Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

છત્તીસગઢ સરકાર કોરોનાકાળમાં ઓક્સિજનના અભાવે થયેલાં દર્દીઓના મોતનું ઓડિટ કરાવશે

આરોગ્ય મંત્રીએ કહ્યું - આ બાબતે કેન્દ્ર સરકારે અમારી પાસે કોઈ ડેટા માંગ્યો નથી

રાયપુર: કોરોના વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓના ઓક્સિજનના અભાવે થયેલાં મોતના ધમાસાણ વચ્ચે છતીસગઢ સરકારે યુટર્ન લીધો છે. પહેલાં કેન્દ્રના સુરમાં સુર પુરાવનાર કોંગ્રેસ શાસિત છતીસગઢ સરકારે હવે કહ્યું કે અમે રાજ્યમાં ઓક્સિજનના અભાવે થયેલાં કોરોના દર્દીઓના મોતનું ઓડિટ કરાવીશું. આ બાબતની જાણકારી રાજ્યના આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવે શુક્રવારે આપી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ બાબતે કેન્દ્ર સરકારે અમારી પાસે કોઈ ડેટા માંગ્યો નથી.

છતીસગઢ સરકારનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં વિપક્ષી દળોએ કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવાર પર એમ કહીને આરોપ લગાવ્યો હતો કે તમે ગેરમાર્ગે દોરી રહ્યા છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતથી થયેલાં મોતના આંકડાની માહિતી આપી નથી. કોંગ્રેસે ગુરુવારે ઓક્સિજનની અછતથી થયેલાં મોતથી કથિત રીતે ગેરમાર્ગે દોરવા બદલ આરોગ્ય રાજ્યમંત્રી પવાર વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

છતીસગઢના આરોગ્યમંત્રી દેવે કહ્યું કે જ્યારે કેન્દ્ર કહે છે કે ઓક્સિજનની અછતથી કોઈના મોત થયા નથી, તો એ કદાચ છતીસગઢની વાત કરી રહ્યા છે, જે વધારાનો ઓક્સિજન ધરાવતું રાજ્ય છે. દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થયા, આ બાબતને ભૂલી શકાય તેમ નથી. તેમણે આગળ કહ્યું કે, અમે જવાબદેહી માટે તૈયાર છીએ, એટલે રાજ્યમાં પ્રત્યેક કોવિડ-19ની મોતનું ઓડિટ કરાવીશું. લોકોની સામે સત્ય આવે તે જરુરી છે.

(2:24 pm IST)