Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કચ્છમાં ભારે વરસાદને પગલે તૂટેલા રસ્તાઓની મરમ્મત: રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ૧૩માંથી ૧૨ રોડ પુનઃ શરૂ

અતિ ભારે વરસાદને કારણે નખત્રાણા , અબડાસા , લખપત, માંડવી તથા મુન્દ્રા તાલુકામાં નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ તળાવો તથા ડેમો ઓવરફ્લો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ તેમજ નાળા/પુલો ખોરવાયા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

 તાજેતરમાં કચ્છ જિલ્લામાં પડેલા વરસાદના પગલે કુલ ૧૩ રસ્તાઓ,  નાના પુલ ખોરવાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ સ્ટેટની સઘન કામગીરીના પગલે હાલે ૧૨ રોડ રસ્તા, નાના પુલ પૂર્વવત થઇ ગયા છે તેમજ અન્ય ૧ રોડની રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.

                 જીલ્લામાં અતિભારે વરસાદને  કારણે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૧૩ રસ્તાઓ બંધ પડેલા હતા.  અતિ ભારે વરસાદને કારણે નખત્રાણા , અબડાસા , લખપત, માંડવી તથા મુન્દ્રા તાલુકામાં નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ તળાવો તથા ડેમો ઓવરફ્લો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ તેમજ નાળા/પુલો ખોરવાયા હતા. ચાલુ વરસાદે તેમજ અત્યારે ધીમા પડેલા વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ૧૫ જેસીબી , ૧૯ ડમ્પર ,  ૧૫ ટ્રેકટર ,  ૬ લોડર તથા ૧ હીટાચી અને ૮૨ માનવબળે બંધ  પડેલા  રસ્તાઓ પૈકી ૧૨ રસ્તાઓ પૂર્વવત કરવામાં  આવેલા છે તેમજ એક રસ્તા ૫ર ઓવર ટોપીંગ બંધ થવાથી રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.

                અત્યારે જિલ્લામાં આ રસ્તાઓ જાહેર પરિવહન માટે  પૂર્વવત થયેલા છે. લખપત –કોટેશ્વર  , દેશલસર- હાજીપીર રસ્તો, માંડવી- ગઢશીશા -નેરડી -મોથાળા રસ્તો, મુન્દ્રા –લુણી- વડાલા રસ્તો , ૨વાપર-નેત્રા- તેરા રસ્તો, સામખીયાળી- આધોઈ- કંથકોટ રસ્તો ,ભુજ -લખપત રસ્તો,  દેઢીયા- કોટડી- બોહા- ચીયાસર રસ્તો, માનકુવા- કોડકી - વટાછડા રસ્તો, નખત્રાણા- નિરોણા રસ્તો,  કોટડા-બીટ્ટા  રસ્તો તથા  માંડવી- ગઢશીશા- હાલાપર રસ્તાઓ પૂર્વવત કરવામાં આવેલા છે.

                   અત્યારે આ રસ્તાઓમાં પર  વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવેલ છે. હાલે  લાયજા – બાડા-માપર - મોડકુબા રસ્તામાં ઓવર ટોપીંગ બંધ થવાથી રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે એમ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી વી.એન. વાઘેલાએ જણાવ્યું છે. માર્ગ અને મકાન (રાજ્ય)  વિભાગ અને જીલ્લા વહીવટી તંત્રની કામગીરીથી વરસાદના પગલે થયેલા રોડ રસ્તાના ધોવાણ અને બાંધકામને પૂર્વવત  કરવામાં આવ્યા છે.

(10:14 am IST)