Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ખૂબ લાભ, યાર્ડ સહિત દેશભરમાં ખેત ઉપજ વહેંચી શકાશે : ઝડફિયા

રાજકોટમાં પત્રકાર પરિષદમાં વિપક્ષના જુઠાણાનો જડબાતોડ જવાબ : આ સુધારા બિલમાં ખેડૂતોને સહેજપણ નુકસાન થાય તેવી એકપણ જોગવાઇ નથી : પ્રદેશ ઉપાધ્યક્ષ

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં સ્થાનીક આગેવાનો કમલેશ મીરાણી, નિતીન ભારદ્વાજ, રાજુ ધ્રુવ, ગોવિંદભાઇ પટેલ વગેરે ઉપસ્થિત હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫ : આઝાદી પછી પ્રથમ વખત ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ખેડૂતોની આવક વધારવા માટે અને તેને બે ગણી કરવાની વાત કરી છે અને ભાજપ સરકાર ખેડૂતો માટે ગુજરાતમાં પણ છેલ્લા ૨૫ વર્ષથી અનેક યોજનાઓ સાથે ખેડૂતોની સમૃધ્ધિ માટે કાર્ય કરી રહી છે. પાંચ દાયકાઓથી વધારે સત્તામાં રહેવા છતાં કોંગ્રેસે ખેડૂતો માટે ક્યારેય ચિંતા જ ન કરી અને હવે જ્યારે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણયો લીધા છે તે બાબતે ખેડૂતોમાં ભ્રમ ફેલાવવાના બદઈરાદા સાથે વિરોધ કરવા નીકળી છે ત્યારે ખેડૂતો કોંગ્રેસના જૂઠાંણાઓથી ભ્રમિત ના થાય અને કોંગ્રેસની મેલીમૂરાદને ઓળખી શકે તે માટે કેટલીક હકીકતો રજુ કરતા ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધનભાઈ ઝડફીયાએ આજરોજ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને વિરોધપક્ષો દ્વારા ફેલાવેલા જૂઠાણાઓનો પર્દાફાશ કર્યો હતો.

કૃષિ સુધારા બિલ-૨૦૨૦ અંતર્ગત દેશની સંસદમાં પસાર થયેલા બિલોમાં ગુજરાત અને દેશના ખેડૂતોને સહેજપણ નુકસાન થાય તેવી એકપણ જોગવાઈ નથી. કોંગ્રેસ અને વિરોધપક્ષો માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે.

કોઈપણ ફેકટરી ધારક પોતાની પ્રોડકટ કોઈપણ રાજ્યમાં વેચી શકે પરંતુ ખેડૂત પોતાનું ઉત્પાદન બીજા રાજ્યોમાં સીધુ વેચી ન શકે આ તે કેવી વિસંગતતા? આજે જ્યારે કૃષિ સુધારા બિલ-૨૦૨૦માં ખેડૂત પોતાના ઉત્પાદનો દેશના કોઈપણ રાજ્યોમાં ખરીદનારને સીધુ જ વેચી શકે અને વધુ ભાવ મેળવી શકે તે પ્રકારની ખેડૂતહિતલક્ષી જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આવા ખેડૂતહિતલક્ષી નિર્ણયોનો વિરોધ કોંગ્રેસ શા માટે કરે છે ?

આજે હવે જ્યારે ખેત ઉત્પાદન વધતું જાય છે અને તેમાંથી થતી પ્રોસેસ, મૂલ્યવર્ધન અને અન્ય વપરાશો માટે દેશભરમાં અનેક ખરીદનાર મળી શકે છે ત્યારે એપીએમસી ઉપરાંત ખેડૂત પોતાનો માલ કોઈપણ ઉદ્યોગગૃહને, કોઈપણ કોલ્ડ સ્ટોરેજ, કોઈપણ પ્રોસેસ હાઉસ, કોઈપણ નિકાસકારને સીધો જ વેચી શકે તે માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તંદુરસ્ત સ્પર્ધા થશે અને ખેડૂતોને વધુ સારો ભાવ મળશે તેથી ખેડૂતોની સમૃધ્ધિમાં વધારો થશે.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના જૂઠાંણાઓ સામેની સત્ય હકીકત લોકો સુધી પહોંચે તે જરૂરી છે.

આ કાયદાથી ખેડૂતો પોતાની ખેત પેદાશ સીધે સીધી વેપારીઓ, કંપનીઓ, મૂલ્યવર્ધન કરતા ઉત્પાદકો, નિકાસકારો વગેરેને કરારના માધ્યમથી સીધી વેચી શકશે. જેના કારણે ખેડૂતને વાવણી પહેલા જ કેટલા ભાવો મળશે તે નક્કી થઈ જાય છે જેથી ખેડૂતને કિંમત બાબતે ખાતરી થઈ જાય. આથી બજારમાં ભાવોમાં જે વધ-ઘટ થાય તેની અસર ખેડૂતને થતી નથી.

શ્રી ઝડફિયાએ ઉમેર્યું હતું કે, આવશ્યક ચીજ વસ્તુ ધારામાંથી કૃષિ પેદાશોને મુક્તિ આપવાને લીધે ખેત પેદાશોની જે સંગ્રહખોરી થતી હતી તે બંધ થશે. વચેટીયાઓની કાળાબજારી બંધ થશે અને ખેડૂતોને પૂરો ભાવ મળશે. કોંગ્રેસે પણ ૨૦૧૯ના તેના ચૂંટણી ઢંઢેરામાં આંતર રાજ્ય વેપાર પ્રતિબંધ હટાવવા તથા ખેત પેદાશોની આવશ્યક ચીજ વસ્તુ ધારામાંથી મુક્તિ માટે ઢંઢેરામાં જાહેર કર્યું હતું અને આજે વિરોધ કરવા નીકળી પડી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ થી જ ખેડૂતોના હિત માટેના અનેક પગલાઓ લઈ રહી છે. સોઈલ હેલ્થ કાર્ડ, ઈ મંડી, કૃષિ સાધનો માટે સહાય તથા ખેતીમાં થતા નુકસાન, અતિવૃષ્ટિ, દુષ્કાળ વગેરે આફતોમાં પણ સહાયોમાં અનેક ગણો વધારો કરીને ભાજપા સરકાર ખેડૂતની પડખે ઉભી રહી છે. પ્રધાનમંત્રી દ્વારા કિસાન સન્માન નિધી દરેક ખાતેદારને રૂ. ૬૦૦૦ પ્રતિ વર્ષ, દેશના ૧૪.૫ કરોડ ખાતેદારોને રૂ. ૯૦,૦૦૦ કરોડ ખેડૂતના ખાતામાં સીધા જમા થાય છે. પરંતુ કોંગ્રેસ તેમના શાસન કાળમાં ખેડૂતને લૂંટવાનું કામ કરીને "લેવી" પ્રથા શરૂ કરી હતી. સરકાર ખેડૂત પાસેથી પાણીના ભાવે ખેત પેદાશ "લેવી"ના નામે લઈ લેતી હતી જે પ્રજાને આજે પણ યાદ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે રૂ. ૩ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. તાજેતરમાં ખેડૂતોના સાત પગલા યોજના દ્વારા ખેડૂતો તથા ખેત મજૂરોને સહાય આપવાની યોજના કાર્યરત છે. તાજેતરમાં વધારે પડતા વરસાદના કારણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલે વિશેષ સહાય પેકેજ દ્વારા રૂ. ૩૭૦૦ કરોડ ખેડૂતો માટે ફાળવ્યા છે. જેમાં ૨૦ જીલ્લાના ૧૨૩ તાલુકાના ૨૭ લાખ ખેડૂતોને સીધી મદદ મળવાની છે. પ્રતિ ખાતેદાર બે હેકટર સુધી પ્રતિ હેકટર રૂ. ૧૦,૦૦૦ (દસ હજાર)ની સહાય તાજેતરમાં જ જાહેર કરી છે.

શ્રી ઝડફીયાએ કોંગ્રેસના શાસન અને ભાજપા શાસનમાં ખેડૂતોની ખેત પેદાશોના ટેકાના ભાવો અંગેની તુલના કરીને કોંગ્રેસના સમય કરતા ૫૦ ટકા થી ૧૦૦ ટકા સુધીની ટેકાના ભાવોની વધારા કર્યાની માહિતી પણ આપી હતી.

આમ કોંગ્રેસ અને વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરવા જૂઠાણા ફેલાવી રહ્યા છે. જે કોંગ્રેસે ક્યારેય ખેડૂતો માટે ચિંતા નથી કરી એટલે તો નર્મદા યોજનામાં રોડા નાખ્યા અને પીવાના પાણી માટે વલખા મારતાં પ્રજાજનોને પાણી પણ આપી ન શકી એ કોંગ્રેસ ખેડૂતના હિતમાં થયેલા કાયદાનો વિરોધ કરીને ખેડૂત વિરોધ માનસિકતા છતી કરી છે. શ્રી ઝડફીયાએ અંતમાં જણાવ્યું હતું કે, ખેડૂતનું શોષણ કરનારી વ્યવસ્થાઓ બદલવા ખેડૂતને પોતાનો માલ ગમે ત્યાં વેચવા પોતાના મરજી મુજબના ભાવે વેચવા કરાર કરવા તથા મુક્ત બજારમાં ખેડૂતને ફાયદો થાય એવા આ નિર્ણયો બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્ર સરકારને આભાર સહ અભિનંદન આપે છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારે જાહેર કરેલ રૂ. ૩૭૦૦ કરોડની સહાય બદલ ગુજરાતના ખેડૂતોવતી તેમનો આભાર માનીએ છીએ.

(12:13 pm IST)