Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાના કારણે મહાભારતના સમયકાળથી નીકળતી રૂપાલની પલ્લી આ વર્ષે નવરાત્રિએ નહીં નીકળેઃ વહિવટી તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય

ગાંધીનગર: કોરોનાની મહામારી વચ્ચે રૂપાલમાં વર્ષોની પરંપરાથી યોજાતી પલ્લી નહિ યોજવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવાયો છે. મહાભારતના સમયકાળથી રૂપાલ ગામે પલ્લી યોજાતી રહે છે. જોકે, આ પલ્લી હવે આ વખતે નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પલ્લીના મેળામાં દર વર્ષે નવરાત્રિની નોમની રાત્રિએ હજારો કિલો ઘી ચઢાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે નોમના દિવસે રાત્રિએ પલ્લી રૂપાલ ગામમાં નીકળે છે. ત્યારે આ વર્ષે આ પ્રથા તૂટશે.

હજારો કિલો ઘી પલ્લી પર ચઢે છે

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી દર વર્ષે યોજાતી હોય છે. રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટતા હોવાનો અંદાજ છે. તો આવામાં રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.

લોકો પોતાની માનતા પૂરી કરે છે

પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. રૂપાલની વરદાયિની માતાની પલ્લી બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર જ્ઞાતિના લોકો સાથે મળીને બનાવે છે. એટલે કે, માતાની પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે. જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે. અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે.

(4:51 pm IST)