Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુનાગઢમાં શિક્ષક દિન પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરાયા

જુનાગઢ, તા. ૭ : શિક્ષક દિન નિમિતતે ગુજરાત સરકાર અને જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારો યોજાયો હતો.

કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટય કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં બે નિમિટનું મૌન રાખીને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે અભિવાદન કરેલ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકાના ભાટગામ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી નરેશભાઇ શુકલને જિલ્લા કક્ષાએ પ્રથમ જયારે બરવાળા માધ્યમિક શાળાના શિક્ષક શ્રી શેલડીયા મગનલાલને દ્વિતિય ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભેસાણ તાલુકાના ઢોળવા પ્રાથમિક શાળાના શ્રી દિલીપકુમાર મકવાણાને તાલુકા કક્ષાનો પ્રથમ ક્રમે જયારે ઉમરાળી પ્રાથમિક શાળાના અમિતભાઇ દ્વિતિય ક્રમે પસંદ થયેલ છે.

તેમજ માળીયા તાલુકાના વિસણવેલ પ્રાથમિક શાળાના શ્રી પરેશગીરી મેઘનાથી, કેશોદ તાલુકાના પ્રાથમિક શાળાના શ્રી તેજસકુમાર મહેતા તેમજ વંથલી તાલુકાના શ્રી કૃણાલ મારવાણિયાની તાલુકા કક્ષાએ પ્રથમ પસંદગી થયેલ હતી. આ વિજેતા શિક્ષકશ્રીને જિલ્લા કક્ષાએ વિજેતા થનારને ૧પ૦૦૦ અને તાલુકા કક્ષાએ થનારને પ૦૦૦નો ચેક અર્પણ કરી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ વર્ષ ર૦૧૯-ર૦માં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય જૂનાગઢને સન્માનપત્ર અને એક લાખ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

આ તકેમેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સેજાભાઇ કરમટા, ધારાસભ્યશ્રી કેશોદ દેવાભાઇ માલમ, કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભારતીબેન કુંભાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી. જેઠવા, પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડો. કે.કે. કરકર તથા જિલ્લા શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તથા સરકારી શિક્ષક સંઘ તથા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.

કૃષિ યુનિ.માં વેબિનાર યોજાયો

ભાવિ સમાજના ઘડતર માટે શિક્ષણવિદ્દોની ભૂમિકા વિષય પર તાજેતરમાં વેબિનાર યોજાઇ ગયો. આ દિવસના અનુસંધાને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા જણાવે છે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે પ સેપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. ૧૯પ૪માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઇચ્છા બતાવી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે. દરેક વ્યકિતના જીવનમાં તેના શિક્ષકનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. શિક્ષક દિવસના દિવસે શાળા કોલેજોમાં વિશેષ કાર્યક્રમ આયોજીત થાય છે જેમાં સ્ટુડેટ્સ ટીચર્સ પર સ્પીચ આપે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવાનો દિવસ હોય છે. આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.

(1:27 pm IST)