Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સ્વદેશી ધમણથી આયાતી લોબી-નાખુશઃ જાડેજા

અમે પડકાર ઝીલ્યો છે, કર્મના સિદ્ધાંતના આધારે સક્રિય છીએઃ પરાક્રમસિંહ : આર.ટી.આઇ.માં ધમણ રિજેકટ થયાનો કોઇ ઉલ્લેખ નથીઃ ધમણ-૩ની નિકાસના ઓર્ડર પણ શકય બન્યાઃ દેશની જરૂરિયાત પૂરી કરવા અમે વેન્ટીલેટર બનાવ્યા છેઃ પરાક્રમસિંહ જાડેજા

પત્રકાર પરિષદ પ્રસંગની તસ્વીરમાં જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, ડો.રૂકેશ ઘોડાસરા, ચેતન લાલસેતા, ડો. મયંક ઠાકર, ડો. ચીરાગ માત્રાવડિયા,  ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. તુષાર પટેલ નજરે  પડે છે.  (ત.સં.બ.)

રાજકોટ, તા., ર૮: વેન્ટીલેટર ક્ષેત્રે રાજકોટની કંપની જયોતી સીએનસીએ વિશ્વમાં ડંકો વગાડયો છે. ધમણ-૩ તમામ પરિક્ષણોમાંથી પાસ થઇ ગયા છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં પરાક્રમસિંહજાડેજાએ જણાવ્યું હતું કે સ્વદેશી ધમણના નિર્માણથી આયાતી લોબી નાખુશ છે અને ગેરમાહીતી પ્રસરાવીને ધમણ અંગે વિવાદો સર્જે છે અમે કર્મના સિધ્ધાંતને અનુસરીને શ્રેષ્ઠતમ પ્રદાન કરવા પુરૂષાર્થ કરતા રહયા અને ધમણ-૩નું સર્જન કરી શકયા. આ વેન્ટીલેટરના સંચાલન માટે કોઇ માણસની જરૂર નહી રહે. મોબાઇલ ફોન દ્વારા પણ સંચાલન થઇ શકશે. વાઇફાઇ, જીપીએસ સુવિધા ધરાવતા ધમણ શ્રેષ્ઠ વેન્ટીલેટર બનશે.

શ્રી જાડેજાએ કહયું હતુ કે કોરોના ભારતમાં પ્રવેશ્યો ત્યારે વેન્ટીલેટર આયાત પણ શકય ન હતા. દેશ-સમાજને ઉપયોગી થવા અમે વેન્ટીલેટર તરફ વળ્યા હતા. ૯ર વર્ષ પુર્વે વેન્ટીલેટરની શોધ થઇ હતી. હાલ જુજ દેશો વેન્ટીલેટર ઉત્પાદન કરે છે. ભારતમાં કોરોના પ્રવેશ્યો-વકર્યો વેન્ટીલેટરની જરૂરીયાત વધી ગઇ. આયાત લોબીની નજર આ સ્થિતિ પર મંડાઇ હતી. અમે સંપુર્ણ સ્વદેશી વેન્ટીલેટર રજુ કર્યુ. સ્વાભાવિક પણે આયાતી લોબીના વ્યવસાયને અસર થઇ. ધમણ અંગે ગેરમાહીતી ફેલાવીને વિવાદો કરતા રહયા છે.

તાજેતરમાં આર.ટી.આઇ. અંગેના વિવાદમાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે આ આરટીઆઇ ધમણ અંગે ન હતી. પી.એમ. કેર ફંડ અંગે હતી. જેના જવાબમાં ધમણ રીજેકટ થયાનો કોઇ ઉલ્લેખ નથી. રૂ. ૮ કરોડના પેમેન્ટ અંગે શ્રી જાડેજાએ કહયું હતું કે ભારત સરકારે કુલ ૬૦,૦૦૦ વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો છે. જેમાં જયોતી સીએનસીને પ૦૦૦ ધમણનો ઓર્ડર મળ્યો છે. દરેક કંપનીના નિયમ પ્રમાણે અમુક પેમેન્ટ એડવાન્સ મળે છે. જે મુજબ જયોતી સીએનસીને પણ પેમેન્ટ મળ્યું છે.

પરાક્રમસિંહ જાડેજા કહે છે કે, અમે ૧પ૦ નિષ્ણાંત લોકોની ટીમે રિચર્સ-સંશોધન કરીને પૂર્ણ પણે સ્વદેશી વેન્ટીલેટર બનાવ્યું છે, જે તમામ પરીક્ષણોમાંથી પાસ થયું છે. વિવાદોથી દૂર રહીને અમે પડકાર ઝીલ્યા હતો, જે પાર પડયો છે અને પડકારથી પીછેહઠ કરવા માંગતા નથી.

શ્રી જાડેજાએ ધમણ અંગે રાજકીય વિવાદો અનુસંધાને જણાવ્યું હતું કે, વેન્ટીલેટર ટેકનિકલ-મેડિકલ ક્ષેત્ર છે. ભારતમાં વેન્ટીલેટરની સખ્ત જરૂરત છે. આવા વિષયમાં રાજનીતિ થવી ન જોઇએ. સ્થિતિની ગંભીરતા સમજીને નિવેદનો થવા જોઇએ.

ધમણની માંગ વિદેશમાંથી પણ શરૂ થઇ છે શ્રી જાડેજાએ કહ્યું હતું કે, વિદેશોમાંથી પુછપરછ આવે છે. મેકિસકો-બ્રાઝીલ વગેરે દેશોમાં નિકાસ સંભવ થશે.

(3:04 pm IST)