Gujarati News

Gujarati News

News of Friday, 15th July 2022

પાકિસ્તાનમાં ગુરુદ્વારાની જગ્યાએ કતલખાના અને માંસની દુકાનો : સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ગુરુદ્વારાઓની ખુલ્લેઆમ ઉપેક્ષા : શીખ સમાજ ચિંતિત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં શીખ સમુદાયની ઐતિહાસિક મહત્વની એવી સેંકડો ઈમારતો છે જેને નષ્ટ અને અપવિત્ર કરવામાં આવી રહી છે. જ્યારે, પાકિસ્તાન સરકાર દેશમાં માત્ર કેટલાક ગુરુદ્વારા જાળવીને શીખો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડીને સ્થાનિક વહીવટીતંત્ર તેમના પૂજા સ્થાનોને અપમાનિત કરી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે.

ઘણા ગુરુદ્વારાઓની હાલત ખરાબ છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેને લઈને શીખો ખૂબ જ ચિંતિત છે. આવા જ એક ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી દમદમા સાહિબ છે જે રાવલપિંડીના રાજા બજારમાં સ્થિત છે. તેને બાબા ખેમ સિંહ બેદીએ 1876માં બનાવ્યું હતું. સ્થાનિક લોકો આ ધર્મસ્થળનો ઉપયોગ કતલખાના અને માંસની દુકાન તરીકે કરી રહ્યા છે. ગુરુદ્વારાના મુખ્ય પ્રવેશદ્વાર પર છેલ્લા ઘણા સમયથી માંસની દુકાનો આવેલી છે. માંસની દુકાનો ઉપરાંત, ગુરુદ્વારા પરિસરમાંથી એક ડઝનથી વધુ દુકાનો ચલાવવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોએ ગુરુદ્વારાની મિલકતો પર કબજો જમાવ્યો હતો
આ ગુરુદ્વારામાં એક વિશાળ 'સરાઈ' (યાત્રીઓ માટે આવાસ) છે અને લગભગ 70-75 રૂમ છે. ભોંયતળિયે વિશાળ લંગર ભવન (સામુદાયિક રસોડું), પ્રકાશ સ્થાન (ગભગૃહ), સુખાસન સ્થાન (પવિત્ર પુસ્તક માટેની જગ્યા) અને જોડા ઘર (ચંપલ માટેની જગ્યા) છે. આવી તમામ મિલકતો પર સ્થાનિક દુકાનદારોના પરિવારોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે.

પાકિસ્તાનમાં ગુરુદ્વારાઓની ઘોર ઉપેક્ષાનું બીજું ઉદાહરણ ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા છે. તે પંજાબ પ્રાંતના ગાલ્હા મંડીમાં સ્થિત છે. આ ઇમારત ઘણી મોટી છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્રે ગુરુદ્વારાનો કબજો લઈ લીધો છે અને તેને શહેર પોલીસ સ્ટેશનમાં ફેરવી દીધું છે. આ યાદીમાં ગુરુદ્વારા કિલા સાહિબ પણ સામેલ છે, જે ગુરુ હરગોવિંદ સિંહની યાદમાં બનાવવામાં આવ્યું હતું. તે હાફિઝાબાદના ગુરુ નાનકપુરા મોહલ્લામાં સ્થિત છે. તે કબરમાં ફેરવાઈ ગયું છે

સ્થાનિક શીખોએ આ ગેરકાયદે કબજાનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે પરંતુ આજ સુધી આ ઘટનાઓ અટકી નથી. અહીંના ઘણા ગુરુદ્વારાને માંસની દુકાનો, કબરો, મંદિરો અને પ્રાણીઓ માટે શેડ તરીકે ઉપયોગ કરીને અપવિત્ર કરવામાં આવ્યા છે. શીખ સમુદાયનો આરોપ છે કે ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETBP) અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (PSGPC)ને શીખોની  ધાર્મિક લાગણીઓનું કોઈ સન્માન નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:59 pm IST)