Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગોંડલના જામવાડીમાં શ્રમિક પરિવારના આશાસ્‍પદ યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્‍યુ

ધો.-૧૨માં અભ્‍યાસ કરતા સ્‍મિતના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલ નજીકની ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં રહેતા લીંબડી તાલુકાના પરનાળા ગામના શ્રમિક પરિવારના આશાસ્‍પદ યુવાને કોઈ અગમ્‍ય કારણોસર કારખાનાની ઓરડીમાં જ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પરિવારમાં શોક ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી જીઆઇડીસી માં આવેલ ભારત ઇન્‍ડસ્‍ટ્રીઝ કારખાનામાં મજૂરી કામ કરતા પ્રેમજીભાઈ ઝાપડિયા નો ૧૯ વર્ષ પુત્ર સ્‍મિતે કોઈ અગમ્‍ય કારણોસર કારખાનાની ઓરડીમાં જ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો ઘટના અંગેની તપાસ કોન્‍સ્‍ટેબલ આર ટી પરમારે હાથ ધરી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું કે સ્‍મિત ગુંદાળા રોડ પર આવેલ ઓરો સ્‍કૂલમાં ધોરણ ૧૨ માં અભ્‍યાસ કરી રહ્યો હતો અને થોડા સમય પહેલા ઘર છોડીને નાસી પણ ગયો હતો પરંતુ તે ઘરે પરત આવી જતા પરિવારે હાશકારો અનુભવ્‍યો હતો, બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં સ્‍મિત સૌથી નાનો હતો અને તેણે કોઈ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતા પરિવાર શોક મગ્ન બન્‍યો હતો. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:43 am IST)