Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દોઢ વર્ષમાં ૧૦ લાખ સરકારી નોકરીઓની જાહેરાત

વડાપ્રધાન મોદીની સરકાર યુવાનોના હિતોની રક્ષા કરતી સરકારઃ ડો. ભંડેરી

રાજકોટઃ તા.૧૫ ખાસ કરીને કોરોનાના દુર્ભાગ્‍યપૂર્ણ સમયગાળા દરમિયાન અર્થવ્‍યવસ્‍થાના વિકાસ દરને બ્રેક લાગવાને પરિણામે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની નવી તકોનું નિર્માણ ન થવાની સ્‍થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આગામી દોઢ વર્ષમાં કેન્‍દ્રના જુદા જુદા વિભાગોમાં ૧૦ લાખ નવી જગ્‍યાઓ પર ભરતી કરવાના કરેલા નિર્ણયને ગુજરાત રાજય મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખ ભંડેરીએ રોજગાર ઇચ્‍છુક યુવાનો માટે આશીર્વાદ સમાન ગણાવ્‍યો હતો.
એક નિવેદનમાં ડો.ધનસુખ ભંડેરીએ જણાવ્‍યુ હતું કે, પીએમઓ દ્વારા ટ્‍વિટ કરીને કરવામાં આવેલ આ જાહેરાત એ બાબત સ્‍પષ્‍ટ કરે છે કે, શ્રી નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વ હેઠળની કેન્‍દ્રની ભાજપ સરકાર વાસ્‍તવમાં આવનાર નવા ભારત અને યુવાનોની ચિંતા કરી રહી છે. આ જાહેરાત મોદી સરકાર રોજગાર આપી શકતા નથી. એવા વિરોધ પક્ષોના વાહિયાત આક્ષેપોને લપડાક છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કેન્‍દ્ર સરકારના તમામ મંત્રાલયો અને જગ્‍યાઓ પર યુવાનોની ભરતી કરવા સરકારને આદેશ આપ્‍યો છે. મોદી સરકારની આ જાહેરાત સરકારી  નોકરીની તપાસમાં કાર્યરત યુવાનો માટે લાપસીના આંધણ મુકવા જેટલા સારા સમાચાર છે. ગત વર્ષે કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિંહે રાજયસભામાં ૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં કેન્‍દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં ૮.૧૨ લાખ  જગ્‍યાઓ ખાલી હોવાનું જણાવ્‍યુ હતું સ્‍વાભાવિક રીતે જ ૨૦૨૦ બાદ આ આંકડો ૧૦ લાખની  આસપાસ પહોંચી ગયો હશે, જે ધ્‍યાને લઇને રાષ્‍ટ્રના ડાયનેમિક લીડર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને આ જગ્‍યા ઉપર ભરતી કરવાનો આદેશ આપ્‍યો છે. ડો. ભંડેરીએ ઉમેર્યું હતુ કે, કેન્‍દ્ર સરકારના અલગ-અલગ વિભાગોમાં કુલ ૪૦ લાખ ૪ હજાર જેટલી જગ્‍યાઓ છે જે પૈકી લગભગ ૩૧ લાખ ૩૨ હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં  આવી છે. કેન્‍દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્‍યાઓ ભરવા માટે વડાપ્રધાન મોદીએ મિશન મોડ પર ભરતી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્‍યો છે તે દર્શાવે છે કે વડાપ્રધાન મોદીની સરકાર યુવાનોના હિતોની રખેવાળી કરતી સરકાર છે. વડાપ્રધાને તમામ વિભાગોને ખૂબ ઝડપથી કાર્યવાહી કરવા અને નિヘતિ સમયમર્યાદામાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે આટોપી લેવા પણ સૂચના આપી હોવાનું અંતમાં જણાવાયું છે.

 

(4:21 pm IST)