.

દીપેશના વકીલે NCB પર કેસ કર્યો
આ દરમિયાન દીપેશના વકીલે NCB વિરુદ્ધ કેસ કર્યો છે. જેમાં દીપેશને 24 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખવામાં આવવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. હવે કોર્ટે આ મામલે તપાસ એજન્સી પાસે સંદર્ભમાં જવાબ માંગ્યો છે.

આ અંગે દીપેશ સાવંતે વકીલ રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે, દીપેશ સાવંત 4 સપ્ટેમ્બરથી તેમની કસ્ટડીમાં છે અને આ મામલે તેના પરિવારને જાણ સુદ્ધા પણ નથી કરવામાં આવી. કસ્ટડીમાં લેવામાં આવ્યાના 24 કલાકની અંદર તેમને કોર્ટમાં હાજર કરવા જોઈતા હતા. અમે 24 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખવા બદલ અરજી દાખલ કરી છે.

અગાઉ શુક્રવારે NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ભાઈ શૌવિક ચક્રવર્તી (Showik Chakraborthy) અને સેમ્યુઅલ મિરાન્ડા (Samuel Miranda)ની ધરપકડ કરી હતી. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી શૌવિક, સેમ્યુઅલ અને જૈદ રિમાન્ડ પર છે.

દીપેશ સાવંતની શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. દીપેશનું નિવેદન NDPS એક્ટની કલમ 67 અંતર્ગત દાખલ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

NCBના અધિકારીએ જણાવ્યું કે, દીપેશ સાવંતની ડ્રગ્સની ખરીદી અને હેન્ડલિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દીપેશના નિવેદનો અને ડિજિટલ પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. દીપેશને રવિવારે સવારે 11 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જ્યારે રિયા ચક્રવર્તી પણ રવિવારે NCB સમક્ષ હાજર થશે. NCBના અધિકારી મુથા અશોક જૈને જણાવ્યું કે, રિયા અને શૌવિકનો સામનો દીપેશ સમક્ષ કરાવવામાં આવશે. અગાઉ એસ્પાલેડ કોર્ટે ડ્રગ પેડલર કૈજાન ઈબ્રાહિમ, શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅર મિરાન્ડા પર ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં શૌવિક અને સેમ્યુઅલને 4 દિવસ માટે NCBની કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ કેસના ત્રીજા આરોપી કૈજાન ઈબ્રાહિમને એસ્પાલેડ કોર્ટથી જામીન મળી ગયા છે. કૈજાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. જો કે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

કોણ છે દીપેશ સાવંત?
રિપોર્ટ્સ મુજબ, જ્યારે સુશાત સિંહ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું, તે સમયે જે 4 લોકો તેના ઘરે હાજર હતા. જેમાં કૂક નીરજ સિંહ, બીજો કૂક કેશવ, જે સુશાંત સિંહ સાથે છેલ્લા દોઢ વર્ષથી કામ કરી રહ્યો હતો. ત્રીજો શખ્સ દીપેશ સાવંત હતો અને ચોથું નામ સિદ્ધાર્થ પીઠાની હતું.

શું આજે રિયાની થશે ધરપકડ?
આજે રિયા ચક્રવર્તીને NCB સમક્ષ હાજર થવાનું છે. જ્યાં રિયાનો સામનો શૌવિક અને દીપેસ સમક્ષ કરાવવામાં આવશે. રિયાને ડ્રગ્સ મામલે આકરી પૂછપરછ કરવામાં આવશે. રિયાની સેમ્યુઅલ મિરાન્ડા અને શૌવિક સહિત અન્ય લોકો સાથેની વ્હોટ્સએપ ચેટ અંગે પૂછપરછ કરવામાં આવશે.

સુશાંતના સ્ટાફ મેમ્બર દીપેશ સાવંતે NCB સમક્ષ કબૂલ્યું છે કે, રિયા અને તેના ભાઈ શૌવિકના કહેવાથી જ તેણે પ્રતિબંધિત નશીલા પદાર્થોની ખરીદી કરી હતી. સાવંત સારી રીતે જાણતો હતો કે, જે ડ્રગ્સ તે ખરીદી રહ્યો છે અને આગળ પહોંચાડી રહ્યો છે તે ગેરકાયદેસર છે.

રિયાના ભાઈ શૌવિકની ધરપકડ થવી અને તેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા બાદ જ એવી અટકળો થઈ રહી છે કે, રિયા ચક્રવર્તીની પણ રવિવારે ધરપકડ કરવામાં આવશે.

(12:00 am IST)