Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાપર તાલુકાના રવ મોટી ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથને ઉત્સાહભેર આવકાર

ગંગાસ્વરૂપા સહાય યોજનાના સાત લાભાર્થીઓને હુકમપત્રકો એનાયત કરાયા:૮૦થી વધુ લોકોએ વંદે ગુજરાત વિકાસ અંતર્ગ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો લાભ લીધો

ભુજ :રાપર તાલુકાના રવ મોટી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થતા ગામ લોકોએ સામૈયું કરીને રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ વંદે વિકાસ યાત્રાના રથનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ રથ આપણે આંગણે પધાર્યો છે તો તેનું આપણે હર્ષથી સ્વાગત કરીએ. આ સાથે તેઓએ અનુરોધ કરતાં ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ જનહિતલક્ષી યોજનાઓનો લાભ સૌએ લેવો જોઈએ.

    આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, દેશને મજબૂત બનાવવા માટે ગામડાના લોકોએ મજબૂત બનવું પડશે. તેઓએ સરકારની વિવિધ યોજનાની ઝીણવટપૂર્વકની માહિતી ઉપસ્થિત સૌને આપી હતી.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના વગેરેના લાભો વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્ધારા વિનામૂલ્યે પ્રિકોશન ડોઝના કેમ્પનું આયોજન કરાયું હતું જેનો ૮૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ રાજુભા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન શાહ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ  શક્તિસિંહ, સરપંચ ભીખાભાઈ, વિસ્તરણ અધિકારી કે.એમ ડામોર, વિસ્તરણ અધિકારી બી.પી.ગોસાઈ, તલાટી હિતેશભાઇ પ્રજાપતિ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્ય સ્ટાફ, વિદ્યાર્થીઓ, શિક્ષણગણ  તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 am IST)