Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મજાક મજાકમાં મોત દીધું: શૈલેષે કહ્યું છરી અડી જતાં વાર ન લાગે અને પગમાં અડાડી દેતા દેવરાજનો જીવ ગયો'તો

રાજકોટમાં અંજારના દેવીપૂજક યુવાનની હત્‍યા નહોતી થઇ, મશ્‍કરી મોતનું કારણ બની હતી : મનુષ્‍યવધનો ગુનો નોંધાયોઃ ક્રાઇમ બ્રાંચે આરોપી શૈલેષ અને તેની બહેન જ્‍યોત્‍સનાને પકડી આજીડેમ પોલીસને સોંપ્‍યા

રાજકોટ તા. ૧૬: અંજારથી રાજકોટ ખોખડદળમાં રહેતી પોતાની ભાભી જ્‍યોત્‍સના  અજય પરમારના ઘરે આવેલા દેવરાજ કિશોરભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૪૨)નું પગમાં છરી લાગી જતાં મોત થયું હતું. આ  બનાવમાં તેની ભાભી જ્‍યોત્‍સનાએ હત્‍યા કર્યાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી જ્‍યોત્‍સના અને તેના ભાઇ શૈલેષ શાંતુભાઇ સોલંકી (ઉ.૨૬-રહે. ખોડિયારનગર, રામનગર-૩ના ખુણે)ને પકડી લીધા છે. સાથે આ ઘટના હત્‍યાની નહિ હોવાનું પણ મજાક મજાકમાં છરી લગાડી દેવાતાં મોત થયાનું ખુલતાં પોલીસે મનુષ્‍યવધની કલમ ૩૦૪, ૨૦૧, ૧૧૪ મુજબ ગુનો નોંધી શૈલેષ અને તેની બહેન જ્‍યોત્‍સનાની ધરપકડ કરી છે.

૧૪મીએ બપોરે બે વાગ્‍યા આસપાસ દેવરાજ, તેના ભાઇનો સાળો સતિષ, જ્‍યોત્‍સના અને શૈલેષ એમ ચારેય જ્‍યોત્‍સનાના ઘરે હતાં ત્‍યારે શૈલેષ અને દેવરાજ મજાકે ચડયા હતાં. તે વખતે શૈલેષે આ છરી જોઇ છે, અડી જતાં વાર ન લાગે તેમ કહી મશ્‍કરીમાં તેણે દેવરાજના પગે છરી અડાડી દેતાં ઉંડો ઘા લાગી ગયો હતો. એ પછી તેને ચુંદડીનો પાટો બાંધી દવાખાને લઇ જવાયો હતો. ત્‍યારબાદ જ્‍યોત્‍સનાએ ઘરમાં પડેલુ લોહી સાફ કરી દેવરાજના લોહીવાળા કપડા બદલી બીજા કપડા પહેરાવી દીધા હતાં અને છરી સંતાડી દીધી હતી.

બીજી તરફ હોસ્‍પિટલમાં દેવરાજે દમ તોડી દીધો હતો. શૈલેષ સોલંકી એવું જાણતો હતો કે છરીથી મશ્‍કરી કરવાથી ગંભીર અને પ્રાણઘાતક ઇજા થઇ શકે છતાં તેણે આવુ કરી દેવરાજને છરી લગાડી દેતાં તેનું મોત થયું હોઇ ગુનો નોંધાયો હતો. મદદ કરનાર જ્‍યોત્‍સનાની પણ ધરપકડ થઇ છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્‍સ. ભરતસિંહ પરમાર, રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રણજીતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રોહિતભાઇ કછોટ, જયપાલભાઇ બરાળીયા  સહિતે આ કામગીરી કરી હતી. આગળની તપાસ પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ જે. કે. ગઢવીએ હાથ ધરી છે.

(11:29 am IST)