Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પ્રીમિયમ ટ્રેનોમાં લાગતો સર્વિસ ચાર્જ નાબૂદઃ હવે ચા-પાણી વર્તમાન દરે મળશે

રેલ્‍વેના મુસાફરોને ભેટ : ભારતીય રેલ્‍વેએ રાજધાની, દુરંતો, શતાબ્‍દી અને વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત આપી છેઃ હવે આ ટ્રેનોમાં તમને સામાન્‍ય કિંમતે ચા-પાણી મળશે, જ્‍યારે ભોજન અને નાસ્‍તા પર સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે

નવી દિલ્‍હી, તા.૧૯: જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. મુસાફરોને મોટી રાહત આપતા રેલ્‍વે મંત્રાલયે પ્રીમિયમ ટ્રેનોમાં સર્વિસ ચાર્જ નાબૂદ કરી દીધો છે. રેલ્‍વે મંત્રાલયે આ સંબંધમાં ઈન્‍ડિયન રેલ્‍વે કેટરિંગ એન્‍ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC)ને એક પરિપત્ર પણ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે આ નિયમ લાગુ થયા પહેલા IRCTC ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાવા-પીવાનો ઓર્ડર આપવા માટે ૫૦ રૂપિયાનો સર્વિસ ચાર્જ લે છે.

હવે નવા નિયમ હેઠળ, જે મુસાફરોએ ટિકિટ બુકિંગ સમયે ખાવાનું પસંદ કર્યું નથી, તેમને સર્વિસ ચાર્જમાંથી મુક્‍તિ આપવામાં આવશે. તેમને હવે વર્તમાન ભાવે જ ચા-પાણી મળશે. પરંતુ નાસ્‍તા અને ભોજન માટે તમારે સર્વિસ ચાર્જ તરીકે ૫૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. અત્‍યાર સુધી રાજધાની, દુરંતો, શતાબ્‍દી અને વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવા માટે ૫૦ રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સવારના નાસ્‍તા અને ભોજન માટે પહેલાની જેમ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

ઉપભોક્‍તા બાબતોના મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્‍યા બાદ રેલવે દ્વારા આ પગલું લેવામાં આવ્‍યું છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના મંત્રાલયે એક આદેશમાં કહ્યું હતું કે સર્વિસ ચાર્જની માંગ કરવી ખોટી છે. કોઈપણ હોટેલ કે રેસ્‍ટોરન્‍ટ દ્વારા સર્વિસ ચાર્જ વસૂલવો જોઈએ નહીં.

તમને જણાવી દઈએ કે આ મહિને સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટી (CCPA)એ સર્વિસ ચાર્જને લઈને આદેશ આપ્‍યા હતા. CCPAએ બિલમાં સેલ્‍ફ-લેવીંગ સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ મૂકયો છે. આ આદેશ બાદ હોટલ અને રેસ્‍ટોરન્‍ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકશે નહીં. તે સર્વિસ ચાર્જ ચૂકવે છે કે નહીં તે ગ્રાહકનો પોતાનો નિર્ણય હશે.

(10:57 am IST)