Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

લીંબડીમાંથી જુગારધામ ઝડપાયુઃ જુગારીઓ મોંઘીદાટ કાર લઇ જુગાર રમવા જતા હતાઃ ૯ ઝડપાયા

લીંબડીમાં હોમગાર્ડમાં ફરજ બજાવતો હિંમત ડાભી અને તેના મિત્રો છગન સોંડલા, વાલમ ભરવાડને સાથે રાખી જુગાર રમાડતો

સુરેન્‍દ્રનગર,તા. ૧૯: લીંબડીના પાણશીણા અને સુરેન્‍દ્રનગર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા.

ᅠજેમાં લીંબડીમાં સુરેન્‍દ્રનગરથી જુગાર રમવા જતા જુગારીયાઓ કુલ રૂ. ૧૧,૬૨,૩૦૦ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. બીજી તરફ દેવપરામાં ૬ શખ્‍સો રૂ. ૧૦,૨૮૦ના મત્તા સાથે અને સુરેન્‍દ્રનગર શહેરમાં ૩ શખ્‍સો રૂ. ૩૫૫૦ના મત્તા સાથે પકડાયા છે. લીંબડીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન જુગાર રમાડતો હોવાનું બહાર આવ્‍યું છે.

 

લીંબડી પોલીસની ટીમ કબીર આશ્રામ પાછળના ભાગે આવેલા રહેણાક મકાનમાં જુગાર અંગેની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા દિનેશ ભગવાનભાઈ કાટોડીયા, અજીત રેવાભાઈ ડાભી, ઘનશ્‍યામ બેચરભાઈ પટેલ, રહેમાન ગુલામહુસેનભાઈ સામતાણી અને જીગ્નેશ વિનોદભાઈ સોલંકી ઝડપાયા હતા. આ શખ્‍સો પાસેથી રોકડા રૂ. ૧,૪૭,૩૦૦, રૂ. ૧૫ હજારના ૩ મોબાઈલ ફોન અને રૂ. ૧૦ લાખની ક્રેટા કાર સહીત રૂ. ૧૧,૬૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

તપાસમાં લીંબડીનો છગન રૂડાભાઈ સોંડલા તેના રહેણાંક મકાનમાં તેના મિત્ર અને લીંબડીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હિંમત દલાભાઈ ડાભી અને વાલમ ભરવાડ સાથે મળી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. આથી પોલીસે આઠેય સામે ગુનો નોંધી હાજર ન મળી આવનાર ૩ને ઝડપી લેવા તપાસ આરંભી છે. બીજી તરફ લીંબડી તાલુકાના દેવપરા ગામે આવેલ શાળા સામેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચંદુ ચીકાભાઈ ઝાંપડીયા, ગોવીંદ મગનભાઈ ઝાંપડીયા, અરજણ લખમણભાઈ સાપરા, રામજી મકનભાઈ સાપરા, કૌશીક નારાયણભાઈ ચાવડા અને અંબારામ ગોબરભાઈ ઝાપડીયા રોકડા રૂ. ૧૦,૨૮૦ સાથે ઝડપાયા હતા. ડી સ્‍ટાફે બાતમીને આધારે ટીમે શહેરની ફીરદોષ સોસાયટી પાસે આવેલ વસાહતમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જુગારી ભરત ખાટાભાઈ સરવૈયા, બ્રીજેશ વિનોદભાઈ કોઈસા, મનસુખ સવશીભાઈ જખવાડીયા રોકડા રૂ. ૩૫૫૦ સાથે પકડાયા હતા.

(10:46 am IST)