Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના કાળ દરમ્યાન

પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીન ટેબલેટની માંગ વધીઃ આડેધડ લેવી નુકશાનકારક

એન્ટીબાયોટીક ટેબલેટનો ઓવરડોઝ કે પછી ડોકટર્સની સલાહ વગર લેવી ખતરનાક સાબિત થઇ શકે છે : તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવવું વિગેરેમાં તથા વાયરલ ઇન્ફેકશનમાં ઉપયોગી બંને ટેબલેટ ડોકટર્સમાં પણ ફેવરીટ

રાજકોટ તા. ૧ :.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID-19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકોને સંક્રમિત કર્યા છે તથા લાખો લોકોનો ભોગ લીધો છે. આવા સમય વચ્ચે તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવવું વિગેરેમાં તથા કોરોના - વાયરલ ઇન્ફેકશનમાં ડોકટર્સ દ્વારા આપવામાં આવતી પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીન ટેબલેટની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

માર્ચ-ર૦ર૦ થી અત્યાર સુધીના સેલિંગ ફીગર ઉપર નજર કરીએ તો પેરાસિટામોલ તથા એઝીથ્રોમાઇસન ટેબલેટનું વેચાણ ઘણું વધ્યું છે. ડોકટર્સ દ્વારા પણ બંને ટેબલેટ વધુ પ્રિફર કરાતી હોવાનું મેડીકલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનની અમુક સરકારી હોસ્પિટલમાં તો મોટાભાગના પ્રિસ્ક્રીપ્શન્સમાં આ બંને ટેબલેટ લખાતી હોવાની ચર્ચા છે. કોઇક કિસ્સામાં તો પેશન્ટ દ્વારા એક જ પ્રિસ્ક્રીપ્શન ઉપર બબ્બે વખત આ દવાઓ લેવાતી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

જો કે બંને દવાઓ આડેધડ લેવી નુકશાનકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને એઝીથ્રોમાઇસન જેવી એન્ટીબાયોટીક દવાનો ઓવરડોઝ કે પછી ડોકટર્સની સલાહ વગર લેવાતો મનઘડત ડોઝ ખતરનાક સાબિત થઇ શકે છે. ઘણા બધા લોકો પોતાની રીતે જ આ દવાઓ લેવા લાગ્યાનું ખાસ કરીને રાજસ્થાનમાં દેખાઇ રહ્યું છે. હકિકતમાં તો જે તે ફ્રેશ તારીખનું ડોકટર્સનું પ્રિસ્ક્રીપ્શન હોય તો જ આવી એલોપેથિક દવાઓનું વેચાણ નિયમ મુજબ  થઇ શકે છે.

પાલી ખાતેના ઔષધિ નિયંત્રણ અધિકારી બલદેવારામ જણાવે છે કે પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીનના વેચાણમાં હાલમાં વાયરલ સિઝનને કારણે ઉછાળો આવ્યો છે. વાયરલ તથા કોરોના સમયને કારણે આવું બન્યું છે. જો કે બંને ટેબલેટના વેચાણ ઉપર ફુડ એન્ડ ડ્રગ વિભાગનો કંટ્રોલ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

બાંગડ મેડીકલ કોલેજ હોસ્પિટલ, પાલી ખાતેના જોઇન્ટ પ્રિન્સીપાલ ડો. વિરેન્દ્ર ચૌધરી જણાવે છે કે પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીન એમ બંને ટેબલેટનો ઓવરડોઝ ખતરનાક સાબિત થઇ શકે છે. ખાસ કરીને એન્ટીબાયોટીક તો ડોકટર્સની સલાહ વગર ન લેવી જોઇએ. લોકો કોરોનાથી ગભરાય નહી કે ભય ન રાખે (પેનિક ન લે), પરંતુ ડોકટર્સની સલાહ લઇને યોગ્ય રીતે સારવાર લે.

ઘણી વખત અમુક દવાઓના ઓવર-ડોઝને કારણે શરીરના વિવિધ અંગો ઉપર નકારાત્મક અસર પડતી હોવાનું અને ઓવરડોઝ નુકશાનકારક હોવાનું મેડીકલ ફીલ્ડના સૂત્રો કહી રહ્યા છે.

(2:40 pm IST)