Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

JEE, NEET પરીક્ષા યોજવાના મુદ્દે ૬ વિપક્ષ રાજ્યોની સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન

કોંગ્રેસનું પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામિનેશન (JEE) યોજવાના સુપ્રીમ કોર્ટના ઓર્ડર સામે ૬ વિપક્ષ શાસિત રાજયોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. પશ્યિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાને સુપ્રીમ કોર્ટના ૧૭ ઓગસ્ટના ઓર્ડરને લઈને રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.

સર્વોચ્ચ ન્યાયાલયે ૧૭ ઓગસ્ટના રોજ ઈજનેરી તેમજ મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા માકૂફ રાખવાની અન્ય પિટિશન રદી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમના ઓર્ડરમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું મહત્વનું વર્ષ બગાડી શકાય નહીં અને જીવન આગળ ધપવું જોઈએ. 

કોરોના કાળમાં જેઈઈ અને નીટની પરીક્ષા યોજવાના નિર્ણય સામે કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા વિરોધની રણનીતિ ઘડવા એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના વિપક્ષના નેતાઓએ ૨૬ ઓગસ્ટના એક બેઠક યોજી હતી. મમતા બેનરજીએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં જવાનું સુચન કર્યું હતું.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓને દ્રોપદી તેમજ છ વિપક્ષ રાજયોના મુખ્યમંત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ ગણાવ્યા હતા. સ્વામીએ પોતાને આમાં વિદુર ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જેઈઈ અને નીટ રદ કરવાને લઈને ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેમણે ટ્વિટરના માધ્યમથી લોકોને જોડાવા અપીલ કરી છે.

શુક્રવારે કોંગ્રેસ દ્વારા કેટલાક રાજયોમાં જેઈઈ અને નીટની પરીક્ષાનો વિરોધ કરવા દેખાવો પણ યોજવામાં આવ્યા હતા જેમાં તેમના પ્રાદેશિક નેતાઓ તેમજ એએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ૧થી ૬ સપ્ટેમ્બર વચ્ચે જેઈઈ યોજવા અને ૧૩ સપ્ટેમ્બરના નીટની પરીક્ષા યોજવા નિર્દેશો આપ્યા છે.

(2:55 pm IST)