Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ભાણવડ પાલિકાના પ્રમુખપદે જીજ્ઞાબેન જોશી, ઉપપ્રમુખ ઉમરભાઇ સમાના નામ મોખરે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાલિકા ઉપર કોંગ્રેસે કબ્જો મેળવ્યા બાદ સોમવારે ચૂંટણી યોજાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૩ : ભાણવડ નગરપાલિકા માં કોંગ્રેસ બહુમતી સાથે સત્તાનું સુકાન સંભાળ્યા પછી તેના સુકાનીઓની વરણી મુદ્દે સોમવારે ચૂંટણી યોજાવાનું જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં પ્રથમ અઢી વરસ મહિલા અનામત હોવાથી પ્રમુખ પદ માટે વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલા મહીલા ઉમેદવાર જીજ્ઞાબેન હિતેશભાઈ જોશી તથા ઉપપ્રમુખ તરીકે ઉમરભાઈ સમાનું નામ અપેક્ષિત તરીકે ચર્ચાઈ રહ્યું છે જોકે સત્તાવાર રીતે સોમવારે જ ચૂંટણી થયા બાદ આ નામો છે કે કોઈ અન્ય હોદ્દેદારોના નામ છે તે જાહેર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૫ વર્ષથી ભાણવડ પાલિકામાં ભાજપનું શાસન હતું તેમાં પરિવર્તન આવ્યું છે અને લોકોએ કોંગ્રેસને સત્તા સોંપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાલિકામાં તાજેતરમાં પેટા ચૂંટણી ૧૪ માસ માટે યોજાઇ હતી. જેમાં ૨૫ વર્ષ પછી ભાજપને હટાવીને કોંગ્રેસે ૨૪માંથી ૧૬ની તોતીંગ બહુમતિ મેળવીને ઇતિહાસ સર્જયો હતો તે ભાણવડ પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી તા. ૨૫-૧૦-૨૧ના સોમવારે યોજાનાર હોવાની જાહેરાત થઇ છે.

ચૂંટણી અધિકારી તરીકે ખંભાળીયા પ્રાંત અધિકારી શ્રી સંજય કેશવાળા છે. જેઓ સવારે ૧૧ વાગ્યે ચૂંટણી કરાવશે. પ્રમુખ તરીકે બીન અનામત છે.

કોંગ્રેસ દ્વારા રવિવાર સુધીમાં નામો નક્કી કરવામાં આવનાર છે. લોહાણા, સતવારા તથા બ્રાહ્મણ પૈકી એક ઉમેદવાર પ્રમુખ તરીકે નક્કી થાય અને બાકીની જ્ઞાતિઓને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનમાં સમાવવામાં આવે તેવી તજવીજ ચાલી રહી છે.

ભાણવડમાં સોમવારે ૨૫ વર્ષ પછી કોંગ્રેસનું શાસન આવશે તે પણ નોંધપાત્ર ગણાય છે તથા ૨૦૨૨માં ધારાસભા ચૂંટણીઓ છે.

(1:37 pm IST)