Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પોરબંદરમાં કોરોના વહેલી તકે નાબુદ થાય તેવી પ્રાર્થના સાથે ગણેશજીનું પૂજન કરતા સુદામા કોમ્પલેક્ષના વેપારીઓ

પીઓપીની મૂર્તિને બદલે ઘર કે દુકાને રાખેલ ગણપતિ મૂર્તિનું સ્થાપન કરવાનું નવતર આયોજન

પોરબંદર, તા. ર૮ : સોબર ગૃપ અને સુદામા કોમ્પલેક્ષના વેપારી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે ગણેશ ઉત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારની મૂર્તિઓ બનાવવાનો ખર્ચ કે લાઇટ, મંડપ જેવા અન્ય ખર્ચ કરવાને બદલે વેપારીઓએ કાયમી ઘર-વેપારના સ્થળે રાખેલી મૂર્તિઓનું જ દિલીપભાઇ ધામેચાની ઓફીસ ખાતે પાંચ દિવસ સ્થાપન કરી પૂજા-અર્ચના કરી હતી અને ફરી પાછી વેપારીઓ તેમજ વેપાર-ધંધા સ્થળે પૂજામાં રાખી દીધા છે. વિસર્જનને બદલે આ પ્રકારનું નવીનતમ આયોજનને સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓએ આ આયોજનને બિરદાવ્યું છે. આ ગણેશ મહોત્સવની કાયમી પૂજાવિધિ પ્રદીપભાઇ જોશી દ્વારા કરવામાં આવી હતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય જરૂરી તકેદારી સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. કોરાના નાબુદી માટે ગણેશજીને પ્રાર્થના કરાઇ હતી.

ગણપતિનું સ્થાપન માટીની પી.ઓ.પી.ની મૂર્તિઓ લેવાને બદલે પોતાના ધંધાના કે ઘરે ગણપતિની વિધિવત સ્થાપન કરવાનું આ નવતર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. દર વર્ષે નવી-નવી પ્રતિમાઓ બનાવવામાં બહોળા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે અને તે ખર્ચ ખરેખર કોઇ જરૂરીયાતમંદને આપીને પણ સાચા અર્થમાં ગણપતિની ઉપાસના થઇ શકે છે.

જે ગણપતિને આપણે બારેમાસ પૂજતા હોઇ એ તે જ ગણપતિની પ્રતિમાને ગણેશચોથના દિવસે આપણે ઓફીસમાં કે ઘરમાં સીમિત રાખી બહારથી ગણપતિની મૂર્તિઓ લઇ પાંચથી દસ દિવસ બાદ તે જ પ્રતિમાને પાણીમાં પધરાવતી વખતે ગણપતિની મૂર્તિઓ સામસામી અથડાઇને તૂટી જતી હોય છે અને પધરાવા આવેલ અન્ય ભાવિકોના પગમાં પણ ગણપતિ કચડાતા પણ હોય છે. ત્યારે બારેમાસ જે ગણપતિનું પૂજન કરીએ છીએ તે જ ગણપતિનું પૂજન તેના દિવસો દરમિયાન થાય તે વધુ ઉચિત ગણાય. કોરોના વાયરસ સંદર્ભે સંપૂર્ણ સાદગીભર્યા માહોલમાં ગણેશજીની પૂજા-અર્ચના કરીને કોરોના વાયરસથી ભારત વહેલી તકે મુકત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(11:51 am IST)