Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભારતનુ પહેલુ ડ્રોન જે માણસોને ઉડાડવા સક્ષમ નૌકાદળ માટે તૈયાર કરાયેલુ આ સાગર સંરક્ષણનું ડ્રોન છે

ભારતનુ પહેલુ ડ્રોન જે મનુષ્યને લઈ જવા અને ઉડાન ભરવા સક્ષમ છેઃ શરૃઆતમાં તેનો ઉપયોગ માલની હેરફેરમાં કરવામાં આવશે, ત્યારપછી તેનો ઉપયોગ મનુષ્યોના પરિવહન માટે કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૯: ભારતીય સંરક્ષણ સ્ટાર્ટઅપ સાગર ડિફેન્સે દેશનું પહેલું ડ્રોન તૈયાર કર્યું છે, જે માણસ સાથે ઉડી શકે છે. વ્યકિતએ ફકત તેમાં બેસવાનું છે. તે સિવાય તેને કંઈ કરવાનું નથી. ડ્રોન તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. તે દૂરથી સંચાલિત થાય છે.

સાગર ડિફેન્સના સ્થાપક અને સીઈઓ નિકુંજ પરાશરે કહ્યું કે અમે અમારા ડ્રોનનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બતાવ્યું. આ દેશનું -થમ ઈલેકટ્રોનિક હ્યુમન કેરીંગ પ્લેટફોર્મ છે (ભારતનું પ્રથમ ઈલેકટ્રોનિક માનવ વહન પ્લેટફોર્મ). હાલમાં તે જમીનથી બે મીટર સુધી ઉડી શકે છે.

નિકુંજ પરાશરે કહ્યું કે અમે તેને ભારતીય નૌકાદળ માટે બનાવ્યું છે. જેથી માલસામાનની હેરફેર સરળતાથી થઈ શકે. આ ડ્રોનનું નામ વરુણ છે. તેમાં ચાર ઓટોપાયલટ મોડ છે. જે તેને સતત ઉડવાની ક્ષમતા આપે છે જો તેના કેટલાક રોટરને નુકસાન થાય તો પણ. તેનું ટ્રાયલ જમીન પર કરવામાં આવ્યું છે, અમે આગામી ત્રણ મહિનામાં તેનું દરિયાઈ ટ્રાયલ કરીશું.

અત્યારે જે ટેસ્ટ ચાલી રહ્યા છે તેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે આ ડ્રોનની મદદથી સામાનને એક જહાજમાં મૂકીને બીજા જહાજમાં લઈ જઈ શકાય છે. અથવા દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે. તેની રેન્જ ૨૫ કિમી છે. તે ૧૩૦ કિલોગ્રામ પેલોડ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તેની ફ્લાઇટનો સમય ૨૫ થી ૩૩ મિનિટનો છે. સાગર ડિફેન્સને આ પ્રોજેકટ નેવી પાસેથી મળ્યો છે. કંપનીને કહેવામાં આવ્યું કે તમે આ પ્રોજેકટ દોઢ વર્ષમાં પૂરો કરો.

(4:27 pm IST)