Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વિસાવદરના ૧૦૮ના પાઇલોટ મહેન્‍દ્ર દવેએ ઝેર પી લેતાં ગંભીરઃ ઉપરીઓનો ત્રાસ હોવાનો આક્ષેપ

અગાઉ કેશોદથી ઉના, ભુજ, હારીજ બદલી થઇ હવે વિસાવદર બદલાવાયાઃ સતત હેરાનગતિથી કંટાળી પગલુ ભર્યાનું પરિવારજનોનું કથનઃ બ્રાહ્મણ યુવાન રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: કેશોદમાં રહેતાં અને વિસાવદર ખાતે ૧૦૮માં પાઇલોટ તરીકે ફરજ બજાવતાં મહેન્‍દ્ર ભીખુભાઇ દવે (ઉ.૩૭) નામના યુવાને ઝેરી પાવડર પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. ઉપરીઓનો ત્રાસ હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે.
જાણવા મળ્‍યા મુજબ મહેન્‍દ્ર દવેએ ગઇકાલે સવારે ઘઉમાં રાખવાનો પાવડર પી લેતાં ઝેરી અસર થતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કેશોદ પોલીસને જાણ કરી હતી. મહેન્‍દ્રભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.
મહેન્‍દ્રભાઇના પરિવારજનોએ કહ્યું હતું કે તે અગાઉ કેશોદમાં ૧૦૮માં પાઇલોટ તરીકે નોકરી કરતાં હતાં. પરંતુ ઉપરીઓએ તેની બદલી ઉના કરી નાંખી હતી. એ પછી ત્‍યાંથી છેક હારીજ ખાતે બદલી કરી હતી. છેલ્લે ત્‍યાંથી વિસાવદર બદલી કરવામાં આવી હોઇ હાલ વિસાવદર ખાતે નોકરી કરે છે. ત્‍યાંથી કેશોદ આવ-જા કરવામાં ભારે તકલીફ પડતી હોઇ મહેન્‍દ્રભાઇએ કેશોદ બદલી કરી આપવા અથવા રિલીવર તરીકે રાખવા રજૂઆતો કરી હોઇ પરંતુ ઉપરીઓએ આ મામલે કોઇ ધ્‍યાન ન આપી હેરાન કરવાનું ચાલુ રાખ્‍યું હોઇ કંટાળી જઇ તેણે ઝેરી પાવડર પી લીધો હતો.  આક્ષેપો અંગે કેશોદ પોલીસે તપાસ શરૂ કરી છે. મહેન્‍દ્રભાઇ રાજકોટ હોસ્‍પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે જે તસ્‍વીરમાં જોઇ શકાય છે. ઇન્‍સેટમાં તેમના સ્‍વજન નજરે પડે છે

 

(11:42 am IST)