Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પોરબંદરમાં મોટાભાઇની હત્યા કરીને નાસી ગયેલ નાનો ભાઇ હજુ હાથ આવ્યો નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. છાંયા વિસ્તારમાં ઘરમાં વારંવાર ઝઘડો કરતા અને કામ ધંધા વિના રખડતા તામશી મગજના મનીષ લાખાભાઇ બાપોદરાને ઝઘડો ન કરવા સમજાવવા જતાં તેનું મનદુઃખ રાખીને મનીષે તેના મોટાભાઇ કેશુ લાખાભાઇ બાપોદરાની ઉઘમાં હત્યા કરી નાસી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરેલ છે. પરંતુ હજુ તે હાથ આવ્યો નથી.

છાંયા વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ પાછળ રહેતા કેશુ લાખાભાઇ બાપોદરા (ઉ.રપ)  રાત્રીના સમયે પોતાના રૂમમાં સુતો હતો અને રવિવારે બપોર સુધી ઉઠયો ન હતો. કેશુના સબંધીએ  ફોન કરતા હતા અને ફોન ન ઉપડતા આ અંગે કેશુના પરિવારજનોને જાણ કરી હતી કે કેશુ ફોન નથી ઉપાડતો.

 પરિવારજનોએ બપોરે તેના રૂમમાં જઇને જોયું તો કેશુનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કેશુ બગવદર ખાતે ખાનગી લેબ ચલાવતો હતો અને માતા-પિતા તેમજ ભાઇ મનિષ સાથે રહેતો હતો. કેશુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટના બાદ કેશુના નાનો ભાઇ મનીષ નાસી છૂટયો હતો. કેશુના પિતા લાખાભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં મનીષ કોઇ કામ ધંધો કરતો ન હતો અને ઘરમાં અવારનવાર નાના મોટા ઝઘડાઓ કરતો હતો. પિતાની ફરીયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

(1:17 pm IST)