Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે સુરક્ષાકવચ પુરૂ પાડતું ''આદુ''

૧૫૦થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને

રાજકોટઃ સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં સુરક્ષાચક્રનું નિર્માણ કર્યું છે. પરંતુ અફસોસ કે આપણે આજ દિવસ સુધી તેને જોઈ કે અનુભવી નથી શકયા કે તેનો સાચા અર્થમાં સદ્ઉપયોગ પણ નથી કરી શકયા. પણ કોરોના કહેરની લહેરએ લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગેના સુરક્ષા કવચ માટે વિચારતા કરી મુકયા છે. વર્ષોથી આપણી આસપાસ રહેલી ઔષધિઓ અને વનસ્પતિઓની શકિતની કદર અને મહત્વ આજે આપણને સવિશેષ સમજાયું છે.

આજે આપણે કોરોનાની મહામારીથી બચવા અને આરોગ્યને વધુ તંદુરસ્ત રાખવા માટે તજ, લવિંગ, ઈલાયચી, આદુ અને મરીનો ઉકાળામાં ઉપયોગ કરીને સાચા અર્થમાં તેનો વપરાશ કરીએ છીએ. જેમાં આદુનો ઉપયોગ તો આપણે અવારનવાર કરતાં હોઈએ છીએ. પરંતુ આપણા રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલા આ આદુ અને તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને મળતા સુરક્ષાકવચ વિશે વાત કરવી છે.  

ભારતીય ઉપખંડોમાં જોવા મળતા આદુનું વનસ્પતિક નામ ''જિનજીબેર ઓફિસિનેબલ'' છે. ભારતમાં આશરે ૧૫૦ થી વધુ જાતના ધરાવતું આદુ આપણા શરીરમાં એન્ટી ઓકસીડન્ટ અને એન્ટી બેકટેરીયલ તરીકે કામ કરે છે. આદુ શરીરને જરૂરી એવા વિટામીન-એ, વિટામીન-ઈ, આયર્ન અને કેલ્શિયમ પુરા પાડે છે. શરીર માટે નુકશાનકારક E.coil અને Shigella જેવા બેકટેરીયાની વૃધ્ધિને અટકાવે છે. તેમજ આદુમાં રહેલું ''જીનજેરોલ'' નામક રાસાયણિક તત્વ દાંત અને મોઢાને લગતાં રોગોથી પણ બચાવે છે.

ભારતમાં આદુના ઉત્પાદન ઉપર એક નજર કરી  એ તો, Agricultural and Processed Food Products Export Development Authority (APEDA)ની વેબ સાઈટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં ૧૦૭.૫૪ હજાર હેકટરમાં આદુની ખેતી કરવામાં આવે છે. આદુના ૩૮૫.૩૩ હજાર ટન ઉત્પાદન સાથે ભારત સમગ્ર વિશ્વમાં આદુના ઉત્પાદનમાં બીજા ક્રમ ઉપર છે. ભારતમાં પણ આદુનું સૌથી વધુ ઉત્પાદન કરતાં રાજયોમાં આસામ, કેરલ, મધ્યપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, ભારતમાં આછા બદામી રંગમાં જોવા મળતું આદું જમાઈકામાં આછા ગુલાબી તથા આક્રીકન દેશમાં લીલા રંગનું જોવા મળે છે.

મરાઠીમાં અલે, બંગાળીમાં આદા, હિન્દી-પંજાબીમાં અદરક, તેલુગુમાં આલ્લાયુ, કન્નડમાં અલ્લા અને તમિલમાં ઈલ્લામ તરીકે ઓળખાતા આદુનો રસ પીવાથી પાચનક્રિયા મજબુત બને છે. આદુના નાના-નાના ટુકડા કરી મીઠું અને લીબુંનો રસ ભેળવીને ભોજનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. સુકાયેલા આદુનું બીજું સ્વરૂપ એટલે સુંઠ. સવારે નરણાકોઠે હુંફાળા પાણીમાં સુંઠ અને લીબુંનો રસ લેવાથી શરીરમાં લોહીનું સકર્યુલેશન સુધરે છે. તેમજ શરદી અને ઉધરસને મટાડવા માટે પણ આદુ અકસીર દવા તરીકે કામ કરે છે. સાથો સાથ આદુમાં રહેલું કૌરટિસોલ તત્વ શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ દૂર કરે છે. તો ચાલો સંકલ્પ કરીએ કે, આયુર્વેદમાં ઔષધિઓના રાજા ગણાતા આદુને રોજીંદા જીવનનો ભાગ બનાવીને અનેક રોગો સુરક્ષા કવચ મેળવીએ.

(2:57 pm IST)