Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીએ મને મારી હેસિયત કરતા વધારે આપ્‍યું છે : શોભા સામંત

૩૫ વર્ષથી લતાજી, બપ્‍પીદા, પ્‍યારેલાલજી, રાજેશ રોશન જેવા અનેક ધુરંધર દિગ્‍ગજો સાથે કોરસ ગાયિકા તરીકે સેવા આપનાર શોભાજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્‍યો છે : નવા ગાયકોએ ‘હવા' નહીં ‘વિનમ્રતા' રાખવી જોઇએ : દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતાનો સ્‍પષ્‍ટ અભિપ્રાય : શોભાજીએ અનેક કલાકારોને કોરસ ગાયક તરીકે સ્‍ટેજ આપ્‍યું છે : તેમણે સંગીતમાં કામ મેળવવા ખૂબ જ સંઘર્ષ કરી અનેક જગ્‍યાએ ફરી કામ મેળવ્‍યા : બાદ સંગીત ની ભલામણ બાદ સંગીતની દુનિયામાં ખૂબ જ કામ મળ્‍યું : લતાજીએ ગાયનથી સાબિત કરી બતાવ્‍યું છે કે તેઓનું સ્‍થાન કોઈ લઈ શકે તેમ છે જ નહીં : માત્ર નવ વર્ષની ઉંમરમાં સંગીત શીખ્‍યા : ગીત સાંભળવા મેં થિયેટરમાં ટીકીટ આપવાની નોકરી પણ કરીઃ કોરસમાં ગાવું એ ખાવાનું કામ નથી : કોરસ ગાતી વખતે ભાષાઓ, તેનાં ઉચ્‍ચારણો પણ આવડવા જોઈએ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા શોભાબેન સામંત તેમની કોરસ ટીમ સાથે અકિલાના મહેમાન બન્‍યા હતા તે તસ્‍વીરમાં નજરે પડે છે. તાજેતરમાં ઇન્‍ડિયન આઇડલનો રાજકોટમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આ કલાકારોએ કોરસ ગાયનમાં સાથ આપ્‍યો હતો. જેમાં શોભાબેન સામંત, ઇન્‍વેન્‍ટ એરેન્‍જર ભારતીબેન નાયક, સુચિતા દલવી, રેશમા ધોત્રે, મોહન શ્રવણ, સિધ્‍ધાર્થ પાટીલ, સંતોષ સાલ્‍વે તેમજ પુરૂષોત્તમભાઇ પીપળીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)
‘આજે યુવાનો સખત મહેનત કરે છે અને ખુબ સારૂં ગાઇ પણ છે. તેઓ આ લાઇનમાં આગળ આવવા ખુબજ સંઘર્ષ પણ કરે છે. જોકે એક બે ગીત ગાઇ અને આગળ આવવાથી જે લોકોનો એટીટ્‍યુડ બદલાઈ જાય છે, હવામાં આવી જાય છે તે ન હોવું જોઇએ. આ લાઇનમાં કલાકારની વિનમ્રતા ખુબ જરૂરી છે.' આ શબ્‍દો છે છેલ્લા ૩૫ વર્ષથી લતાજી, પ્‍યારેલાલજી, બપ્‍પીદા, રાજેશ રોશન વગેરે જેવા અનેક ધુરંધર દિગ્‍ગજો સાથે અનેક ફિલ્‍મો અને શોમાં કોરસ ગાયિકા તરીકે સેવા આપનાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા શોભા સામંતજીના. આજે પણ કોરસ ગાયનમાં શોભા સામંતજી અનેક ફિલ્‍મો, ટીવી સિરિયલો અને લાઇવ શો માં કોરસ તરીકે તેમનો કંઠ આપી રહ્યા છે. શોભાજીએ અનેક કલાકારોને કોરસ ગાયક તરીકે સ્‍ટેજ આપ્‍યું છે. પોતે મોટા થઇ આગળ આવવાને બદલે બીજાને આગળ લાવવા તે બહુ મોટો ગુણ તેઓ ધરાવે છે.
તાજેતરમાં રાજકોટમાં ઇન્‍ડિયન આઇડોલની ટીમે રમઝટ બોલાવી. તેમાં પડદા પાછળ રહી કોરસ ગાયક તરીકે મુખ્‍ય ગાયક ને સપોર્ટ કરનાર શોભા સામંતજીની તેમની ટીમના સભ્‍યો સુચિતા દલવી, રેશમા ધોત્રે, મોહન શ્રવણ, સિધ્‍ધાર્થ પાટીલ, સંતોષ સાલ્‍વે શો એરેન્‍જર ભારતી નાયક સાથે અકિલા ના મહેમાન બન્‍યા હતા.
૩૫ વર્ષથી ઈન્‍ડસ્‍ટ્રીમાં સંગીત ક્ષેત્રે કાર્યરત શોભા સામંતજીને તેમનાં યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. કોરસ ગાયનમાં દાદાસાહેબ ફાળકે પુરસ્‍કાર મળ્‍યો હોય તેવી આ વિરલ ઘટના છે. આ પહેલા કોરસમાં સુમન પુરોહિત  કરીને ગાયિકા હતી તેમને પણ આ એવોર્ડ મળ્‍યો હતો અને ત્‍યારબાદ શોભાજી ને આ મૂલ્‍યવાન પુરસ્‍કાર મળ્‍યો છે.
શોભા સામંતજી કહે છે, લગભગ સાતમાં દાયકા માં મારી સંગીતની શરૂઆત થઇ. સંગીત ક્ષેત્રે હું ૩૫ વર્ષથી જોડાયેલી છું. મારી સંગીતની શરૂઆતમાં મારું પહેલું ગીત મેં લક્ષ્મીકાંત-પ્‍યારેલાલજી ને ત્‍યાં ગાયું. એ ફિલ્‍મ હતી સત્‍યમ શિવમ સુન્‍દરમ. જેમાં એક સાથે ૬૦ કોરસ ગાવામાં હતા. જેનું રેકોર્ડિંગ મુંબઈના પ્રખ્‍યાત ‘ફેમસ સ્‍ટુડિયો'માં થયું હતું. જયાં લતાજી, નરેન્‍દ્ર શર્મા, રાજ કપૂરજી પણ હાજર હતા. સંગીતમાં શરૂઆત કઈ રીતે થઈ? શોભાજી કહે છે, હું મુંબઈમાં વસઈમાં રહું છું ત્‍યાં ઓરકેસ્‍ટ્રામાં નાના-નાના પ્રોગ્રામ કરતી હતી. હું ગાતી હતી પણ સામેવાળા ને એ ખ્‍યાલ નહોતો કે હું કંઈ શીખી છું કે નહીં કારણ લતાજીના ગીતોને હું સેમ ટુ સેમ કોપી કરી અને ગાતી હતી. સંગીતમાં કામ મેળવવા ખૂબ જ સંઘર્ષ કરી અનેક જગ્‍યાએ ફરી અને કામ મેળવ્‍યા.
શોભાજી ને સંગીત લાઈનમાં આવવાની અદમ્‍ય ઇચ્‍છા હતી. નાની ઉંમરથી જ તેઓ સંગીત પ્રત્‍યે ખૂબ જ લગાવ ધરાવતા હતા. માત્ર નવ વર્ષની ઉંમરમાં તેઓ સંગીત શીખ્‍યા. તેઓએ સંગીતની શિક્ષા ગુરૂ વસંતરાવ કુલકર્ણી પાસેથી મેળવી. એ પછી ગિરગાંવ ના ખેતીવાડી માં આવેલ એક ગુજરાતી સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી પણ કરી. જયાં તેઓ મરાઠી અને હિન્‍દી શીખવતા હતા. જોકે શોભાજીનું ધ્‍યાન સંગીતમાં અને ગાયન પ્રત્‍યે વધારે રહેતું તેથી સ્‍કૂલના પ્રિન્‍સિપાલે કહ્યું કે તમે સંગીતમાં વધુ ધ્‍યાન આપો. એ પછી શોભા સામંતજી એ સ્‍કૂલ છોડી અને સંગીત માટે જ જીવન સમર્પિત કર્યું.
સંગીતની દુનિયામાં આવવા શોભાજીએ ખૂબ સંઘર્ષની સાથે અનેક જગ્‍યાએ કામ પણ કર્યા. તેઓ કહે છે, એ સમયે રેડિયો તો હતા નહીં આથી ગીત સાંભળવા મેં થિયેટરમાં ટીકીટ આપવાની નોકરી પણ કરી છે જેથી ફિલ્‍મો જોવા મળે અને ગીતો સાંભળવા મળે. જોગેશ્વરીમાં આવેલ રામ ઔર શ્‍યામ થિયેટરમાં, નાસ થિયેટરમાં વગેરે જગ્‍યાએ ટિકિટ આપવાનું કામ કર્યું અને કામ પૂરું થાય એટલે તરત તેઓ ફિલ્‍મો જોવા પહોંચી જતા હતા. આ સિલસિલો થોડો સમય ચાલ્‍યો એ બાદ શોભાજી ના માતા ક્રિષ્‍નાજી તેમને લતાજીને ત્‍યાં લઇ ગયા. એ સમયે લતાજી ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. માતાએ તેઓને વાત કરી ત્‍યારે લતાજીએ કેટલાક લોકો ને ફોન કરી અને મારા વિશે વાત કરી અને એટલું જ કહ્યું કે આ છોકરીને કામ મળવું જોઈએ અને મને એ બાદ સંગીત ની લાઈનમાં ખૂબ જ કામ મળ્‍યું. હું તો કહું છું એ સમયે તે લોકો હતા આને આજે પણ તે લોકો જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શોભા સામંતજીના પિતા ‘બજરંગ વેલીંકર' કે જેઓ ગોવાના રેડિયો સ્‍ટેશનમાં હાર્મોનિયમ વગાડતા હતા અને બાદમાં મુંબઈમાં લોકસત્તા ન્‍યૂઝપેપરમાં કામ મળતા મુંબઈ સ્‍થાયી થયા હતા અને ત્‍યારે તેઓ ખાર વિસ્‍તારમાં રહેતા હતા.
આપણે પહેલા પણ ઘણી વાર સાંભળ્‍યું છે અને ઘણા લોકો કહેતા પણ આવ્‍યા છે કે લતાજીએ ઘણી ગાયિકાઓની કારકિર્દી ખતમ કરી નાખી. આ વાત કેટલી હદ સુધી સાચી છે આપ શું કહો છો? શોભાજીએ કહ્યું કે, મારા અનુંભવો પરથી કહું તો આપણી એટલી હે્‌સીયત હોવી જોઈએ કારણ એ સ્‍તર સુધી પહોંચવા એ લોકોએ કેટલો સંઘર્ષ કર્યો હશે! કેટલી મહેનત કરી હશે! આજે માત્ર લતાજી જ છે એવું કેમ? તેમની જગ્‍યાએ કોઈ આવી જ શકે નહીં અને જેટલા ગાયકો છે એ તમામને એ ખ્‍યાલ છે. લતાજીની જે જગ્‍યા છે તે એટલી ઊંચાઈએ છે કે તેમને આવું કંઈ કરવાની જરૂર હતી જ નહીં. લતાજી પછી ઘણા નવા ગાયકો આવ્‍યા તો શું એ કોઈ આગળ વધતા રોકાયા? નહીં. જો લતાજીએ કહ્યું હોત તો આમાંનું કોઈ આવ્‍યું જ નહોત. લતાજી જેવા મહાન ગાયિકા ક્‍યારેય કોઇનું ખરાબ વિચારી પણ ન શકે. અમે લતાજીને લાઈવ રેકોર્ડિંગમાં અને લાઇવ ગાતા જોયા છે ત્‍યારે કદાચ કોઈ થી ભૂલ થઈ અથવા ખોટુ ગવાઈ જાય તો તેઓ માત્ર તેમને જોતા. આટલા બધામાં તેમને ખ્‍યાલ આવી જતો પણ કદી કોઇનું ખરાબ વિચાર્યું પણ નથી. ઈન્‍ડસ્‍ટ્રીમાં તેઓ પણ ખૂબ જ સાધના અને સંઘર્ષ કરીને આગળ આવ્‍યા હતા. તેમણે તેમના ગાયનથી તે સાબિત કરી બતાવ્‍યું છે કે તેઓનું સ્‍થાન કોઈ લઈ શકે તેમ છે જ નહીં. ઘણા હિતશત્રુઓ લતાજી વિશે આવી વાત કરતા હોય છે પણ તે સદંતર ખોટું છે.
 ભારતરત્‍ન લતાજી સાથે કોરસમાં ગાવાની તક કેવી રીતે મળી? પહેલાના જમાનામાં રેકોર્ડિંગ વખતે અને સ્‍ટેજ ઉપર અત્‍યારે જે શો થઈ રહ્યા છે તેવા શો થતા નહતા. એ વખતે માત્ર મ્‍યુઝીક ડાયરેક્‍ટર ના જ શો થતા હતા અને અમે તેજ શો કરતા હતા. જેમકે લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ, બપ્‍પી લહેરી, રાજેશ રોશન વગેરે. તેમાં કોરસ ગાયક તરીકે ગાતા હતા. જયારે લતાજીના શો થતા ત્‍યારે તેમાં કોરસમાં ગાવામાં વધારે છોકરીઓ જ રહેતી. એ વખતે અનિલ મોહલે એ મને લતાજી સાથે ગાવા બોલાવી હતી. ક્‍યારેક કોઈ ગાવામાં ૬૦ તો કોઈમાં ૮૦ કોરસ ગાવામાં રહેતા અને એ વખતે બધાને જ કામ મળતું.  આવી જ રીતે અનેક શો કર્યા છે જેમાં ઇન્‍ડસ્‍ટ્રીના અઢળક શો મા કોરસ તરીકે ગાવાની તક મળી છે. પણ ઇન્‍ડસ્‍ટ્રીમાં મેં જે સંઘર્ષ કરી અને વધુ કામ કર્યું તે માત્રને માત્ર લતાજીને કારણે જ બન્‍યું છે. ઓ.પી. નય્‍યર અને મદન મોહન ને બાદ કરતા લગભગ તમામ સંગીતકારો સાથે કામ કર્યું છે.
શોભા સામંત છેલ્લા ૩૫ વર્ષથી દરેક કલાકારો, અનેક ફિલ્‍મો અને ધારાવાહિકો માટે કોરસ ગાતા આવ્‍યા છે. તમને ક્‍યારેય એમ નથી લાગતું કે મારી સાથે પણ કોરસ ગાય અને હું મુખ્‍ય ગાયિકા તરીકે આગળ આવું? એ સમયે હું જયારે ગાતી ત્‍યારે મારે માત્ર કામ જોઈતું હતું. મેં સોલો ગાયક તરીકે એટલા માટે કોશિશ ન કરી કારણ મારા ઘરની હાલત ઠીક નહોતી. મારાથી નાના મારા ભાઈ બહેન હતા અને કમાઈ અને તેમનું પેટ ભરવું તે સૌથી મોટી જવાબદારી હતી. એટલા માટે સોલો ગાયક તરીકે પ્રયત્‍ન નથી કર્યા. જોકે, એ સમયે શંકર-જયકિશનજીના સીટીંગ રૂમમાં હું અવારનવાર જતી હતી. એ વખતે શંકરજી મને ગીત જે તેમણે કમ્‍પોઝ કર્યું હોય તે મને શીખવતા અને કહેતા કે જે કોઈ પ્રોડ્‍યુસર આવે તેને આ ગીત તારા અવાજમાં સંભળાવજે. જો ગીત રેકોર્ડ થયું તો તેઓ મને પૈસા મોકલી આપતા હતા. ફેમસ સ્‍ટુડિયોમાં તેમનો સીટીંગ રૂમ હતો. શોભાજીએ રાજેશ રોશન, બપ્‍પી લહેરી, લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ માના પ્‍યારેભાઈ વગેરે સાથે અઢળક કામ કર્યું છે.
આજે કોરસનો શું માહોલ છે? કોરસનું મહત્‍વ વધ્‍યું છે? શોભા સામંતજી નું કહેવું છે કે, અમે જયારે ગાતા ત્‍યારે અમારા મ્‍યુઝીક ડાયરેક્‍ટર જેમકે પ્‍યારેભાઈ, રાજેશ રોશન, બપ્‍પી દા વગેરે એવું વિચારતા કે કોરસમાં ચાર લોકો સારું ગાઈ રહ્યા છે અને ચાર સારું નથી કહી રહ્યા તે તેમને ખ્‍યાલ હોવા છતાં ૪૦ થી વધુ કોરસ અને વાયોલિન વાદકો રાખતા કારણ તેઓ ઇચ્‍છતા કે આ બધાનું ઘર ચાલે. પહેલાના જમાનાના મ્‍યુઝિક ડાયરેક્‍ટરોમાં આ વાત હંમેશા રહેતી. જયારે અત્‍યારના મ્‍યુઝીક ડાયરેક્‍ટરોમા નવા નવા ગાયકો પાસે ગવરાવી રહ્યા છે ત્‍યારે કોરસમાં પણ યુવાન ગયાકોને જ પસંદ કરશે. તેમાં જનરેશનની અસર તો જોવા મળે જ છે. કોરસમાં બધા સાથે મળીને કામ કરવું જોઈએ. આજે ઇન્‍ડિયન આઇડોલ માં યુવા વર્ગ ગાઇ છે તો ભવિષ્‍યમાં પણ તેને કામ મળવું જોઈએ.
મુખ્‍ય ગાયક પહેલા કોરસમાં ગાવું જોઇએ? તેઓ કહે છે, આજે ટીવી પર ઇન્‍ડિયન આઇડલ જેવા રિયાલીટી શો જોઈ બધાને એમ થાય છે કે મારે પણ ગાવું જોઈએ. હું પણ ઇન્‍ડિયન આઇડલ બની શકું છું. પણ અહીં પહોંચવા માટે સખત મહેનત કરવી પડે છે. હું ઇચ્‍છું છું કે ભવિષ્‍યમાં પણ આવા ગાયકોને તેની કેપેસિટી મુજબ કામ મળવું જોઈએ. તેના માટે કોરસમાં ગાવું કે નહીં તેવું નથી. મુખ્‍ય ગાયક ની જેમ કોરસમાં પણ બધા એકદમ રિયાઝ કરીને, સંગીત શીખીને જ આવતા હોય છે અને આજની યંગ જનરેશન સંગીત શીખીને જ આવે છે. કોરસમાં બધાની સાથે રહીને ગાવું પડે છે. ક્‍યારેક એવું પણ બને છે કે મુખ્‍ય ગાયક જે ગાઈ તે સંભળાય નહિ ત્‍યારે નોટેશન સામે રાખી અને ગાવું પડતું હોય છે. કોરસ ગાતી વખતે ભાષાઓ પણ આવડવી જોઈએ. જે ભાષામાં ગીત હોય તેનાં ઉચ્‍ચારણો પણ આવડવા જોઈએ. જો ઉચ્‍ચારણ વ્‍યવસ્‍થિત નહિ હોય તો ગમે તેટલું સારું ગાતા હશે તો પણ કોરસમાં ગાય શકશે નહીં.
કોરસમાં ગાવા માટે વ્‍યવસ્‍થિત ગાવું ખૂબ જરૂરી છે. હું આજે પણ કોઈને એમ ને એમ કોરસમાં ગાવા લેતી નથી. કોરસમાં ગાવું એ જરા પણ સહેલી વાત નથી. એક કિસ્‍સો યાદ કરતા શોભાબેન કહે છે, મહેબૂબ સ્‍ટુડિયોમાં ચાર સિંગર હતા. કુમાર સાનુ, ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ, અને ચોથું પણ કોઈ હતું. માત્ર એક લાઇન કોરસ ગાવા માટે તેમનું રેકોર્ડિંગ સવારથી સાંજ સુધી ચાલ્‍યું હતું.!
તમારી સાથે કોરસ હોય અને તમે મુખ્‍ય ગાયક તરીકે હોય તેવી ઇચ્‍છા નથી થતી? શોભાજીનું કહેવું છે, એવું ક્‍યારેય લાગ્‍યું પણ હોય તો પણ એ શક્‍ય નથી. કારણ ગાવું એ ખાવાનું કામ નથી. જો આપણે વિચારીએ કે આપણી એવી હેસીયત છે ત્‍યાં સુધી જવાની અને ગાવાની તો જઈ શકાય. મારી તો ઘરની પરિસ્‍થિતિ અને મજબુરી હતી. આ પહેલા મેં સોલો ગાયક તરીકે ઘણા શો કર્યા છે. જોકે ત્‍યાં ધ્‍યાન નથી આપ્‍યું અને તે કામ પણ અલગ છે. જો તમે સોલો ગાતા હો તો તમારી પાસે એટલું કામ પણ હોવું જોઈએ. જો હું સારું ગાતી હું પણ મને કોઈ બોલાવશે જ નહીં તો તેનો શું ફાયદો?  અને આમ પણ કોરસમાં ગાવું તે કામ ખૂબ જ અઘરું છે.
પહેલાના જમાનામાં સંગીતકારો, સાજીંદાઓ, ગાયકો વગેરે રેકોર્ડિંગ કરતા ત્‍યારે કલાકો સુધી સાથે રહી રેકોર્ડિંગ સેશન ચાલતું. જયારે આજે ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે સંગીતકારો કે સાજીંદાઓ પોતાના સમયે આવી અને રેકોર્ડિંગ કરી જાય છે અને ગાયકો કે કોરસ પોતાના સમયે આવી અને તેનો પાર્ટ રેકોર્ડ કરી જાય છે અને આખું ગીત આ રીતે બને છે. કોઈ એકબીજાને મળતા જ નથી. પહેલા લાઈવ રેકોર્ડિંગ થતું અને ગાયક ખુદ હાજર રહી કલાકો સુધી લાઈવ રેકોર્ડિંગ કરતા જયારે આજે ટેકનોલોજીની મદદથી સુર ઉપર-નીચે કરવો કે અવાજ માં બદલાવ લાવવો તે બધું જ શક્‍ય છે. એટલે જ પહેલાના જમાનાના ગાયકો અને સંગીતકારોને લોકો આજે ભૂલી નથી શક્‍યા. એ વખત ના કોરસ ગાયકોના પણ નામ હતાં જેમકે આનંદ ભાટીજી, શર્માજી, જીયવંત કુલકર્ણી, શરદ જાંબેકર વગેરે. આ બધા જ સોલો આર્ટિસ્‍ટ હતા છતાં કોરસમાં ગાતા એટલે વિચારો કે એ વખતે કોરસ નું કેટલું મહત્‍વ રહ્યું હશે.!
શોભાજી એ અનેક રેકોર્ડિંગ કંપનીઓ માટે ગાયુ છે અને અનેક ધાર્મિક આલ્‍બમો પણ તેમના બહાર પડ્‍યા છે. જેમાં વિંગ્‍સ, ટી સીરીઝ, નોવા વગેરેનો સમાવેશ થાય છે. દુર્ગાષ્ટમી, સાઈ મંત્ર ઉપરાંત ભોજપુરી, ગુજરાતી, મરાઠી વગેરેમાં આવતાં અનેક ધાર્મિક ગીતો ને શોભાજીએ કંઠ આપ્‍યો છે. આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવતા શોભા સામંત નિયમિત રીતે રેકોર્ડિંગ સમયે હાજર હોય છે. આજે પણ તેમનું ગળુ પહેલાં જેટલું જ સુંદર રીતે ચાલે છે તેમાં કોઇ ફેરફાર થયો નથી. આજે પણ સંગીતકારો તેમની વોઈસ ક્‍વોલીટી માટે તેમને બોલાવે છે. તેઓ કહે છે મારા પ્રિય ગાયિકા લતાજી છે. કારણ હું તેમને સાંભળીને જ મોટી થઈ છું. તેઓ કહે છે, આજની નવી જનરેશન કામ શીખે છે મહેનત કરે છે અને તેમના કામ કરવાના અલગ પ્રકારથી તેઓ આગળ આવે છે. જોકે એક બે ગીત ગાઇ અને આગળ આવવા થી જે લોકોનો એટીટ્‍યુડ બદલાઈ જાય છે, હવામાં આવી જાય છે તે ન હોવું જોઈએ. વધુમાં વધુ વિનમ્ર બનવું જોઇએ. શોભાજી કહે છે, મને એવું લાગે છે કે આ ઇન્‍ડસ્‍ટ્રીએ મને જે આપ્‍યું તે મારી હેસિયત કરતાં વધારે આપ્‍યું છે અને હું ખુબ ખુશ છુ.

બપ્‍પી લહેરી એ જયારે ગીત ફરીથી રેકોર્ડ કર્યું...
બપ્‍પી લહેરી સાથે શોભા સામંત અને એકદમ ઘર જેવા સંબંધો હતા. એક યાદગાર કિસ્‍સો તેઓએ સંભળાવ્‍યો હતો. બપ્‍પી લહેરીએ શોભાજીને જરૂરિયાતના સમયે અઢળક કામ આપી ખૂબ જ મદદ કરી હતી. એક વખત એવું બન્‍યું હતું કે કોઈ કારણોસર ટ્રેન બંધ હતી તેથી વસઇ થી રેકોર્ડિંગ સ્‍ટુડિયો સુધી શોભાજી ટેમ્‍પોમાં બેસી અને ગયા અને રેકોર્ડિંગ પૂરું થવા આવ્‍યું હતું ત્‍યારે પહોંચ્‍યા ત્‍યારે મ્‍યુઝિક રેંજર ને આ વસ્‍તુ ગમી ન હતી અને તેમને લાગ્‍યું હતું કે કોરસમાં ગાનાર આ ગાયિકાએ સમયસર આવવું જોઈએ. ત્‍યારે એરેંજર વિલ્‍સેન્‍ટ હતા તેમણે આવીને મને કહ્યું કે હવે જરૂર નથી ગીત રેકોર્ડ થઈ ગયું છે. તમે બેસો તમારું પેમેન્‍ટ તમને બહાર મળી જશે. એક રીતે આ અપમાન જનક હતું. થોડીવાર બહાર બેસ્‍યા બાદ બપ્‍પી લહેરી આવ્‍યા અને કહ્યું, અરે શોભા તુમ બહાર ક્‍યુ બેઠી હો? ત્‍યારે શોભાજી એ કહ્યું કે વિલસન્‍ટ એ કહ્યું છે કે, તમારી જરૂર નથી તમે ઘરના છો એટલે તમે બેસો તમારું પેમેન્‍ટ તમને બહાર મળી જશે. ગીત રેકોર્ડિંગ થઇ ગયું છે. બપ્‍પી લહેરી તરત અંદર સ્‍ટુડિયોમાં ગયા અને વિલ્‍સેન્‍ટને કહ્યું ફરીથી ગીત સંભળાવો. ગીત સાંભળી દાદાએ કહ્યું કે અરે ગીતમાં કોરસ નો આ પાર્ટ આ રીતે હતો જ નહીં. બપ્‍પી દાદાએ શોભાજી ને બોલાવ્‍યા અને ફરીથી ગવરાવ્‍યું. તમને જાણીને નવાઈ લાગશે કે ગીત માં કંઈ જ ફેરફાર કર્યો ન હતો. માત્ર કોરસમાં ગવરાવી અને શોભાજીને પેમેન્‍ટ આપ્‍યું.
 
સંગીત માટે શોભા સામંતે નરગીસ અને સુનીલ દત્ત ને ત્‍યાં કામ કર્યું અને...
સંગીતની લાઈનમાં કામ મેળવવા માટે શોભા સામંતજી મુંબઈના પાલી હિલ વિસ્‍તારમાં ફરતા રહેતા હતા. કારણ મોટાભાગના કલાકારો આ જ વિસ્‍તારમાં રહેતા હતા. એ સમયે તેઓ નવમા ધોરણમાં ભણતા હતા. ત્‍યારે રેડીયો નો જમાનો નહતો જેથી બીજા એ ગાયેલા ગીતો સાંભળીને જ ગાવાનું રહેતું. એ સમયે તેઓ વસઈમાં ઓરકેસ્‍ટ્રામાં ગણપતિ સમયે અને થોડા ઘણા પ્રસંગોપાત ગીતો ગાતા. ત્‍યારે મને થયું કે કામ મેળવવા માટે આ કલાકારોને ગીતો ગાઈને સંભળાવવા જરૂરી છે. એ સમયે કોઈએ મને કહ્યું કે સંજય દત્ત ને ત્‍યાં તેમના છોકરાઓને સ્‍કૂલને લાવવા-લઈ જવા વગેરે કામ માટે જરૂરિયાત છે. શોભાજી કહે છે, મારો ધ્‍યેય માત્ર સંગીતમાં આગળ વધવાનો હતો. આથી ત્‍યાં અમીનાબાઇ કરીને એક બહેનને કહી હું સુનીલ દત્તજી ને ત્‍યાં કામ પર રહી.
શોભાજી કહે છે જયારે પણ સુનીલ દત્ત અને નરગીસ ઘરમાં રહેતાં કે રૂમમાં હોય ત્‍યારે હું મોટે મોટેથી ગીતો ગાતી અને મને જે આવડતું તે પ્રિયા દત્ત અને બાળકોને શીખવતી પણ હતી. એક સમયે નરગીસજી એ મને સાંભળી અને કહ્યું કે હવે મને ખબર પડી રહી છે કે તું અહીં શા માટે આવી છે. શોભાજી એ કહ્યું કે મારા ઘરની પરિસ્‍થિતિ સારી નથી આથી મારે સંગીત માં કોઈ કામ જોઈએ છે. એ વખતે નરગીસજી એ શોભા સામંત ને કહ્યું કે મેં તને અહીં કામવાળી તરીકે નહીં પણ મારા બાળકોને ધ્‍યાન રાખવા માટે રાખ્‍યા છે. તું ખૂબ સારા ઘરની છો અને તારી આ ઉંમર ભણવાની છે. માટે પહેલાં ઘરે જાવ ખૂબ ભણો અને ગાવાનું શીખો. હું પંચમદા વગેરેને ઓળખું છું તેમને કહીશ પરંતુ પહેલા ગાવાનું શીખી અને ભણીને આવો. તું અહીં અમને ગીત સંભળાવે છે તેમાં અમે કંઈ કરી શકીએ નહીં. વ્‍યવસ્‍થિત ભણી સંગીત શીખી અને આવ ત્‍યારે મારાથી જેટલું બનશે એટલું ચોક્કસ કરી આપીશ. એ દિવસે કદાચ સંજય દત્ત નો જન્‍મ દિવસ હતો અને તેમણે મને ખૂબ ભેટ અને કપડાં પણ આપ્‍યા હતા અને ઘરે જવા કહ્યું હતું. શોભાજી કહે છે નરગીસ અને સુનીલ દત્ત ખૂબ જ ઉદાર દિલના હતા. હું તેમના ઘરમાં ફરી તેમના રૂમમાં જાઇ તેમની લિપસ્‍ટિક વાપરતી તો પણ તેઓ કાંઈ કહેતા નહીં. અહિં કામ કરતી કોઇ પણ વ્‍યક્‍તિ કંઇ પણ ખાય તો કોઈને ના કહેતા નહીં.
 શોભાજી કહે છે સુનિલ દત્ત શૂટિંગ પરથી ઘરે આવતા ત્‍યારે કોઈ દિવસ તેમને મળી નથી પણ એક ફિલ્‍મ હતી ‘યે આગ કબ બુઝેગી' જેન ગીત માટે એ સમયે અમે બધા કોરસ માટે ઊભા હતા. સ્‍વાભાવિક છે કે તેઓ મને ઓળખતા ન હોય પરંતુ આટલા કોરસ ઉભા હતા તો તેઓએ મને બોલાવી અને કહ્યું કે, તું એ જ છે ને જે મારા ઘરમાં કામ કરતી હતી. ત્‍યારે તેમને ખૂબ સારું લાગ્‍યું અને કહ્યું કે જે કામ માટે તું આવી હતી એક કામ માટે આજે તું ઉભી છો અને મારી ફિલ્‍મના ગીત માટે જ ઊભી છો.

ગુજરાતી સંગીત અને દાંડિયામાં શોભાતાઇ એ જમાવટ કરી છે...
શોભા સામંતજી માત્ર મરાઠી અને હિન્‍દી ભાષામાં કોરસ ગાય છે તેવું નથી તેમણે ગુજરાતી સંગીતમાં પણ ખૂબ જ જમાવટ કરી છે. ગુજરાતીના ધુરંધર સંગીતકારો અને ગાયકો સાથે પણ તેમણે કામ કર્યું છે. એટલુંજ નહીં તેઓએ હિન્‍દી ની સાથે મરાઠી માં અશોક પતકી અને ગુજરાતી સંગીતકારો સાથે પણ કામ કર્યું છે. જેમાં પુરુષોત્તમ ઉપાધ્‍યાય, અવિનાશભાઈ વ્‍યાસ, દમયંતિબેન બરડાઇ, વત્‍સલાબેન, પ્રફુલ્લ દવે વગેરેનો સમાવેશ થાય છે. શોભાબેન મહેશકુમાર સાથે શોમાં પણ ગુજરાતી ગાતા અને તેમના રેકોર્ડીંગમાં કોરસમાં પણ ગાતા.
શોભાબેન કહે છે, ગુજરાતી ડાંડીયા માં મેં ખૂબ જ ગાયુ છે પુરુષોત્તમ ઉપાધ્‍યાય કે ગૌરાંગભાઈ આજે પણ શોભા કહીને જ બોલાવે છે અનેક ગુજરાતી ફિલ્‍મો અને ગુજરાતી શોમાં પણ મેં કોરસ ગાયક તરીકે કંઠ આપ્‍યો છે જેનો મને ખૂબ આનંદ છે.

 

સંતોષ સાલ્‍વે
હું ગુરૂ શિષ્‍ય પરંપરા મુજબ શાષાીય સંગીત શીખતો હતો એ સમયે મને ખૂબ જ પૈસાની જરૂરિયાત હતી. એ વખતે મને બીમારી પણ આવી હતી. જે ખૂબ જ લાંબો સમય ચાલી હતી ત્‍યારે મારા મિત્રએ શોભાતાઈ સાથે મારી મુલાકાત કરાવી. એ પછી તો ત્રણ મહિનાનો સમય વીતી ગયો અને ત્રણ મહિના પછી મારો ફોન રણક્‍યો અને શોભાજીએ મને એક રેકોર્ડિંગ માટે બોલાવ્‍યો. જયારે હું રેકોર્ડિંગ સ્‍ટુડિયોમાં પહોંચ્‍યો ત્‍યારે તેની ટેકનીક અલગ હોય છે તે ખ્‍યાલ ન હતો. તેમણે મને એ બધું શીખવ્‍યું પણ ખરૂ. તેઓ મને ખૂબ કામ આપતા ગયા અને શોભાજીના સપોર્ટથી મારું જીવન એકદમ સેટ થઈ ગયું.

રેશમા ધોત્રે
સંગીત ક્ષેત્રે મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે. શોભાજી સાથે કામ કરતાં મને ૧૭ વર્ષ થયા. ૨૦૦૫માં મરાઠી મ્‍યુઝીક ડાયરેક્‍ટર અશોક પટકી સાથે કામ કરતી હતી કોરસમાં ત્‍યારે અશોકજી એ શોભાતાઇ ને મારા ઘરની હાલત વિશે જાણ કરી અને કામ આપવા જણાવ્‍યું. એ સમયે મારી પાસે એટલું કામ રહેતું ન હતું. હું માત્ર અશોકજી માટે જ ગાતી હતી. એ પછી શોભાજીએ મને એક શોમાં ગાવા બોલાવી અને ત્‍યારબાદ એટલા બધા કામ આપ્‍યા કે મારું જીવન સુધરી ગયું.

સુચિતા દલવી
હું એલ એન્‍ડ ટી માં સર્વિસ કરતી હતી. મને ગાવાનો જબરો શોખ હતો. મેં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસ કરી. ત્‍યાં મારી સાથે એક મહિલા કામ કરતી હતી જે ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં કોરસ તરીકે ગાતી હતી. જયારે તેને ખબર પડી કે હું પણ ગાઉં છું ત્‍યારે તેણે મને એક ગીત માં કોરસ ની જરૂરિયાત હતી ત્‍યાં જવા કહ્યું. એ ગીત નું રેકોર્ડિંગ ખારમાં આવેલ લાઇન ઇન સ્‍ટુડિયોમાં હતું. એ વખતે ગીત રેકોર્ડિંગ કર્યું ત્‍યારે મને ૨૦૦ રૂપિયા મહેનતાણુ મળેલું અને હું ખૂબ જ રાજી થઈ ગઈ હતી. આ રીતે ધીમે ધીમે કોન્‍ટેક્‍ટ વધતા ગયા અને પછી શોભાજી ના સંપર્કમાં આવી અને અનેક શો કર્યા અને આજે પણ કરું છું. આ પહેલા મેં અનેક સીડીમાં સોલો તરીકે પણ ગીતો ગાયા છે.

મોહન શ્રવણ
હું બેંકમાં કામ કરતો હતો એ સમયે ત્‍યાં વર્ષમાં એકવાર સ્‍પર્ધા યોજાતી એમાં એકવાર ભાગ લીધો ત્‍યાં મારો મિત્ર હતો. તેની પાસે એક ફિલ્‍મમાં ગીતમાં કોરસ ગાવાનું કામ આવ્‍યું. તે એક મરાઠી ફિલ્‍મ હતી અને હું તેમાં ગાવા ગયો. એ સમયે મને ૬૦૦ રૂપિયા પુરસ્‍કાર મળ્‍યો. પૈસા કરતા જે શીખવા મળ્‍યું અને જે વાતાવરણ મળ્‍યું તે મારા માટે ખૂબ અગત્‍યનું હતું. એ પછી શોભાજી સાથે મારી મુલાકાત થઇ અને છેલ્લા ૨૦ વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યો છું. અનિલ મોહિલેજી એ મને લતાજીના શોમા કોરસ માં ગાવાની તક આપેલી. મે જતીન લલિતજી સાથે પણ કોરસમા કામ કર્યું છે.

સિધ્‍ધાર્થ પાટીલ
હું ઇલેક્‍ટ્રિકલ એન્‍જિનિયર છું. મને સંગીત માં અનહદ શોખ હતો એટલે પ્રદીપ ખાંડેકરજી પાસે સંગીત શીખ્‍યો પણ ખરો. ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મારા ફઈ પૂર્ણિમાજી પણ કોરસમાં ગાય છે. તેઓ મને શોભાજી પાસે લઈ આવ્‍યા અને મારી ઓળખાણ કરાવી.
તેઓએ મને રાજેશ રોશનની ફિલ્‍મમાં જ પહેલો ચાન્‍સ આપ્‍યો આ કામથી મને ખૂબ જ પ્રોત્‍સાહન મળ્‍યું.  ત્‍યારથી લઈને અત્‍યાર સુધી હું શોભાજી સાથે કામ કરું છું અને અનેક શો પણ કર્યા છે અને અનેક જગ્‍યાએ કોરસમાં ગાઈ રહ્યો છું.

ભારતીબેન નાયક
હું છેલ્લા ૨૦ વર્ષથી આ લાઈનમાં છું. મારી પ્રેરણા પ્રમુખસ્‍વામી મહારાજ સ્‍વામિનારાયણ મંદિર છે. મારા માતા તેમાં ખૂબ માનતા અને હજી પણ માને છે. ત્‍યાં સ્ત્રી અને પુરુષોના વિભાગ અલગ હોય છે અને કીર્તન પણ અલગ અલગ થાય છે. જેમાં બધા મહિલાઓ ગાતા હતા પરંતુ વાજિંત્ર વગાડનાર કોઈ મહિલા હતા નહીં એ ટાઈમે મને વિચાર આવ્‍યો અને મેં તબલા શીખ્‍યા. એ પછી મેં પાંચ વર્ષ તબલા વગાડયા અને સેવા આપી. એ પછી મુંબઈમાં મનસુખ જરીવાલા નું એક બેન્‍ડ હતું તેમાં તબલા પ્‍લેયર ની જરૂરીયાત ઉભી થઇ. તેમાં એક શોભનાબેન હતા તેમણે કહ્યું કે અમદાવાદમાં એક ભારતીબેન છે અને તેઓ બહુ સારા તબલાં પ્‍લેયર છે. એ વખતે આખા મહારાષ્ટ્રની ટૂર કરી અને બધા જ પ્રોગ્રામ માં જુના ગીતોમા મહિલા તબલાં પ્‍લેયર તરીકે કામ કર્યું. તબલા ની સાથે હું ડ્રમ પણ સારું વગાડી જાણું છું. મારું આખું એક મહિલા ઓરકેસ્‍ટ્રા બેન્‍ડ પણ છે. આગળ જતાં મને એવું લાગ્‍યું કે આ સીમિત નથી એટલે મેં ઓર્ગેનાઇઝર તરીકે કામ શરૂ કર્યું. એ પછી મેં મારા શો શરૂ કર્યા અને સૌ પહેલા મને યુકેની આખી ટુર મારા લેડીઝ ઓર્કેસ્‍ટ્રા બેન્‍ડ સાથે મળી હતી. ત્રણ મહિના યુકેની ટુર કરી એ પછી ધીમે ધીમે સેલિબ્રિટી શો શરૂ કર્યા. સંપર્ક : ભારતીબેન નાયક - ૯૮૯૨૬૨૫૭૬૮

 

 

(4:04 pm IST)