Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એક વર્ષમાં બેંકો સાથે 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી આચરાઈ

RTIના જવાબમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : દેશભરમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બેંકો સાથે નાણાકીય છેતરપિંડીના 84,545 બનાવો બન્યા છે. જેમાં બેંકોના રૂપિયા 1.85 લાખ કરોડની છેતરપિંડી ભેજાબાજો દ્વારા આચરવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે. રિઝર્વ બેક ઓફ ઈન્ડિયા પાસે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલા જવાબમાં એવી વિગતો સામે આવી છે કે, નાણાકીય વર્ષ 2019-2020માં બેંક, નાણાકીય ઈન્સ્ટીટ્યુટ સાથે બનેલા વિવિધ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં 1,85,774 કરોડનું નુકસાન થયુ છે. બેંક અને નાણાકીય સંસ્થાના કર્મચારીઓએ 2688 કિસ્સામાં 1783.22 કરોડની છેતરપિંડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે

નાણાંકીય વ્યવહાર કરતી શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેન્ક્સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ્સને એક વર્ષમાં ૮૪૫૪૫ મામલાઓમાં ભેજાબાજો રૂપિયા 1.85 લાખ કરોડમાં રાતા પાણીએ નવડાવી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા રિઝર્વ બેન્ક સમક્ષ કરાયેલી RTI માં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

   એક વર્ષમાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડીના મામલાઓમાં આરોપીઓ અંગેના પ્રશ્નમાં હકીકત બહાર આવી કે બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓએ છેતરપિંડીના 2688 મામલાઓમાં 1783.22 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો છે.આ મામલાઓ અંગે કાર્યવાહી ચાલી રહી છે જયારે આ મામલાઓ સહીત ગ્રાહકોને થયેલી સમસ્યાઓ અંગે RBIના ઓમ્બડ્સમેન ઑફિસિસમાં પણ હજારોની સંખ્યામાં ફરિયાદો મળી છે જે જોતા બેન્કિંગ ક્ષેત્રમાં ચોકસાઈ માટે હજુ ચોક્કસ પગલાં ભરવા જરૂરી જણાઈ રહ્યા છે. .

(10:02 am IST)