Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નરેન્દ્રભાઇની નજીક ગણાતા કાલાવડ આરએસએસ અગ્રણી ભાનુદાદા પટેલ ઉપર હુમલો કરનારા ર ઝડપાયા

કોઇ બાબતે બોલાચાલી કરીને શાખા દરમિયાન ધકકો મારીને નાસી છુટયા'તા

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ તા. ૭: જામનગર જીલ્લાના કાલાવડમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ આગેવાન ભાનુભાઇ પટેલ (ભાનુદાદા) ઉપર કાલે ર શખ્સોએ શાખા દરમિયાન હુમલો કર્યો હતો. આ બનાવ બાદ પોલીસીે ર શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે રહેતા અને આરએસએસના વરિષ્ઠ આગેવાન એવા ભાનુભાઇ પટેલ-ભાનુદાદા પર હુમલાનો પ્રયાસ થતા જ સનસનાટી મચી જવા પામી છે. શાખા દરમિયાન જ કોઇ બાબતે અવેશ સંધી, આસીફ બાનવા એ બોલાચાલી કરી હતી અને ભાનુદાદાને ધકકો મારીને પાડી દીધા હતા. જો કે તેમને સાથીદારોએ બચાવી લીધા હતા.

ઘટનાની જાણ થતા જ જામનગરથી ડીવાયએસપી દેસાઇ સહિતનો કાફલો કાલાવડ પહોંચ્યો હતો. આ બનાવને પગલે સાંસદ પૂનમબેન માડમ પણ કાલાવડ દોડી ગયા હતા.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં રહી પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નજીકના કાલાવડના ભાનુભાઇ પરશોતમભાઇ પટેલ (ભાનુદાદા) પર જામનગર રોડ પર આવેલ દવાખાનાની સામેના ગ્રાઉન્ડમાં બેઠેલ બે મુસ્લિમ શખ્સોને જતા રહેવાનું કહેતા આ બનાવ બન્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે આવેશ સંધી અને આસીફ બાનવાની ધરપકડ કરી છે.

(11:33 am IST)