Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મુંદ્રા બારોઈ નગરપાલિકા ખાતે વંદે ગુજરાત વિકાસ રથને ઉત્સાહભેર આવકાર :રૂ.૨.૪ કરોડના વિવિધ ૬૭ વિકાસકામોની જાહેરાત

રૂ,૧.૨૫ કરોડના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૫ કામોના લોકાર્પણ કરાયા: રૂ.૨૬.૫૨ કરોડની નગરપાલિકા જળ વિતરણ યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી જાહેર : રૂ.૨.૭૧ કરોડ રોડ સ્ટ્રીમ વોટર કામગીરી માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ :વિવિધ યોજનાના ૧૩ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ એનાયત કરાઈ

ભુજ :મુંદ્રા બારોઈ નગરપાલિકાના વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત મુદ્રા ખાતે વિકાસ રથને નગરજનોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂ.૨.૦૪ કરોડના  વિવિધ ૬૭ વિકાસકામોની જાહેરાત કરવામાં આવી હતી. રૂ.૧.૨૫ કરોડના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૫ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી રૂ.૨૬.૫૨ કરોડની નગરપાલિકા જળ વિતરણ યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી જાહેર કરવામાં આવી છે તેમજ રૂ.૨.૭૧ કરોડ રોડ સ્ટ્રોમ વોટરની કામગીરી માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે એમ પ્રાસંગિક પ્રવચનમાં મુંદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ  કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી આજે આપણી નગરપાલિકાનો જે વિકાસ થયો છે તેને જોઈ શકીએ છીએ. આગામી સમયમાં પણ વિવિધ વિકાસકામો કરવામાં આવશે.

આ પ્રસંગે વિવિધ યોજનાના ૧૩ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસની ૬ કીટ અને વ્હાલી દીકરી યોજનાના ૭ હુકમપત્ર અપાયા હતા. આઈસીડીએસ આંગણવાડીના બાળકોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ લોકોએ મન ભરીને માણી હતી તેમજ ખૂબ પસંદ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વાનગી હરીફાઈ અને કીટ પ્રદર્શન યોજાયું હતું. લાભાર્થીને પીએમજેએવાય- આયુષ્યમાનકાર્ડ, સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સગર્ભાને પોષણકીટ અપાઈ હતી.

   વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ગુજરાતમાં ૨૦ વર્ષથી શરૂ થયેલી વિકાસગાથા અને સરકારના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતા વિકાસરથનું મહત્વ અને અપાયેલી યોજનાના લાભો વિશે અગ્રણી દિલીપ ગોરે પણ પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કોરોના પ્રતિરોધક રસીનો લાભ પણ લોકોએ લીધો હતો. વિકાસરથના આગમન સમયે  બાલિકાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. રાજ્યના સાર્વત્રિક તથા પ્રાદેશિક વિકાસની ફિલ્મ તથા વિકાસ ગાથા અંગેના વડાપ્રધાનના વક્તવ્યોની ટૂંકી ફિલ્મનું નિર્દેશન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, નગરપાલિકાના કારોબારી ચેરમેન ડાહ્યાભાઈ આહીર, અગ્રણી સર્વ  પ્રવીણભાઈ જોશી, પ્રકાશભાઈ પાટીદાર, વિનુભાઈ થાનકી નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્રભાઈ સોલંકી, મેડિકલ ઓફિસર યુવરાજસિંહ ચુડાસમા, સુપરવાઇઝર  પ્રકાશભાઈ ઠક્કર, કાઉન્સિલર સર્વ  ભોજાભાઈ, દિલીપભાઈ, ઉર્મિલાબેન ગઢવી, મોહિનીબા ચુડાસમા, રાજેન્દ્રસિંહ મોડ તેમજ આરોગ્યકર્મીઓ આંગણવાડીની બહેનો કાઉન્સિલર સર્વશ્રીઓ અને નગરજનો, લાભાર્થીઓ અને બાળકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

(12:34 am IST)