Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અધધ.. ૧૯ લાખ કરોડ રૂપિયા

દુકાનો ખુલી પણ ગ્રાહકો કયાં ? વેપારીઓને પાંચ માસમાં ભારે નુકસાની

રિટેલ વેપારીઓની હાલત કફોડી : વેપારનું અસ્તિત્વ ડેન્જર ઝોનમાં : પૈસાનું રોલિંગ અટકી ગયું : ઇ-કોમર્સ કંપનીઓ ધંધો જમી જવા લાગી

નવી દિલ્હી,તા. ૭: કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ૮૦થી વધુ દિવસ દુકાનો બંધ રાખવી પડી હતી અને એ બાદ અનલોકમાં ઓડ-ઇવન રીતે દુકાનો શરૂ કરાઈ હતી. ધંધાને રિસ્પોન્સ મળી રહ્યો ન હોવાથી આ ફોર્મ્યુલા પણ ચાલી નહોતી. અંતે વેપારીઓની માગણી ધ્યાનમાં લઈને બધા દિવસ દુકાનો ખોલવાનો આદેશ શાસન દ્વારા અપાયો હતો. એમ છતાં, આ મહામારીને કારણે છેલ્લા પાંચ મહિનામાં ભારતના રીટેલ વેપારમાં અંદાજે ૧૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે, જેનું સીધું પરિણામ ઘરેલુ વ્યાપાર પર પડ્યું છે. લોકડાઉન બાદ અનલોકના ૩ મહિના થવા આવ્યા છતાં ભારતભરના વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. દુકાનો ખોલીને એને શણગારીને દુકાનદારો અને સ્ટાફ બેઠો છે, પરંતુ ના બરાબર ગ્રાહકો આવી રહ્યા છે. એવામાં ઈ-કોમર્સ કંપનીઓ પણ રીટેલ વેપારને મુશ્કેલીમાં મૂકી રહી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં આપેલા માલની રકમ ફેબ્રુઆરી-માર્ચ સુધી મળી જવી જોઈએ, એ રકમ હાલ સુધી બજારમાં મળી નથી, જેથી વેપારનું અસ્તિત્વ જ ડેન્જર ઝોનમાં આવી ગયું છે. મુંબઈના વેપારીઓ ત્રણેક મહિનાથી સ્ટાફને જેમ-તેમ બોલાવે છે, પરંતુ દુકાનોમાં ગ્રાહકો ના બરાબર હોવાથી આખો દિવસ દુકાનો ખોલીને ફકત બેસી રહેવું પડે છે.

રીટેલ વેપાર વિશે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) દ્વારા જાણવા મળ્યું હતું કે 'ભારતભરનાં રીટેલ બજારમાં વિવિધ રાજયોનાં ૨૦ મુખ્ય શહેરોને ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે આ શહેર રાજયોમાં સામાન વિતરણનાં મોટાં કેન્દ્ર છે. મુંબઈ, કલકત્ત્।ા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, સુરત, અમદાવાદ વગેરેનો સમાવેશ છે. આ શહેરોથી વાતચીત કરીને આ આંકડો લેવામાં આવ્યો છે, જેના પરથી અંદાજ લગાડી શકાય છે કે ભારતમાં કોરોનાને કારણે વેપાર પર કેવી ગંભીર અસર થઈ છે, જે હાલમાં તો સંભાળી શકાય એમ નથી. રીટેલ વેપાર બધી બાજુએથી માર વેઠી રહ્યો છે અને જરૂરી પગલાં ન લેવાયાં તો ૨૦ ટકા જેટલી દુકાનો બંધ કરવા પર મજબૂર થવું પડશે અને એનાથી મોટી સંખ્યામાં બેરોજગારી વધી શકશે.'

સામાન્ય નાગરિકો કોરોનાને કારણે ભયભીત થઈ ગયા હોવાથી સ્થાનિક ગ્રાહક બજારમાં આવી રહ્યા નથી, જયારે એવા લોકો જે પાડોશી રાજયોમાં સામાન ખરીદે છે તે લોકો પણ મહામારીને કારણે ભયથી અને અન્ય રાજયોમાં જવા વાહનવ્યવહાર, રેલવે-સેવા પણ મળી રહી ન હોવાથી બજારમાં આવી શકતા નથી. કેઇટના પદાધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્ર અને રાજય સરકારથી આગ્રહ કર્યો છે કે વેપારીઓની સ્થિતિ જોઈને રીટેલ વેપારને ફરીથી સ્થાપિત કરવા જરૂરી પગલાં લે. જો ૨૦ ટકા દુકાનો બંધ થઈ ગઈ તો દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે તેમ જ રાજયનું આર્થિક બજેટ પણ એકદમ હલી જશે. એથી કેન્દ્રના ફાઇનેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનો આગ્રહ છે કે વેપારીઓ પર વ્યાજ દેવાનો દબાવ બેન્કો દ્વારા ન નાખવામાં આવે અને એ માટે બેન્કોને જાણ કરવી જરૂરી છે તેમ જ અન્ય ક્ષેત્રની જેમ રીટેલ વેપારીઓની પાસે પણ વ્યાજ ન લેવું અને પેનલ્ટી ન લગાડે એવી પણ માગણી છે.

થાણે-વેસ્ટમાં લેડીઝ સાડી અને ડ્રેસ-મટીરિયલની પટેલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની વિવિધ ત્રણ દુકાન ધરાવતા વિનય શાહે  જણાવ્યું હતું કે 'રીટેલના વેપારીઓની ખરા અર્થમાં બહુ હાલત થઈ છે. હાલમાં ૭૫ ટકાથી પણ વધુ વેપાર ડાઉન છે. આખા દિવસમાં ગણીને ફકત ૪થી ૫ ગ્રાહક આવે છે. બધી દુકાનમાં મળીને ૮૦નો સ્ટાફ છે, પરંતુ હાલમાં ૨૦ જ આવી શકે છે. તેમને પણ પગાર દેવો અદ્યરો થઈ ગયો છે. વેપારીઓની એવી હાલત છે કે પ્રોફિટ તો જવા દો, પરંતુ મૂડી તોડીને કામ કરવું પડે છે. વાહનવ્યવહાર, રેલવે જયાં સુધી ખૂલશે નહીં ત્યાં સુધી ધંધો ચાલી શકે એમ નથી.'

બેલાપુરમાં રહેતા અને વાશી, મસ્જિદ બંદરમાં ઘી-તેલની દુકાન ધરાવતા તરુણ જૈને' ને કહ્યું હતું કે 'મારું હોલસેલ અને રીટેલ બન્ને કામકાજ છે. ફકત ૨૫ ટકા જેટલો જ ધંધો ચાલી રહ્યો છે. એમાં પણ છેલ્લા ૧૫ દિવસથી તો એકદમ ધંધો ડાઉન થઈ ગયો છે. લોકડાઉનના કારણે લોકો સ્ટોક કરીને ઘરમાં રાખતા હતા, પરંતુ હવે તો એની પણ ડિમાન્ડ નથી. પૈસાનું રોલિંગ જ એકદમ ધીમું થઈ ગયું છે. દ્યી-તેલ ખાવા-પીવાની વસ્તુઓ હોવા છતાં પણ આવી હાલત છે તો અન્ય ધંધાની હાલત વિશે અંદાજ લગાડી શકાય એમ છે. (૨૨.૩)

 વેપારીઓને કયા મહિનામાં કેટલું નુકસાન?

. મહિનો ઘરેલુ વ્યાપારમાં અંદાજે નુકસાન

. એપ્રિલ પાંચ લાખ કરોડ રૂપિયા

. મે સાડાચાર લાખ કરોડ રૂપિયા

. જૂન (અનલોક બાદ) ચાર લાખ કરોડ રૂપિયા

. જુલાઈ ૩ લાખ કરોડ રૂપિયા

.ઓગસ્ટ ૨.૫ લાખ કરોડ રૂપિયા

(4:03 pm IST)