Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટની કોવીડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનીસુશ્રૂષા માટે ૧૮૭ તબીબ, ૩૦૦ રેસીડેન્ટ

તબીબ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત ૭૮૫ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયરની ૨૪ X ૭ સેવા

રાજકોટ::કોરોનાના દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રાજ્ય સરકાર  તમામ અથાગ પ્રયાસો કરી રહી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પી.પી.ઈ. કિટમાં પરસેવાથી રેબઝેબ પોતાની પરવા કર્યા વગર દર્દીઓની સેવા માટે ૨૪ X ૭ સારવાર કરી રહ્યા છે. આ તબીબો અને નર્સ બહેનોની દર્દી પ્રત્યેની કર્તવ્ય પરાયણતા કાબિલે દાદ છે.

 રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ૫૬૩ બેડની અદ્યતન  સારવાર-સુવિધા સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં રાઉન્ડ ધ કલોક અલગ અલગ શિફટમાં તબીબો અને સ્ટાફ દર્દીની સારવાર માટે ફરજ બજાવી રહ્યા છે. હોસ્પિટલના દરેક ફ્લોર પર ફરજ પરના તબીબો અને સ્ટાફની ફરજનું અગાઉથી આયોજન કરી સંકલનથી મેનેજમેન્ટ કરવામાં આવે છે.હોસ્પિટલ બિલ્ડીંગની બહાર કંટ્રોલરૂમમાં દર્દીઓના સગાની ફરિયાદ, રજૂઆત, સૂચન સહિતની બાબતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

    આ કંટ્રોલના ઇન્ચાર્જ અધિકારી એડિશનલ કલેક્ટર એ.વી વાઢેર અને રાજકોટના નાયબ જિલ્લા ચૂંટણી અધિકાર એન.આર. ધાંધલે  જણાવ્યું હતું કે,  રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ૧૮૭ તબીબ, ૩૦૦ રેસીડેન્ટ તબીબો,૮૭ ઈન્ટર્ની તબીબ,૧૬ મેડીકલ ઓફિસર અને ૧૯૫ નર્સિંગ સ્ટાફ સેવા બજાવી રહ્યા છે. કંટ્રોલરૂમમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા અને ડો.બીનાબેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં પણ રાઉન્ડ ધ કલોક સેવા આપવામાં આવે છે અને તા.૧ સપ્ટેમ્બરથી તા.૫ સપ્ટેમ્બર સુધીમાં દર્દીના સગાની  ૩૮  ફરિયાદો -પૃચ્છાનો સંવેદનાપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે.

દીકરા ટેન્શન જરાય ના લેતોઅહીંયા મને બોવ સારી રીતે સાચવે છે: પ્રવિણભાઈ ઉનડકટદર્દી

રાજકોટ સિવીલ હોસ્પિટલના તબીબો દ્વારા પરિવારજનોને દર્દીના ખબરઅંતર આપવાં વિડીયો કોલિંગનો નવતર પ્રયોગ : તબીબો દર્દીના પરિવારને દિવસમાં એક વાર વિડિયો કોલ કરી એમના સ્વજનને દર્દીનીપરિસ્થિતિ અંગે વાકેફ કરાવે છે

રાજકોટ ;‘દિકરા ! ટેન્શન જરાય ના લેતો, અહીંયા મને બોવ સારી રીતે સાચવે છે. તમને કોઈને મારી ચિંતા ન થાય એટલા માટે વિડીઓ કોલથી પણ વાત કરાવે છે, જ્યારે તુ ફોન કરીશને ત્યારે તને મારી સાથે વિડીયો કોલમાં વાત કરાવી દેશે.’’ આ શબ્દો છે, પ્રવિણભાઈ ઉનડકટના. જેઓ રાજકોટ કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યારે એમના સ્વાસ્થ્યની ચિંતા એમના સ્વજનોને થતી હોય છે. અન્ય સામાન્ય રોગ હોય તો હોસ્પિટલાઇઝડ દર્દીની દેખરેખ માટે પરિવારજનો ખડેપગે હોય એ સ્વાભાવિક છે, પરંતુ કોરોના જેવી મહામારીમાં દાખલ દર્દીના સંપર્કમાં આવવું એ પણ જોખમી હોય છે, ત્યારે દાખલ કોરોનાગ્રસ્ત દર્દીના સ્વાસ્થ્ય અને સ્થિતિ અંગે તેમની સારવાર કરતાં ડોકટરો જ એકમાત્ર આધાર હોય છે, આવા સંજોગોમાં રાજકોટની કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પરિવારજનોની વ્હારે આવ્યાં છે. સિવીલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા સૌરાષ્ટ્રમાં પહેલીવાર વિડીયો કોલિંગનો નવતર પ્રયોગ કરી દર્દીઓનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે. ડોકટરોની ટીમ દર્દીઓના પરિવારજનો સાથે રોજ એક વાર વિડીઓ કોલિંગથી વાતચીત કરાવે છે. આ રીતે હોસ્પિટલના તબીબોએ અનોખી સાયકોસોશ્યલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી છે, જેમાં દર્દીને પ્રસન્ન વાતાવરણ પૂરૂ પાડી માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે. અત્રે ઉલ્લ્ખનિય છે કે દરેક ફ્લોરપર એક એમ કુલ ૧૬ જેટલા વ્યક્તિઓ મોબાઈલ સાથે પોતાની સેવા બજાવી રહ્યા છે.

આ નવતર પ્રયોગમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં ડોક્ટરો દર્દીઓની વિઝીટ માટે જાય ત્યારે દર્દીઓની સાથે આત્મીયતાથી વાત કરી સાજા થવા પ્રેરણા આપે છે અને ત્યારબાદ તેમને અપાયેલા ફોન થી જ એમના પરિવારજનોને વિડીયોકોલ કરી દર્દીના સ્વાસ્થ્ય અને શારીરિક પરિસ્થિતિ વિશે વાકેફ કરે છે, સાથે પરિવારજનોને જરા પણ ચિંતા ન કરવાં જણાવી દર્દી સાથે વિડીઓકોલમાં વાત કરાવે છે. આ સંવેદનાસભર પહેલ થકી ડોક્ટર અને દર્દી બંને સાથે રહી દર્દીના સ્વજનો સાથે વાત કરે છે, જેનાથી દર્દીના પરિવારને એમની રોજેરોજની સ્થિતિ, સ્વાસ્થ્યમાં થતો સુધારા વિશે જાણ થાય છે, દર્દી પણ પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરીને માનસિક રીતે મજબૂત બને છે, એમને પોતાનો પરિવાર હોસ્પિટલમાં સાથે જ હોય એવી હકારાત્મક લાગણી થાય છે.

સિવીલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.પંકજ બુચ એ જણાવ્યું હતું કે ‘અમારી તબીબી અને નર્સિંગ ટીમ કોવિડ-૧૯ વોર્ડમાં ૨૪ કલાક ફરજ બજાવે છે. અમારી ટીમના ડોક્ટરો દર્દીની ફિઝિકલ અને મેન્ટલ ક્યોર પર વિશેષ ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. કુટુંબીજનો વારંવાર સ્વજન દર્દીની તબિયત અંગે પૃચ્છા કરતાં હોય છે, એમને ખાવાપીવા અને બીજી સુવિધા બરાબર મળે છે કે નહીં એ અંગે ચિંતા પણ વ્યક્ત કરે છે, ત્યારે દર્દી એમના પરિવાર સાથે દરરોજ વિડીઓ કોલથી વાત કરી શકે એ માટે માસ કોલિંગનો અમે પ્રયોગ કર્યો છે. જેમાં જે ડોક્ટરો દર્દીને સારવાર આપવા રાઉન્ડ પર હોય છે, ત્યારે દિવસમાં એકવાર દર્દીના જ ફોનથી એમના સંબંધીને ફોન કોલ અથવા વિડિયો કોલ કરી કરી એમની હાલની સ્થિતિ વિશે વાત કરીએ છે. જેથી દર્દીના સગાસંબધીઓને પણ એમની તબિયત અંગે ખબર પડે છે, અને એમને ખાતરી પણ થાય છે કે ડોક્ટરો સમયસર સારવાર આપી રહ્યા છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં શ્વાસની તકલીફવાળા દર્દીઓને ફિજીયોથેરાપીથી મળતી વિશેષ રાહત સિવિલ હોસ્પિટલમા ઉત્તમ સારવાર મળી રહી છે :  મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય

રાજકોટ: કોરોના વાયરસથી સંક્રમિતોને શ્વાસ લેવામા પડતી તકલીફોને નિવારવા માટે સિવિલ હોસ્પિટલમાં ફિજીયોથેરાપી આપવામા આવી રહી છે. જેના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ફિજીયોથેરાપીના માધ્યમથી અનેક દર્દીઓને રાહત મળી છે. શહેરના મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ હોસ્પિટલમાં મળી રહેલી સેવા અને સુવિધા બાબતે આનંદ વ્યક્ત કરતા ડોક્ટર અને અન્ય મેડીકલ કર્મીઓ દ્વારા ઉત્તમ સેવા મળી રહી હોવાનુ જણાવ્યુ હતુ.

શ્રીમતી આચાર્યએ વધુમા જણાવ્યુ કે, છેલ્લાં પાંચ-છ દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છું. મને જોઈન્ટસમા થોડી તકલીફો પડી રહી હતી. અહિંના ડોક્ટર અને ફિજીયોથેરાપિસ્ટની સલાહ અને સારવાર ઘણી રાહત અનુભવી રહી છું.

સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસથી સંક્રમતિ અને  સારવાર મેળવી  અશોકભાઈ રાઠોડ કહે છે કે,શ્વાસ લેવામાં તકલીફ પડી રહી  હતી. અહિંના ડોક્ટર્સ અને ફિજીયોથેરાપિસ્ટ દ્વારા શ્વાસ સંબંધિ વિવિધ કરસત કરાવતા હતા. તેથી શ્વાસ લેવામા ઘણી રાહત મળી છે.

ફિજીયોથેરાપિસ્ટ ડો. હેમાની રાવલ કહે છે કે, કોરોના વાયરસથી સંક્રમિતોને શ્વાસ અને ઉંઘ ન આવવાની સાથે સાથે થોડો તણાવ પણ અનુભવતા હોય છે. આ માટે જરૂરી એક્સેસાઈઝ અને કાઉન્સેલીગ કરવામા આવી રહ્યા છે. જેનો દર્દીઓમાં ઘણો ફાયદો જોવા મળી રહ્યા છે. 

સિનિયર ફિજીયોથેરાપિસ્ટ ડો.પારસ જોષી કહે છે, અમારી ટીમ જેમને શ્વાસ લેવામા તકલીફ છે અને પુરતો  ઓક્સીજન મળી રહે તે માટે આશરે ૨૫૦ જેટલા કોરોનો વાયરસથી સંક્રમિતોને વિવિધ શ્વાસ સંબંધિ કસરતો કરાવી રહ્યા છે. ઉપરાંત જરૂર જણાએ અન્ય ડોક્ટર્સ સાથે સંકલન કરીને સંક્રમિતોને સારવાર આપી રહ્યા છીએ. તેમ તેમણે જણાવ્યુ હતુ.

(8:37 pm IST)