Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કચ્‍છ : ઔદ્યોગિક વિકાસની હરણફાળ સાથે હજીયે અપાર શક્‍યતાઓ

૪૫,૬૫૦ ચોરસ કિલોમીટરનો વિસ્‍તાર ધરાવતો દેશનો સૌથી મોટો કચ્‍છ જિલ્લો ૨૦૦૧ ના ભૂકંપ પછી સરકારના પ્રોત્‍સાહન થકી આજે ઔદ્યોગિક વિકાસની હરણફાળ સાથે આગળ ધપી રહ્યો છે. ભૂકંપ પહેલાં કચ્‍છમાં માત્ર ૨૫૦૦ કરોડનું ઔધોગિક મૂડી રોકાણ હતું પરંતુ રણ અને દરિયાથી ઘેરાયેલા આ જિલ્લામાં આજે મૂડી રોકાણનો આંક અંદાજે ૧,૪૦,૦૦૦ કરોડ ઉપર પહોંચ્‍યું છે. વિવિધ ઔધોગિક ઉત્‍પાદનોમાં અગ્રેસર કચ્‍છ જિલ્લો હજીયે ઔધોગિક વિકાસ માટેની અપાર શક્‍યતાઓ ધરાવે છે.

અલ્‍ટ્રાટેક અને સાંઘી જેવા સિમેન્‍ટ પ્‍લાન્‍ટસ વિશ્વના સૌથી મોટા પ્‍લાન્‍ટસમાંના એક છે. સો પાઈપ ઉત્‍પાદન માટે વિશ્વનું બીજું સૌથી મોટું હબ છે. વેલસ્‍પન કોર્પ, જિંદાલ સો, રત્‍નમણિ મેટલ એન્‍ડ ટ્‍યુબસ વગેરે મોટા પાયાના એકમો જિલ્લામાં કાર્યરત છે. વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ટેક્‍સટાઈલ પ્‍લાન્‍ટ વેલસ્‍પન ઈન્‍ડીયા કચ્‍છમાં છે. બી.કે.ટી કંપનીનું વિશાળ ટાયર ઉત્‍પાદન કરતું એકમ અહીં છે. દીનદયાળ પોર્ટ કંડલા અને અદાણી પોર્ટ મુન્‍દ્રા બન્ને મળીને દેશની કુલ આયાત નિકાસના ૩૦ ટકા માલ સામાનની હેરફેર કરે છે. દેશની નિકાસને વેગ આપતાં બે સ્‍પેશ્‍યલ ઈકોનોમિક ઝોન કચ્‍છમાં છે. કંડલા સ્‍પેશ્‍યિલ ઈકોનોમિક ઝોન (KASEZ) એશિયામાં પહેલું અને ભારતમાં મુખ્‍ય મલ્‍ટી પ્રોડક્‍ટ SEZ પૈકીનું એક છે. વર્ષ ૨૦૨૧/૨૨ માં ૯૧૭૨ કરોડની નિકાસ કરાઈ હતી. અહીં ૨૮૧ એકમોમાં ૨૮૦૦૦ લોકો રોજગારી મેળવી રહ્યા છે. મુન્‍દ્રા મધ્‍યે અદાણી પોર્ટસ અને સ્‍પેશ્‍યલ ઈકોનોમિક ઝોન એ ભારતનું સૌથી મોટું મલ્‍ટી પ્રોડક્‍ટ ઝોન છે.

ઔધોગિક તેમ જ ખાદ્ય વપરાશ માટેના દેશમાં ઉત્‍પાદિત કુલ મીઠાના ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન કચ્‍છમાં થાય છે. અહીં આયોડાઈઝ યુક્‍ત ખાદ્ય નમક બનાવતી ૩૦ જેટલી ફેકટરીઓ છે. ખાદ્યતેલ ક્ષેત્રે અદાણી વિલ્‍માર, કારગીલ જેવી રીફાઈનરીઓ ભારતની કુલ ખાદ્ય તેલની જરૂરિયાતના ૫૦ ટકાથી વધુનું પ્રોસેસિંગ કરે છે. સ્‍પોનજ આયર્ન, ટીએમટી બાર અને અન્‍ય સ્‍ટીલ ઉત્‍પાદનોના ઘણા સ્‍ટીલ પ્‍લાન્‍ટ છે. વિશ્વમાં બેન્‍ટોનાઈટ અને બ્‍લિચિંગ ક્‍લેના ઉત્‍પાદનમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉત્‍પાદક છે. કચ્‍છ જિલ્લો વિશ્વમાં એક માત્ર સૌથી મોટો બ્‍લીચીંગ કલે કોમ્‍પલેક્‍સ હોવાનું ગૌરવ ધરાવે છે. જિલ્લામાં અંજાર, ગાંધીધામ, ભચાઉ અને મુન્‍દ્રા ભારતમાં એક માત્ર ખાસ આયાતી લાકડાનું રૂપાંતર ક્ષેત્ર છે. કચ્‍છમાં રાસાયણિક અને દરિયાઈ રાસાયણિક જેવા કે બ્રોમિન ઉત્‍પાદન કરતા ઉદ્યોગો તેમ જ ઉપભોક્‍તા ચીજ વસ્‍તુઓ માટેના એકમોની મોટી હાજરી છે. અહીં રીન્‍યુએબલ એનર્જી ક્ષેત્રે મોટું રોકાણ છે. આવનારા વર્ષોમાં રીન્‍યુએબલ એનર્જી ક્ષેત્રે   કચ્‍છ જિલ્લાનું સ્‍થાન આગળ હશે.

કે.પી. ડેર

નાયબ કમિશ્નર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, કચ્‍છ(ભુજ)

(12:09 pm IST)