Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સરકારી મહેમાન

કૌન બનેગા IAS?: GAS કેડરના કેસી સંપત, મેહુલ દવે, આરએ મેરજા, અને એબી પટેલ પણ યાદીમાં

‘બંદે મેં હૈ દમ, વંદે માતરમ્’ – લગે રહો મુન્નાભાઇનું આ સોંગ સીઆર પાટીલને લાગુ પડે છે : મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબિટીસના દર્દીઓ નથી, કારણ કે કરડીનું તેલ લોકપ્રિય છે: મગફળીના વાવેતરમાં વિક્રમ સર્જાયો, સરકારના અંદાજ અને વેપારીઓની ગણતરીમાં મોટો ફેર

ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના 14 થી 15 જેટલા ઓફિસરોને ગુજરાત સરકારની ભલામણ પ્રમાણે ભારતીય વહીવટી સેવા (આઇએએસ) તરીકે પ્રમોટ કરાશે. કેન્દ્ર સરકારમાં આ યાદી મોકલી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા તેની પાછળનો મકસદ એવો હતો કે તેમના ભાઇ આરએ મેરજા ગુજરાત વહીવટી સેવામાં નોકરી કરે છે અને તેમનું આઇએએસમાં નોમિનેશન ડ્યુ છે ત્યારે તેમના ભાઇનો સમાવેશ પણ આ યાદીમાં કરવામાં આવ્યો છે. એ ઉપરાંત આનંદીબહેન પટેલની સરકારમાં સીએમઓમાં ફરજ બજાવતા કેસી સંપત અને કેશુભાઇ પટેલની સરકારમાં સીએમઓમાં ફરજયુક્ત હતા તે એમએમ દવેનું નામ પણ સામેલ છે. સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યોજાયેલી યુપીએસસીની એક બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓએ આ યાદી રજૂ કરી હતી. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જીએએસ અધિકારીઓની યાદી તૈયાર કરી છે કે જેમને પ્રમોશન મળવાપાત્ર છે. તેમના નામો રાજ્ય સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન કમિટી દ્વારા ચકાસવામાં આવે છે. જે ઓફિસરની સામે ખાતાકીય તપાસ હોય તેમને આ યાદીમાંથી બાકાત કરવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા પછી યુપીએસસી અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનીંગ દ્વારા અધિકારીઓ અંગેની જાણકારી મેળવામાં આવે છે અને તેમણે નક્કી કરેલા નામો યુપીએસસીની ફાઇનલ મિટીંગમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ મળીને નામ ફાઇલન કરે છે. જેમનું આઇએએસમાં નોમિનેશન થવાનું છે તેવા ઉમેદવારોમાં જીએએસ કેડરના જયશ્રી દેવાંગન, કેસી સંપત, એમકે દવે, પીડી પલસાણા, મેહુલ દવે, ડીએમ સોલંકી, પીએન મકવાણા, અશોક પટેલ, પીઆર જોષી, એબી રાઠોડ, એસકે પ્રજાપતિ, એસડી ધાનાની, કેએસ વસાવા, ડીડી જાડેજા, આરએ મેરજા, એનસી શાહ અને બીએચ પાઠકનો સમાવેશ થાય છે.

સરકાર અને ખેડૂતના આંકડામાં વિરોધાભાસ...

ગુજરાતના ખેડૂતો મગફળી તરફ વળ્યાં છે. રાજ્યમાં ત્રણ વર્ષનો નોર્મલ વાવેતર 15.40 લાખ હેક્ટરમાં જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે ખરીફમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર 20.73 લાખ હેક્ટરમાં કર્યું છે જે 33 ટકાનો વધારો દર્શાવે છે. વાવેતરના આંકડા એકત્ર કરી સરકારના કૃષિ વિભાગે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન 54.65 લાખ મેટ્રીકટન થશે જે ગયા વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો દર્શાવે છે. બીજી તરફ ખેડૂતો અને વેપારીઓનો અંદાજ છે કે ભારે વરસાદ અને રોગચાળાના કારણે મગફળીની ઉત્પાદકતાને અસર થઇ છે તેથી આ વર્ષે ઉત્પાદન 38 લાખ મેટ્રીકટન થવાનો પ્રાથમિક અંદાજ છે. અહીં સવાલ એ છે કે પાક તો કિસાનની જનેતા છે તેથી તેને વધારે ખબર પડે છે. એરકન્ડીશન રૂમમાં બેસીને પાકના અંદાજ કાઢવા બહું કઠીન હોય છે. સરકાર અને વેપારીઓના આંકડામાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. ખેડૂતોને સરકાર દ્વારા નિયમિતધોરણે પાક વીમો કે નુકશાની વળતર આપી શકતી નથી અને ઉંચા અંદાજ મૂકીને ખેડૂતોની આવક માત્ર ફાઇલોમાં વધારી રહી છે. 31મી ઓગષ્ટ સુધીમાં ગુજરાતમાં ખરીફ વાવેતર 84.48 લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે 82.80 લાખ હેક્ટર હતું. રાજ્યમાં 99.51 ટકા વાવણી થઇ ચૂકી છે. તેલીબીયાં પાકોમાં સૌથી વધુ 120.65 ટકાનું વાવેતર થયું છે. ચોંકાવનારી બાબત એવી છે કે આ વર્ષે મગફળી અને કપાસના વાવેતરમાં બહું ઓછું અંતર જોવા મળ્યું છે. કપાસનું વાવેતર 22.77 લાખ હેક્ટરમાં અને મગફળીનું વાવેતર 20.65 લાખ હેક્ટરમાં થયું છે. ખેડૂતો મગફળીના પાક તરફ પાછા વળી રહ્યાં છે.

ડાયાબિટીશ હોય તો કસુંબીના તેલનો ઉપયોગ કરો...

અંગ્રેજીમાં વાઇલ્ડ સેફ્રોન, હિન્દીમાં કુસુમ અને ગુજરાતીમાં કસુંબીના નામે ઓળખાતી વનસ્પતિના એક નહીં અનેક લાભદાયી પરિણામ મળ્યાં છે. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાબિટીસ અને કોલેસ્ટોરોલ જેવા રોગોનું નિદાન તદ્દન નહિંવત પ્રમાણ કસુંબીના તેલને આભારી હોવાનું એક સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. આ ગ્રામ્ય વિસ્તારમાં કરડીના નામે વેચાતું તેલ લગભગ પ્રત્યેક પરિવારોના રસોડાની પ્રિય વાનગી છે. હ્રદયરોગ નાશક તેલ આપનારી આ વનસ્પતિ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધુ છે તેથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હ્રદયરોગ જેવા રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. પંજાબ અને ઉત્તરપ્રદેશમાં માત્ર તેલ મેળવવા માટે ખેડૂતો કસુંબીની ખેતી કરતા હોય છે. કસુંબીની કાંટાવાળી અને કાંટા વિનાની એમ કુલ બે જાત છે. ફલ પર મકાઇ જેવા કેસરતંતુ નિકળે છે જેને કસુંબા કહે છે. એના ફૂલનું શાક લોકપ્રિય છે. ફુલમાં સોપારી જેવું ડીંડવું થાય છે જેમાંથી ખાદ્યતેલ મળે છે. કસુંબી વાયુકર, રૂક્ષ, કફહર, ભૂખવર્ધક, પિત્તકર્તા, અને સારક છે. મહત્વના રોગમાં તેના બીજનો ઉપયોગ મહત્વનો છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોરોલ કે હ્રદયરોગ હોય તેવા દર્દીઓને કસુંબીનું તેલ ખાવાની સલાહ આપવામાં આવે છે. અનુભવના આધારે જણાયું છે કે કસુંબાના બીજનું ચૂર્ણ દ્રાક્ષના રસ સાથે પીવાથી પથરી નિકળી જાય છે. ડાયાબિટીશમાં કસુંબીના તેલની માલીશ કરવાનું કહેવામાં આવે છે. કસુંબીના બીજને બાવળની છાલને બાળીને ભસ્મ બનાવી ચમેલીના તેલમાં મેળવી માથામાં લગાવવાથી વાળનો જથ્થો વધે છે.

સીઆર કહે છે, સંગઠનની તાકાત વડે સરકાર બનશે...

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પાર્ટીના કાર્યકરોને એવી સૂચના આપી છે કે “હું નાનામાં નાના કાર્યકરના સૂચનો સાંભળવા તૈયાર છું. કમલમ કાર્યાલયમાં મારા નામે બંધ કવરમાં સૂચન આપજો. હું ના હોઉં તો મારા પીએ ને રજૂઆત કે સૂચન આપજો, મને મળી જશે. જે કિસ્સામાં પાટાપિંડી કરવાની જરૂર હશે તે કરીશું. ઓપરેશન કરવાની જરૂરિયાત હશે તે પણ કરીશું. મને લાગે છે કે ઘણી બધી ફરિયાદો છે અને તેના ઉકેલ પણ ઘણાં બધાં છે, જે કરવા તૈયાર છું” – પાટીલનો ગર્ભિત ઇશારો એવા નેતાઓ સામે છે કે જે લોકો પાર્ટી વિરોધી કામ કરી રહ્યાં છે અને માત્ર રાજકીય લાભ લેવા માટે ભાજપમાં આવ્યા છે. આ નેતાઓને ઠેકાણે પાડવાની તેમણે વ્યૂહરચના ગોઠવી છે. સરકાર અને પાર્ટી માટે મહત્વની સિદ્ધિ એવી છે કે સીઆર પાટીલના આવ્યા પછી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનની મજબૂત કડી વર્ષો પછી સ્થાપિત થઇ રહી છે. ભાજપના પ્રદેશ એકમ (ટીમ ગુજરાત) માં ધરખમ ફેરફારોનો સંકેત પણ તેઓ આપી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા સીઆર પાટીલ ત્રણ ટર્મથી નવસારી બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે. ભાજપમાં દક્ષિણ ગુજરાતના ટોચના નેતાઓમાં સ્વર્ગસ્થ કાશીરામ રાણા પછી સીઆર પાટીલનું નામ લેવામાં આવે છે. સંગઠનમાં કામ કરવાની કુનેહના કારણે તેમની નિયુક્તિ પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે. તેમની ટીમ ગુજરાતની જાહેરાત શ્રાદ્ધપક્ષ પછી થાય તેવી સંભાવના છે. સીઆર પાટીલ માટે ‘લગે રહો મુન્નાભાઇ’ના સોંગના શબ્દો – “બંદે મેં હૈ દમ, વંદે માતરમ...” અહીં સેટ થાય છે. તેઓ હંમેશા કહે છે કે પાર્ટીના સંગઠનની ખુદની તાકાત થકી મારે ગુજરાતમાં સરકાર બનાવવી છે...

મુખ્યમંત્રી બનવા માટે કોઇ ડીગ્રીની જરૂર નથી...

ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યમંત્રી બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હોવ તો તમારે માટે રાજકારણના દરવાજા ખુલ્લા છે. કોઇપણ પાર્ટીમાં એક્ટિવ થઇ જાવ અને દસ વર્ષ દિલ દઇને કામ કરો, તમારા સ્ટેપીંગ સ્ટેપનો ઉપયોગ કરીને તમે ઉંચા સ્થાને બેસી જાવ, તમારો સૂર્ય મધ્યાહ્ને તપશે. રાજનીતિમાં ડીગ્રીને જો મહત્વ મળ્યું હોત તો જયનારાયણ વ્યાસ આજે ગુજરાતના મુખ્યમંત્રી હોત અને સૌરભ પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પદ શોભાવતા હોત. એવી જ રીતે કોંગ્રેસમાં પણ શક્તિસિંહ ગોહિલ અને સિર્ધાર્થ પટેલ મુખ્યમંત્રી થઇ શક્યા હોત. કોંગ્રેસના હિમાંશુ પટેલ કે નિશિત વ્યાસ રાજનીતિમાં ક્યારેય સફળ થયા નથી. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ ઇન્ટલેક્યુઅલની મોટી ફોજ છે. આ લોકો ટોક-શો કે પેનલ ડિસ્કશનમાં કામ લાગે છે સક્રિય રાજકારણમાં તેમનું કામ નથી. ભાજપમાં ખાડે ગયેલા નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા 10 ચહેરા પાર્ટીમાં ખૂણો પાળી રહ્યાં છે, કેમ કે તેમના ગોડફાધર નથી. આવી જ હાલત શંકરસિંહ વાઘેલાની થઇ છે. શક્તિશાળી હોવા છતાં ઓવર કોન્ફિડેન્સના કારણે તેઓ ખૂણો પાળી રહ્યાં છે.

ભોજન લીધા પછી કોમેડી શો અવશ્ય જોવો જોઇએ...

ડાયાબિટીસના દર્દીઓ જો ભોજન પછી થોડીવાર હસે તો તેમના પેટમાં ગયેલા ભોજન પદાર્થો પર આંતરડામાં પાચક રસ વધારે સારી પ્રક્રિયા કરી શકે છે અને તેમના લોહીમાં ભોજન બાદની શર્કરાનું પ્રમાણ ઘટવાની શક્યતા રહેલી છે. હાસ્ય એક શ્રેષ્ઠ દવા હોવાનું સંશોધન થયેલું છે. આ અંગે હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જણાયું હતું કે હાસ્ય ઘણાં સામાન્ય રોગો સામે લડી શકે છે. તેના કારણે બ્લડપ્રેશર નીચું રહે છે અને લોહીમાં એન્ડોફિન્સ નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, એટલું જ નહીં હસતા રહેવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. માનસિક જોમ વધે છે. રોગ પ્રતિકારક શક્તિને બળ મળે છે અને હ્રદય મજબૂત બને છે. લોહની શર્કરા પર અલ્પ નિયંત્રણ થકી ડાયાબિટીસ જેવા રોગોને લગતી જટીલતા જેવી કે હ્રદયરોગ, કીડનીની નિષ્ફળતા કે અંધાપો જેવી પરિસ્થિતિ ઉભી થવાનું જોખમ ઘટે છે. સંશોધકો જણાવે છે હાસ્યથી માનસિક અવસ્થા સુધરતી હોવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થાય છે. જાપાનની ટુસકુબા યુનિવર્સિટીના સંશોધકોએ ડાયાબિટીસના દર્દીઓ અંગે અભ્યાસ હાથ ધર્યો હતો. તેમણે 19 દર્દીઓ અને પાંચ તંદુરસ્ત વ્યક્તિઓને સરખું ભોજન આપી કંટાળાજનક પ્રવચન સંભળાવી લોહીનું પ્રમાણ તપાસ્યું હતું. બીજા દિવસે જાપાનીઝ કોમેડી શો બતાવ્યો હતો. આ બન્ને દિવસ પૈકી કોમેડી શો જોયા પછી દર્દીઓમાં શર્કરાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, કારણ કે દર્દીઓ મન મૂકીને હસ્યા હતા. સંશોધકોએ કહ્યું હતું કે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખતી ન્યૂરો એન્ડોક્રીન સિસ્ટમ પર હાસ્યની અસર પડતી હોય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:35 am IST)