Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મેઘકૃપાથી મોરબી જિલ્લાના દસ પૈકી નવ જળાશયમાં નવા નીર આવ્યા.

સૌથી વધુ બંગાવડી ડેમમાં 12.43 ફૂટ નવું પાણી આવ્યું : મચ્છુ-3માં નવા નીર ન આવ્યા

મોરબી : છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં વરસી રહેલ સાર્વત્રિક મેઘકૃપાને પગલે મોરબી જિલ્લામાં આવેલા 10 જળાશયો પૈકી 9 જળાશયોમાં નોંધપાત્ર કહી શકાય તેટલો નવો જળજથ્થો આવ્યો છે. જેમાં સૌથી વધુ બંગાવડી અને ડેમી-1 ડેમમાં વિશાળ જળરાશી આવી છે તો મચ્છુ-3 જળાશયમાં નવા નીરની જરાપણ આવક નોંધાઈ નથી

  રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા મોરબી જિલ્લાના 10 જળાશયોમાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન નવા પાણીની ધીંગી આવક નોંધાઈ છે. ઉપરાંત ડેમ સાઈટ ઉપર વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો છે. સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મચ્છુ-1 ડેમસાઇટ ઉપર 116 મીમી, મચ્છુ-2 ઉપર 65 મીમી, મચ્છુ-3 ઉપર 58 મીમી, ડેમી-1 ઉપર 85 મીમી, ડેમી-2 ઉપર 87 મીમી, ડેમી-3 ઉપર 150 મીમી, બંગાવડી ડેમ ઉપર 70 મીમી, ઘોડાધ્રોઇ ડેમ સાઈટ ઉપર 50 મીમી, બ્રાહ્મણી ડેમ ઉપર 55 મીમી, અને બ્રાહ્મણી-1 ડેમ સાઈટ ઉપર 30 મીમી વરસાદ નોંધાયો છે.

  છેલ્લા 24 કલાક દરમિયાન ડેમ સાઈટ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ 10 જળાશય પૈકી 9 જળાશયમાં નવો જળજથ્થો આવ્યો છે. જે પૈકી મચ્છુ-1માં 1.94 ફૂટ, મચ્છુ-2માં 1.97 ફૂટ, મચ્છુ-3માં 00.00 ફૂટ, ડેમી-1માં 10.76 ફૂટ, ડેમી-2માં 1.31 ફૂટ, ડેમી-3માં 4.27 ફૂટ, ઘોડાધ્રોઇમાં 3.44 ફૂટ, બંગાવડી ડેમમાં 13.10, બ્રાહ્મણી ડેમમાં 0.46 અને બ્રાહ્મણી-1 ડેમમાં 1.64 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ હોવાનું સિંચાઈ વિભાગના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

(12:45 pm IST)