Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોનાની કોલર ટ્યુન સાંભળીને કાન પાકી ગયાઃ હવે બંધ કરો!

મોબાઈલમાં છેલ્લા પાંચ મહિનાથી વાગતી આ કોલર ટ્યુન કોઈ મેસેજ નહીં પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતુ હોય એમ લાગે છે

જયપુર,તા.૭: કોરોનાની કોલર ટ્યુન સાંભળીને કાન પાકી ગયા છે. હવે ધ્વની પ્રદૂષણ વધી ગયું છે, તેથી આને બંધ કરવી જોઈએ, એવી વિનંતી રાજસ્થાનના કોંગ્રેસ વિધાનસભ્ય ભરત સિંહ કુંદનપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા કરી છે.

રાજસ્થાનના કોટા જીલ્લાના સાંગોદ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય ભરત સિંહ કુંદનપુર તેમના પત્રોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેમની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. કોંગ્રેસના પાછલા કાર્યકાળમાં તે કેબિનેટ પ્રધાન પણ હતા. કોટા જીલ્લામાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તે પ્રધાનોને પણ છોડતા નથી. મુખ્યપ્રધાનને તે ઓપન લેટર લખે છે.

કોરોનાના લીધે લોકડાઉન થતા તે વખતે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે દારૂની દુકાનો બંધ કરવાનો કોઈ મતલબ નથી. હવે તેમણે કોરોનાની કોલર ટ્યુન માટે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, કોરોના કોલર ટ્યુનથી કાન પાકી ગયા છે. મોબાઈલમાં છેલ્લા પાંચ મહિનાથી વાગતી આ કોલર ટ્યુન કોઈ મેસેજ નહીં પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતુ હોય એમ લાગે છે. કોરોના એવી બિમારી છે જેનો અંત દેખાઈ રહ્યો નથી. આ એક વૈશ્વિક મહામારી છે, જેનાથી દેશનો બચ્ચો-બચ્ચો અવગત છે. ગરીબ મજૂરો પણ આ બિમારી વિષે સમજી ગયા છે કારણ કે તેમના ઉપર જ સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી છે. આથી સમય આવી ગયો છે કે હવે આ કોલર ટ્યુનને બંધ કરવામાં આવે.

મારી સલાહ છે કે દેશના નાગરિકોમાં સર્વે કરીને આ બાબતે અભિપ્રાય મંગાવવા જોઈએ. દોઢ મહિના પહેલા કેન્દ્રિય સૂચના અને પ્રસારણ પ્રધાનને પણ પત્ર લખ્યો હતો, પરંતુ તેમણે મારા પત્ર ઉપર ધ્યાન આપ્યુ નથી.

(11:40 am IST)