Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભારતના સૌથી ધનવાન મહિલા સાવિત્રી જિંદાલફોર્બ્સની લિસ્ટમાં :2 વર્ષમાં ત્રણ ગણી સંપત્તિ થઇ

ફોર્બ્સની યાદીમાં ટોપ 10 ઇન્ડિયન્સની લિસ્ટમાં ભારતની મહિલાનું નામ સામેલ

મુંબઈ :  ફોર્બ્સની યાદીમાં ટોપ 10 ઇન્ડિયન્સની લિસ્ટમાં ભારતની મહિલાનું નામ સામેલ છે.આ મહિલા છે ઓપી ઝિંદાલ ગ્રુપની ચેરપર્સન સાવિત્રી જિંદાલ. હાલ તેમની સંપત્તિ લગભગ 18 અબજ ડોલર છે. છેલ્લા બે વર્ષમાં તેમાં 12 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.

  ફોર્બ્સની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 2022માં તેમની કુલ સંપત્તિ 17.7 અબજ ડોલર છે. તે ભારતની સાતમી સૌથી અમીર વ્યક્તિ છે. વિશ્વમાં તેનું સ્થાન 91માં નંબરે આવે છે. તેઓ 2021માં વિશ્વમાં 234મા અને 2020માં 349મા ક્રમે હતા. વર્ષ 2021માં તેમની કુલ સંપત્તિ $9.7 બિલિયન હતી, 2020માં તેમની કુલ સંપત્તિ $4.8 બિલિયન હતી. આ રીતે તેમની સંપત્તિ બે વર્ષમાં સાડા ત્રણ ગણી વધી છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મુકેશ અંબાણી 90.7 અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને છે. ગૌતમ અદાણી $90 બિલિયન સાથે બીજા ક્રમે છે. 28.7 અબજ ડોલર સાથે શિવ નાદર ત્રીજા, 24.3 અબજ ડોલર સાથે સાયરસ પૂનાવાલા, 20 અબજ ડોલર સાથે રાધાકિશન દામાણી પાંચમા, લક્ષ્‍મી મિત્તલ 17.9 અબજ ડોલર સાથે, સાવિત્રી જિંદાલ 17.7 અબજ ડોલર સાથે સાતમા, 16.5 અબજ ડોલર સાથે કુમાર બિરલા આઠમા સ્થાને, દિલીપ સંઘવી15.6 અબજ ડોલર સાથે નવમા સ્થાને અને ઉદય કોટક 14.3 અબજ ડોલર સાથે દસમા સ્થાને છે.

જિંદાલ ગ્રુપનો બિઝનેસ સ્ટીલ, પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ફેલાયેલો છે. ઓપી જિંદાલનું 2005માં પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું. તે પછી જૂથ તેમના ચાર પુત્રોમાં વહેંચાયેલું હતું અને ચારેય પુત્રો હવે જુદા જુદા વ્યવસાયો સંભાળે છે. સજ્જન જિંદાલ JSW સ્ટીલ ચલાવે છે. નવીન જિંદાલ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ચલાવે છે.

જો કે, બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, સાવિત્રી જિંદાલ આજે 10મા સૌથી અમીર ભારતીય છે. તેમની કુલ સંપત્તિ $10.7 બિલિયન હોવાનું કહેવાય છે. તે વિશ્વમાં 172મા ક્રમે છે. $110 બિલિયન સાથે, ગૌતમ અદાણી સૌથી ધનિક ભારતીય અને વિશ્વના 5મા સૌથી ધનિક વ્યક્તિ છે. તે પછી મુકેશ અંબાણી $85.7 બિલિયન સાથે આવે છે જે વિશ્વમાં 11મા ક્રમે છે. અઝીમ પ્રેમજી 25.1 અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે. તેઓ વિશ્વના 47મા સૌથી અમીર વ્યક્તિ છે.

ગૌતમ અદાણી બિલ ગેટ્સ કરતાં માત્ર 3 અબજ ડોલર પાછળ છે. એલોન મસ્ક $220 બિલિયન સાથે પ્રથમ ક્રમે, જેફ બેઝોસ $137 બિલિયન સાથે બીજા, બર્નાર્ડ આર્નોલ્ટ $131 બિલિયન સાથે અને બિલ ગેટ્સ $113 બિલિયન સાથે ચોથા નંબર પર છે.

(11:09 pm IST)