Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજકોટના લોકમેળામાં સ્‍ટોલના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસઃ ર૭મીએ રમકડા-ખાણીપીણી-ચકરડી ર૪૪ સ્‍ટોલનો ડ્રો

મૂખ્‍યમંત્રી ૧૭ મી ઓગસ્‍ટે સવારે ૧૦ વાગ્‍યે ઉદ્દઘાટન કરે તેવા પ્રયાસો શરૂ : ર૮મી જૂલાઇથી રમકડા કોર્નર-મોટી ખાણીપીણી-ફજર ફાળકા, આઇસ્‍ક્રીમ ચોકઠાની હરરાજી શરૂ થશે : રમકડા કોર્નરના ૩ર સ્‍ટોલ સામે ૩૮ ફોર્મ આવ્‍યા છેઃયાંત્રીક તથા આઇસ્‍ક્રીમ ચોકઠામાં પણ આવી જ હાલતઃ કાર્ટેલ થવાનો ભય

રાજકોટ તા. ૧૯ : છેલ્લા ર વર્ષથી બંધ રાજકોટનો લોકમેળો કોરાના કાળ બાદ કલેકટર તંત્ર દ્વારા ૧૭ મી ઓગસ્‍ટથી ર૧ ઓગસ્‍ટ દરમિયાન ફરી ધમાકેદાર સ્‍વરૂપમાં આ વર્ષે યોજાશે, તે અંગે સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરી અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે, કુલ ૩૬૪ સ્‍ટોલ માટે પૂરતા ફોર્મ ન ભરાતા સોમ-મંગળ બે દિવસ વધારાયા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, હવે મેદાન સમથળ તથા મંડપ-લાઇટ અંગે ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે.

આજે સાંજે ૬ વાગ્‍યા બાદ લોકમેળામાં ભરાયેલ ફોર્મ અંગે ચિત્ર સ્‍પષ્‍ટ થશે, ગઇકાલ સૂધીમાં ર૧૪૩ ફોર્મ ભરાયા છે. જેની ૧ ફોર્મની રૂા.૧૦૦ કિંમત સાથે ફોર્મની આવક જ ર લાખ ૧૪ હજારને વટાવી ગઇ છે.

આજે ફોર્મ ઉપાડ-ભરવાનો છેલ્લો દિવસ છે, ભારે ધસારો થશે, સાંજે કઇ કેટેગરીમાં કેટલા ફોર્મ ભરાયા તેની વિગતો જાહેર થશે.

ગઇકાલ સુધીમાં કુલ ૧૬૬૧ ફોર્મ ભરાયા હતા, તેમાં સૌથી વધૂ બી-રમકડાના ૧૭૮ સ્‍ટોલમાં ૧૩૪૬, મોટી જમ્‍બો ખાણીપીણીના ર સ્‍ટોલમાં -પ, બી-રમકડા કોર્નરના ૩ર સ્‍ટોલ સામે૩૮, સી-ખાણીપીણીના ૧૪ સ્‍ટોલ માટે ૭૦, તો ફજર ફાળકા, ટોરાટોરા, મોતના કુવા વિગેરે યાંત્રીકના કુલ ૪૪ સ્‍ટોલ માટે ૭૪, તો આઇસ્‍ક્રીમના ૧૬ ચોકઠા માટે ર૩ ફોર્મ આવ્‍યા છે, સંસ્‍થાઓને રસ જ ન હોય તેમ ર૬ સ્‍ટોલ છે. પણ માત્ર ૬ ફોર્મ ભરાયા છે.

સાંજના વધૂ ધસારો બી-રમકડાના માટે છે, યાંત્રિક-આઇસ્‍ક્રીમના ચોકઠામાં ફોર્મ ઓછા આવતા અને રમકડા કોર્નરમાં પણ ફોર્મ ઓછા આવ્‍યા હોય કાર્ટેલનો ભય ઉભો થયો છે, જો, કે તંત્રએ આ માટે તમામ તૈયારી કરી લીધી છે.

દરમિયાન ફોર્મની બાબતો પૂર્ણ થયે ર૭મીથી બી-રમકડા ખાણીપીણી-ચકરડીના કુલ ર૪૪ સ્‍ટોલ માટે સવારે ૧૧ વાગ્‍યે ડ્રો થશે.

બાદમાં ર૮મીથી મોટી જમ્‍બો ખાણીપીણી-બી-રમકડા કોર્નર-યાંત્રીક આઇટમો અને આઇસ્‍ક્રીમ ચોકઠાની હરરાજી શરૂ થશે.

રાજકોટનો આ લોકમેળો ૧૭મી ઓગસ્‍ટથી ધમાકેદાર ઉદ્દઘાટન સાથે ખૂલો મૂકાશે, આ માટે મૂખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને સવારે ૧૦ વાગ્‍યે ઉદ્દઘાટન સમારોહમાં બોલાવવા અંગે તંત્રે પ્રયાસો શરૂ કર્યા છે.

(4:10 pm IST)