Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભારતનાં એક એવા રાષ્ટ્રપતિ જેણે પોતાના કાર્યકાળમાં ચાર વડાપ્રધાનોને લેવડાવ્યા શપથ

આર વેંકટરામને રાજકિય અસ્થિરતાના દોરનો સામનો કરવો પડયો : આર વેંકટરામને રાજીવ ગાંધી, વીપી સિંહ, ચંદ્રશેખર અને પીવી નરસિંહરાવ એમ ચાર વડાપ્રધાનો જોયા

નવી દિલ્લી તા.18 : ભારતમાં સંવિધાનિક દ્રષ્ટિએ રાષ્ટ્રપતિનું પદ્દ સૌથી મોટું હોય છે. તેવામાં આર વેંકટરામન એક એવા રાષ્ટ્રપતિ છે જેણે પોતાના કાર્યકાળમાં 4 વડાપ્રધાન જોયા છે. આર વેંકટરામને રાજકિય અસ્થિરતાના એક દોરનો સામનો કરવો પડયો હતો. જેમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન આર વેંકટરામને રાજીવ ગાંધી, વીપી સિંહ, ચંદ્રશેખર અને પીવી નરસિંહરાવ એમ ચાર વડાપ્રધાનો જોયા હતા.

5 જુલાઇ 1982ના રોજ જ્ઞાની ઝૈલસિંગ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે ઇન્દિરા ગાંધી દેશનાવડાપ્રધાન હતા. 31 ઓકટોબર 1984માં ઇન્દિરા ગાંધીની શીખ બોડી ગાર્ડ દ્વારા હત્યા  કરવામાં આવી હતી. ત્યારે જ્ઞાની ઝૈલસિંગએ રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકેના શપશ લેવડાવ્યા હતા. જો કે રાજીવ ગાંધી સાથે પણ ઝૈલસિંગને કાર્યકાળના છેલ્લા અરસામાં મતભેદો વધી ગયા હતા. ભારતના રાષ્ટ્રપતિઓમાં જ્ઞાની ઝૈલસિંગનો કાર્યકાળ સૌથી કપરો અને વિવાદાસ્પદ ગણાય છે. પરંતુ ઝૈલસિંગ પછી રાષ્ટ્રપતિ બનેલા આર વેંકટરામને પણ રાજકિય અસ્થિરતાના એક દોરનો સામનો કરવો પડયો હતો.

આર વેંકટરામનના 25 જુલાઇ 1987 થી 25 જુલાઇ 1992 સુધીના પાંચ વર્ષના કાર્યકાળમાં 4 વડાપ્રધાન બદલાયા હતા. એમાંથી તેમણે 3 વડાપ્રધાનને શપથ વેંકટરામને લેવડાવ્યા હતા. વેંકટરામને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે લોકસભાની 400થી વધુ બેઠકોની બહુમતી ધરાવતા રાજીવગાંધી દેશના પીએમ હતા. મતો અને બેઠકોની દ્વષ્ટીએ કોંગ્રેસનો આ સૂવર્ણકાળ હતો પરંતુ રાજીવ ગાંધી તેને જાળવી શકયા ન હતા.

જનતાદળ પક્ષની રચના કરીને વી.પી સિંહે મોરચો માંડયો હતો. 1989માં દેશમાં યોજાયેલા જનરલ ઇલેકશનમાં રાજીવગાંધીના નેતૃ્ત્વ હેઠળની કોંગ્રેસી સરકારે વિદાય લેતા ભાજપના ટેકાથી જનતાદળ પક્ષના વી.પી સિંહ વડાપ્રધાન બન્યા હતા. વીપીસિંહના માંડલ કમિશનની અગનજવાળાઓ દેશમાં ફેલાઇ હતી. ખૂબ વિવાદ થતા વી.પી સિંહે રાજીનામું આપતા કૉગ્રેસના ટેકાથી સમાજવાદી પાર્ટીના ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા હતા.

રાજકિય દાવપેચ અને અસ્થિરતાનો માહોલ શરુ થયો હતો. છેવટે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા પી.એમ ચંદ્રશેખરે પણ રાજીનામુ આપવું પડયું હતું.ત્યાર બાદ દેશમાં ફરી જનરલ ઇલેકશન થયું જેમાં સાવ પાતળી બહુમતીથી ૨૧ જુલાઇ ૧૯૯૨માં કૉગ્રેસના પી.વી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા હતા ત્યારે આર વેંકટરામનની મુદત પુરી થવાને પાંચ દિવસની વાર હતી. આમ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન આર વેંકટરામને રાજીવ ગાંધી, વીપી સિંહ, ચંદ્રશેખર અને પીવી નરસિંહરાવ એમ ચાર વડાપ્રધાનો જોયા હતા.

(11:12 pm IST)